Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

કચ્‍છના માંડવી તાલુકાના ભાડીયા ગામે 400 ફૂટ ઉંડા બોરવેલમાં હત્‍યા કરીને લાશના ટુકડા ફેંકી દેવાના કેસમાં 216 પાનાનો ચુકાદોઃ 3ને જન્‍મટીપ

માંડવીઃ કચ્છના માંડવી તાલુકાના ભાડીયા ગામે બે વર્ષ પૂર્વે ચકચારી હત્યા કેસમાં ભુજ કોર્ટે ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. યુવકની હત્યા કરી લાશના પાંચ ટુકડા કરી બોરમાં ફેંકી દેવાયા હતા. છ દિવસ બાદ લાશ મળી હતી. આડા સંબંધની શંકાએ 19 વર્ષીય દેવાંગ ગઢવી નામના યુવાનની હત્યા થઈ હતી. ભુજ કોર્ટે 216 પાનાનો ચુકાદો આપ્યો હતા. જેમાં આરોપી રામ ગઢવી, નારણ ગઢવી અને ખીમરાજ ગઢવીને જન્મટીપની સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ કલ્પેશ સી. ગોસ્વામી અને અધિક જિલ્લા સરકારી વકીલ સુરેશ મહેશ્વરીએ ફરિયાદી પક્ષ વતી પેરવી કરી હતી. મૂળ ફરિયાદી વતી ધારાશાસ્ત્રી હેમસિહ ચૌધરી, દીપક ઉકાણી, ગણેશદાન ગઢવી અને કુલદીપ મહેતા હાજર રહી દલીલ કરી હતી.

શું હતો સમગ્ર હત્યાકાંડ

રિપોર્ટ અનુસાર, દેવાંગ ગઢવી નામનો શખ્સ બિઝનેસના કામથી માંડવીના નાના ભાડીયા ગામમાં રામ ગઢવીના ઘરે વારંવાર જતો હતો. થોડા દિવસો બાદ રામ ગઢવીને શંકા ગઈ હતી કે, દેવાંગ અને તેની પત્ની વચ્ચે આડાસંબંધો છે. તેના બાદ દોષી ખીમરાજ અને નારણ ગઢવીએ દેવાંગને રામની પત્નીને ન મળવાની વોર્નિંગ આપી હતી. પરંતુ દેવાંગ માન્યો ન હતો. તેથી રામ ગઢવીએ પોતાના સાથીઓ સાથે મળીને દેવાંગની હત્યાનો કારસો રચ્યો હતો.

ત્રણેય મળીને હત્યા કરી

આરોપીઓએ દેવાંગને મારવાનો પ્લાન બનાવ્યો હતો. પ્લાન મુજબ, 12 ફેબ્રુઆરી 2018 ના રોજ દેવાંગને ખેતર પર મળવા બોલાવાયો હતો. તેના બાદ દેવાંગ પોતાના માતાપિતાને એવુ કહીને ઘરમાંથી નીકળ્યો હતો કે, તે કામથી બહાર જઈ રહ્યો છે અને બીજા દિવસે સવારે આવશે.

તે દિવસે શું થયું હતું

જ્યારે દેવાંગ ખેતર પર પહોંચ્યો હતો તો રામ ગઢવી તેને તળાવ તરફ લઈ ગયો હતો. જ્યાં ખીમરાજ અને નારણ ગઢવી તેની રાહ જોઈ રહ્યા હતા. ત્યાં પહોંચીને રામે દેવાંગની જમીન પર પછાડ્યો હતો અને બાદમાં ત્રણેયને રસી સાથે બાંધી લીધા હતા. તેના બાદ ત્રણેયને બેરહેમીથી દેવાંગને માર્યો હતો. બાદમાં ત્રણેયે મળીને દેવાંગના મૃતદેહને ઠેકાણે લગાવ્યો હતો.

આરોપીઓએ દેવાંગના મૃતદેહને બોરવેલમાં ફેંકવાનો પ્લાન બનાવ્યો હતો, પંરતુ બોરવેલનું મોઢું નાનુ હોવાથી તેમાં મૃતદેહ નાંખી શકાય એવી હાલત ન હતી. તેના બાદ તેઓ ખેતરમાંથી કુહાડી લઈ આવ્યા હતા, અને દેવાંગના શરીરના 5 મોટા ટુકડા કર્યા હતા. તેના બાદ તેના મૃતદેહને 400 ફીટ ઊંડા બોરવેલમાં ફેંકી દીધો હતો.

જ્યારે આગામી દિવસે 13 ફેબ્રુઆરી, 2018ના રોજ દેવાંગ પોતાના ઘરે પરત ન ફર્યો, તો તેના પિતા માણેક ગઢવીએ પોલીસ સ્ટેશનમાં પોતાના દીકરાની મીસિંગ રિપોર્ટ લખાવી હતી. બાદમાં પોલીસે કોલ રેકોર્ડસના આધારે ખીમરાજ ગઢવી, રામ ગઢવી અને નારણ ગઢવીની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન ત્રણેયે પોતાના ગુનાને કબૂલ્યો હતો અને મૃતદેહ ક્યા છુપાવ્યો છે તે માહિતી આપી હતી. તેના બાદ 400 ફીટ ઊંડા બોરવેલમાઁથી દેવાંગના મૃતદેહને બહાર કાઢવામાં 6 દિવસનો સમય લાગ્યો હતો.

(5:47 pm IST)