Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

સુરેન્દ્રનગરમાં સૂર્યપ્રકોપઃ ૧ દિ'માં ૬પ પશુ-પક્ષીના મોત

રણ વિસ્તારમાં ઝૂંપડામાં પાણી ખૂટી ગયા-પારો ૪૬ ડીગ્રીએ પહોંચ્યોઃ અગરીયાઓ મુસીબતમાં મૂકાયાઃ ભાવનગરમાં ૩ દિ'થી ભુક્કા બોલાવતી ગરમીઃ મહત્તમ તાપમાનનો પારો એકધારો ઉંચે ચડી જતા જનજીવન અસ્તવ્યસ્ત

રાજકોટ તા. ૩ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ધોમધખતા તાપ સાથે ઉનાળો બરાબરનો જામ્યો છે અને મહત્તમ તાપમાનમાં સતત વધારો થતો જાય છે. સવારના સમયે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ 'લૂ' ફુંકાવવાનું શરૂ થઇ જાય છે. અને સાંજના સમયે સૂર્યાસ્ત  સુધી ધોમધખતો તાપ પડે છે.

અસહ્ય ઉકાળટના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે અને ધોમધખતા  તાપથી બચવા માટે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે.

વઢવાણ

વઢવાણ : કાલે ઝાલાવાડમાં તાપમાન ૪૪ ડીગ્રીને પાર થઇ ગયુ અને શહેરના જનજીવન ઉપર તો અસર વર્તાઇ  જ હતી. પરંતુ પશુ - પક્ષીઓ માટે ગઇકાલનું ૪૪ ડીગ્રી તાપમાન  કાળ સાબિત થયુ છે. ત્યારે સુરેન્દ્રનગરમાં આ ગરમીના પારાને સહન ન કરી શકતા કાકર સમાન ગણાતા અને નાના જીવના -જીવન એવી ચકલીઓ ૩૦ જેટલી મોતને ભેટી છે. જયારે કાબરો પાંચ જેટલી મોત થઇ છે. જયારે મરઘા - મરઘીઓ પણ ૧૦ ના મોત થયા છે. આમ ૪પ જેટલા પક્ષીઓના એક જ દિવસમાં જયારે ગરમીના કારણે મોત નિપજયા છે.

જયારે સુરેન્દ્રનગરમાં ર૦ જેટલા પશુઓના પણ મોત નિપજયા છે. ત્યારે ગરમીનો પારો વધવાના કારણે પશુ-પક્ષી ઓની સ્થિતી પરિસ્થિતી ભારે દયાજનક બની રહી છે ત્યારે આટલા બધા પક્ષી-પશુઓના મોત નિપજતા જિલ્લામાં ભારે હાહાકાર સજાવા પામ્યો છે.જયારે રણમાં તો તાપમાનનો પારા ૪૬ ડીગ્રી પાર કરી ગયો છે. જયારે સુરેન્દ્રનગરના આ રણ વિસ્તારમાં પાટડી-દસાડા-ધ્રાંગધ્રા કુંડા, હળવદના ટિકરનું રણ - ખારાગોયા વગેરે ગામમાં ૪પ.ર ડીગ્રી તાપમાનનો પારો રણ વિસ્તારના કારણે વધારે રહ્યો છે જેના કારણે આ વિસ્તાર ૪૬ ડીગ્રી તાપમાનને પાર કરી ગયું છે.

ત્યારે આવા આકરા તાપમાનના કારણે આ રણમાં અગરીયાઓના પરિવારજનો પણ ઝૂંપડાઓમાં પુરાઇ રહ્યા હતા અને આ રણમાં મિઠુ પકવતા અગરના અગરીયા માટે આ કાળઝાળ ગરમી એ ગઇકાલે ભારે મુશ્કેલી - મુસીબત અને આફત સર્જી ચકેલ હતી.

જયારે રણમાં અગરીયાઓને આકાશ લૂ ઓકતુ નજરો નજર-નજારો જોવા જાણવા મળ્યો હોવાના સાથો સાથ અગરીયાઓના ઝૂપડાઓમાં ગઇકાલે પાણી પણ ખુટી ગયા હતા અને પીવા માટેનું પાણી પણ અમુક અમુક ઝૂંપડાઓમાં હોવાના કારણે અગરીયા પીવાના પાણીની મુસીબતમાં મુકાયા હતા ત્યારે અઠવાડીયે ૧૦ દિવસે એક જ ટેન્કર પાણીનું આ રણમાં પીવાના પાણીનુ પહોંચાડાય છે ત્યારે બે-ચાર દિવસે પિવાનું પાણી પહોંચાડાય તેવી આ રણમાં વસતા અગરીયાઓના પરિવારજનોની માંગ ઉઠવા પામેલ છે.

પીવાના પાણી ૧૦ દિવસે ટેન્કર આવવાના કારણે પાણી ભરવાના તુટેલા ફુટેલા સાધનો ના કારણે પાણી સંગ્રહ કરવાની ક્ષમતા-જેવા સાધનો-વાસણો ન હોવાના કારણે કયારેય પાણી જો બધા ઝૂપડામાં ખાલી થઇ જશે તો પાણી વગર અગરીયાઓનાં પરિવારજનોના પણ આવા તાપમાન ના પારા વચ્ચે મોત નિપજશે તો જવાબદાર કોને ગણશો એવા સ્વાલ અગરીયા પરીવારજનો કરી રહ્યા છે. ત્યારે હાહાકાર ગરમીએ જિલ્લામાં મચાવ્યો છે.

ભાવનગર

ભાવનગર : ભાવનગરમાં સતત ત્રીજા દિવસે પણ ગરમીએ ભુકકા બોલાવી દીધા હતાં. ૪૪ ડીગ્રી સાથે સતત ત્રીજા દિવસે પણ ભાવનગર રાજયનું સૌથી ગરમ શહેર બન્યુ હતું.

ગોહીલવાડ પંથકમાં આજે પણ આકાશમાંથી અગન ગોળા વરસતાં જિલ્લો ભઠ્ઠી બનતાં લોકો તોબા પોકારી ઉઠયા હતાં. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી  ઉઠયા હતાં. સાથો સાથ દિવસભર ફુંકાયેલી ગરમ લૂૂ એ લોકોને પરેશાન કર્યા હતાં. ગરમીનો કહેર સતત ચાલુ રહેતાં લોકો પરસેવે ન્હાયા હતાં.

ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ૪૪ ડીગ્રી અને લઘુતમ તાપમાન રપ.૧૮ ડીગ્રી નોંધાયુ છે. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩૧ ટકા અને પવનની ઝડપ ર૮ કિ. મી. પ્રતિ કલાકની રહી હતી.

જામનગર

જામનગર : શહેરનું તાપમાન ૩૭.૬ મહત્તમ, ૭૬ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૩.પ કિ. મી. પ્રતિ  કલાક પવનની ઝડપ રહી હતી. (પ-૧૦)

(11:25 am IST)