Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

શિહોરના ધવલની અનોખી ગૌ સેવા

કાચ, પ્લાસ્ટીક, ધારદાર લોખંડનો ભંગાર એકત્ર કરી ઉપજની રકમ અબોલ જીવોને અર્પણ કરે છે

'તમારી પાસે જૂની, વપરાયેલી જેટલી બ્લેડ, સજીયા કે કાતર હોય એ મને આપો' શિહોર શહેરમાં એક વાણંદની એરકન્ડીશન્ડ બાલ કાપવાની દુકાનમાં એક જુવાન આવીને બોલ્યો. સીટ ઉપર બેઠેલા ગ્રાહકો સહિત વાણંદભાઈ આશ્ચર્યથી એ કોલેજીયન જેવા લાગતા યુવક સામે જોઈ રહ્યા.

ભાવનગર જિલ્લાના શિહોર શહેરમાં ગૌસેવાના અભિનવ ભેખધારી એ યુવકનું નામ ધવલ અશ્વિનભાઈ રાજયગુરૂ. શિહોર ટાઉનની જીઈબી ઓફીસમાં એની ટેકનીકલ સ્ટાફ તરીકે નોકરી. નોકરી ઉપરાંતના ફ્રી સમયમાં ઝોલી લઈને આખા શહેરમાં લતે લતે ફરી વળે. વાણંદની દરેક દુકાનમાં જઈને વિનંતી કરે, સમજાવે. વારંવાર ધક્કા ખાઈને નકામી બ્લેડ વગેરે ઉઘરાવે. આસપાસના પાંચ - છ ગામમાં આ રીતે ફરી વળે અને વપરાયેલી બ્લેડ ઓઝાર ઉઘરાવે. મહિને કિલો મોઢે ભેગી થયેલી બ્લેડ્સને કાષ્ટીંગના કારખાનામાં ઓગાળવા માટે દઈ આવે. કાસ્ટીંગવાળા જોખ કરે ''ભાઈ આ ૩૦ કિલો થઈ, લ્યો આટલા પૈસા'' પણ પોતે એક પૈસો ન લે અને કહે કે ''આપ આ પૈસા થોડા ઉમેરીને ગૌસેવામાં વાપરજો.'' લોઢાના કારખાનાવાળા આશ્ચર્યથી જોઈ રહે કે આવો કોઈ ભંગાર આપવાવાળો હજી સુધી નથી જોયો.

આ પ્રવૃતિનું પ્રેરણાબીજ એક પ્રેરક પ્રસંગમાંથી પ્રાપ્ત થયું. ધવલભાઈને શિહોરમાં કોઈ રસ્તેથી ચાલીને જતી વખતે એની દૃષ્ટિ એક ઉકરડા પાસે ઉભેલી ગાય ઉપર પડી. ગાયની જીભમાં અને હોઠમાંથી લોહી નીકળતુ હતું. ત્યાં નજીક જઈને જીણવટથી જોતા એ ઉકરડામાં અસંખ્ય બ્લેડના ટુકડા, ખીલી વગેરે કોઈએ ફેંકેલા પડ્યા હતા. એની આજુબાજુ, અઠવાડ વેરાયેલો પડ્યો હતો. જે ખાવા જતા ગાયને ભયંકર વેદનાકારક ઈજા થઈ હતી. બસ વિજળીના ચમકારે મોતીડુ પરોવાઈ ગયુ. એ પ્રસંગે આ યુવકના જીવને ઢંઢોળ્યો અને એણે સંકલ્પ કર્યો કે હવે આવા મુંગા પશુઓને બચાવવા માટે હું કંઈક કરીશ.

શુભ સંકલ્પોને શરૂઆતની તપ - તિતિક્ષાનું બળ મળ્યા બાદ, કુદરત તરફથી ખૂબ સહકાર મળે છે. પોતાની શેરીની દુકાનોથી શરૂ કરેલી સેવા સફર આખા શહેરમાં વ્યાપક બની અને ત્યારબાદ આજુબાજુના પાંચ સાત ગામોમાં પ્રસરી પછી આ વ્યાપને વિસ્તૃત ક્ષેત્ર મળ્યુ. ગામના શહેરના કાચના, વેપારીઓ, ઈલેકટ્રીક સામાનની દુકાનો, કંસારાની દુકાનોમાં ફરીને તૂટેલા કાચના વાસણો, તૂટેલા કપ રકાબી, ઉડી ગયેલા વિજળીના ગોળા અને ટ્યુબલાઈટો, ખીલી ઉઘરાવવાનું શરૂ કર્યુ. સુજ્ઞ લોકો તરફથી સહકાર મળતો ગયો. કોથળા મોઢે ભેગો કરાયેલ આવો કાચનો ભંગાર હવે યોગ્ય નિકાલ પામે છે. જેથી કોઈપણ પશુને મોઢામાં, શરીરમાં કે પગમાં એના કારણે ઈજા ના પહોંચે. વેરાન જમીનમાં ગામથી દૂર જમીનમાં ઉંડો ખાડો કરી આ કાચના ભંગારનો નિકાલ કરવામાં આવે છે અને આ બધુ કામ ધવલ રાજયગુરૂ વર્ષોથી એકલપંડે ગૌસેવા એ જ પ્રભુ સેવા ગૌસેવા એ જ રાષ્ટ્રસેવાના ભાવથી કરે છે.

સમયાંતરે સેવાનું તપ જેમ જેમ પાકતુ ગયુ તેમ તેમ શિહોર શહેરના સજ્જન વેપારીઓ, સુજ્ઞ નાગરીકો, સંતો, શ્રેષ્ઠીઓ અને જૈન સંતોનો સહકાર, આર્શીવાદ મળતા આ અનોખી કરસેવાનો વ્યાપ વધ્યો છે.

ધવલભાઈ રાજયગુરૂ સજજળ નેત્રે લોકોને સમજાવતા કહે છે કે કયારેય ઘરનો જોખમી કચરો જેવો કે વપરાયેલી બ્લેડ, પીન, તૂટેલા કાચના વાસણો, વિજળી ગોળા પ્લાસ્ટીકની કોથળીઓનો ઉકરડે ફેંકીને નિકાલ ન કરો. એનાથી નિર્દોષ પશુધનને અત્યંત કારમી પીડા વેઠવી પડે છે. ઘણી વાર આ યુવક ગામનો ઉકરડો ફંફોસતો જોવા મળે છે અને આવી કાચ, ખીલી, બ્લેડ જેવી જોખમી વસ્તુ ભેગી કરે છે.

આ એક એવા પ્રકારની શરૂઆત છે જેની પહેલ હજુ સુધી કોઈએ કરેલ નથી. એક એકલો યુવક જો આટલુ એકલપંડે કરી શકતો હોય તો એમાંથી આપણે સૌએ પ્રેરણા લેવાની છે અને અબોલ જીવો પ્રત્યેની અનુકંપાને કાર્યમાં રોજબરોજના જીવનમાં આચરવાની છે, જગાડવાની છે.

આ લેબ સાથે સાદી સરળ ભાષામાં ધવલ એ. રાજયગુરૂએ લખેલો પત્ર સામેલ છે. જે વાંચીને દરેકનું દિલ પવિત્ર થઈ જશે.

:: આલેખન :: યોગેશ એન. ઠાકર

રાજકોટ મો. - ૮૭૮૦૨ ૭૫૧૨૦

ગૌસેવક - ધવલ અશ્વિનભાઈ રાજયગુરૂ

શિહોર, જી. ભાવનગર

મો.૯૮૭૯૪ ૦૫૭૬૪

(11:47 am IST)