Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

સરકારી ચશ્માના બદલે સંવેદનાથી પાણી પ્રશ્ન હલ કરો : કચ્છીમાડુઓ

છતે પાણીએ પાણીની કટોકટીનો સામનો કરતો કચ્છ જીલ્લો : કુંવરજીભાઇ બાવળીયા દ્વારા નિરીક્ષણ

ભુજ તા. ૩ : ગુજરાતમાં સર્જાયેલા જળસંકટની વાસ્તવિક સ્થિતી મીડાયાએ દર્શાવતા હવે સરકાર સફાળી જાગી છે. રાજયના વિવિધ મંત્રીઓ આજથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણીની વાસ્તવિક સ્થિતી જાણવા માટે મેદાને પડ્યા છે. ત્યારે રાજયના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા કચ્છના બે દિવસના પ્રવાસે આવ્યા છે. આમતો તેમની આ મુલાકાતથી લોકોને રાહત થવી જોઇએ પરંતુ તેમની મુલાકાતમાં પાણીની સમસ્યાથી અછતગ્રસ્ત એક પણ વિસ્તારની મુલાકાત ન હોતા તેમની આ મુલાકાત માત્ર ઔપચારીક બની રહેશે તેવી વાતો ચર્ચાઇ રહી છે.

કેમકે પાણીની સમસ્યા નિવારવા તેઓ પાણી માટે સંકટમોચક ડેમોના નિરીક્ષણ સિવાય માત્ર તંત્ર સાથે બંધ બારણે બેઠક કરવાના છે. પરંતુ જો તેઓ વાસ્તવિકતા જાણવાના પ્રયત્ન સાથે કચ્છ આવ્યા હોત તો ચોક્કસ તેમના કાર્યક્રમમાં બન્ની લખપત સહિત કચ્છના અસંખ્ય અછતગ્રસ્ત વિસ્તારો પૈકી એક વિસ્તારનો સમાવેશ થયો હોત. પરંતુ તેમની આ મુલાકાત માત્ર સરકારી ચશ્મા પહેરી બે દિવસ સુધી કચ્છના પાણીના પ્રશ્ર્નો સાંભળવા પુરતીજ સમિતી રહે તેવુ લાગી રહ્યુ છે. જેમાં વર્ષોથી આંકડાની યોજનાઓની માયાજાળ રચી વર્ષોથી ચાલી આવતી ખામીઓને ઢાંક પીછોડો કરવા પાણી પુરવઠા મંત્રી તરીકે કુંવરજીભાઈને અવગત કરાશે અને થોડી જાહેરાતો કરાવી ફરી નવા પ્રોજેકટની શરૂઆત.

નર્મદા પર કચ્છનો હક્ક સૌથી વધુ પણ અન્યાય સૌથી વધુ કચ્છને

કચ્છે અગાઉ આમતો અનેક દુષ્કાળ જોયા છે. અને તેથીજ નર્મદાની વાત આવ્યા ત્યારે કચ્છના અનેક લોકો યાદ આવે છે કે જેમણે નર્મદાના સપના જોવામાં જીવન ખપાવી દીધુ. નર્મદાની વાટ જોવામાં તેમની આંખો મીચાઈ ગઈ. અનેક લોકોએ નર્મદાની રજુઆત માટે ચંપલો ધસી નાંખી. આજે જયારે અછત અને દુષ્કાળ ની પરિસ્થિતિમાં કચ્છને નર્મદાની જરૂરીયાત છે. ત્યારે નર્મદાનો પુરતો લાભ કચ્છમાં અછત હોવા છતા પણ મળતો નથી, એ હકીકત છે. અત્યારે કચ્છમાં જયારે પીવાના પાણી માટે કોઇ અન્ય વિકલ્પ નથી ત્યારે નર્મદાજ કામ આવે છે. પરંતુ નર્મદાનું પાણી મળવા છતાં કચ્છના છેવાડા સુધી લોકોને નર્મદાનો લાભ પહોંચતો નથી. તે કરુણ વાસ્તવિકતા છે. જેના માટે કચ્છની નબળી નેતાગીરી ઉપરાંત વર્ષોથી કચ્છમાં એકજ સ્થાને ચીપકી બેઠેલા પાણી પુરવઠાના અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે.

કેમકે નિષ્ણાતો એવા દાવો કરે છે,કે કચ્છની પાણીની કુદરતી સમસ્યા સામે લડવા માટે બનાવાયેલી નર્મદા યોજના આજે લોકોને ઉપયોગી થઇ શકતી નથી. અત્યારે નર્મદાના છતે પાણીએ કચ્છ જિલ્લામાં પીવાના પાણીની માનવ સર્જીત કૃત્રિમ અછત ઉભી થઇ છે. પરિણામે જે જિલ્લાના રણપ્રદેશ અને પાણીની સમસ્યાને ધ્યાને રાખીને યોજના બની છે, તે કચ્છ જિલ્લાને સરકાર દ્વારા દરરોજ પીવાનું પાણી ૩૫૦ એમએલડી 'દરરોજ' અપાતું હોવા છતાંયે કચ્છમાં એક એક અઠવાડિયા સુધી કયારેક તો ૧૦/૧/ દિવસે માંડ એક વાર જ પાણી અપાય છે. દરરોજનું કરોડો લીટર પાણીની પાણી ચોરીઙ્ગ 'વોટર માફિયા'ઓ અને પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓની મિલીભગત કરાય છે. સરકારને અધિકારીઓ ગાંઠતા નથી એટલે છતે પાણીએ સરકાર બદનામ થાય છે. આમ નર્મદાના મુદ્દે કચ્છને સતત અન્યાય થઇ રહ્યો છે.

સંવેદનાથી જોજો સમસ્યા દેખાશે

ભલે સરકાર મોડી જાગી હોય પણ, મંત્રી કુંવરજીભાઇ આપ જયારે સરકારના પ્રતિનિધિ તરીકે કચ્છની ૨૨ લાખની માનવ વસ્તી તેમ જ ૧૭ લાખ જેટલા પશુધનની પીવાના પાણીની સમસ્યાનું દર્દ જાણવા આવ્યા છો, ત્યારે કચ્છી પ્રજાની આપને વિનંતી છે કે, આપ સરકારી ચશ્માને ઉતારીને કચ્છી પ્રજાની પાણીની સમસ્યાને સંવેદનાપૂર્વક સમજજો.

કચ્છની આપણી બે દિવસના પ્રવાસ કાર્યક્રમ પ્રમાણે આપ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે નહી જાવ ત્યારે કચ્છના પશુપાલકો ઇચ્છશે કે તેમના વિસ્તારની એકવાર મુલાકાત લઈને આપ સરકારી ચશ્મા દુર કરી તેમની પાણીની સમસ્યાને સંવેદનાથી નિહાળો તો આપશ્રીને વર્તમાન સમસ્યા દેખાશે. કેમકે આજે બન્ની બેહાલ છે. અડીખમ અબડાસા આજે ભાંગી ગયુ છે.ઙ્ગ કચ્છના આવા અનેક વિસ્તારો છે, લાખેણુ લખપત પરેશાન છે.ઙ્ગ આઘાતજનક વાત એ છે કે, સરકાર દ્વારા પૂરતું પાણી અપાતું હોવા છતાંયે આજે કચ્છ જિલ્લો પાણી કટોકટીનો સામનો 'છતે પાણીએ' કરી રહ્યો છે. ત્યારે માત્ર મીટીંગ અને મુલાકાત નહી પરંતુ જમીની હકીકત જાણવાનો પ્રયાસ કરશે તો સમસ્યા ચોક્કસ દેખાશે અને પ્રજાના જવાબદાર પ્રતિનિધિ તરીકે કચ્છની માનવ સર્જીત પાણીની સમસ્યાનો ઉકેલ કરી શકશો. આ સમાચાર દ્વારા 'અકિલા'એ લોકોની અને પશુઓની પીવાના પાણીની સમસ્યા તેમના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે.

(11:41 am IST)