Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

મોરબી માર્કેટિંગ યાર્ડમાં મગનભાઇ વડાવીયાનો દબદબો યથાવત

ભાજપ પ્રેરિત સહકાર પેનલ જીતી ગઇ : કોંગ્રેસ પ્રેરિત પેનલને વેપારી વિભાગની ૩ સીટો જીતી

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા.૩: મોરબી માર્કેટિંગ યાર્ડની ચુંટણી માટે બુધવારે મતદાન થયા બાદ ગુરુવારે મોડી રાત્રી સુધી મત ગણતરી ચાલી હતી અને મોડી રાત્રીના પરિણામો જાહેર થયા હતા જેમાં ખેડૂત વિભાગની તમામ ૧૦ બેઠકો સહીત મગનભાઈ વડાવીયાની સહકાર પેનલ ૧૬ માંથી ૧૩ બેઠકો જીતવામાં સફળ રહી છે તો કોંગ્રેસ પ્રેરિત ખેડૂત પરિવર્તન પેનલને ફાળે વેપારી વિભાગની ૦૩ બેઠકો આવી હતી.

મોરબી માર્કેટિંગ યાર્ડની ચુંટણીમાં કોંગ્રેસ ધારાસભ્ય લલીતભાઈ કગથરાએ ઝંપલાવ્યું હતું અને કોંગ્રેસ પ્રેરિત ખેડૂત પરિવર્તન પેનલ મેદાનમાં ઉતરતા મગનભાઈ વડાવીયાની સહકાર પેનલ સાથે સીધી ફાઈટ જામી હતી જોકે વર્ષોથી મોરબી યાર્ડમાં રાજ કરતા મગનભાઈ વડાવીયાનો દબદબો જોવા મળ્યો હતો જેમાં ખેડૂત વિભાગની તમામ ૧૦ બેઠકો સહકાર પેનલ જીતી હતી તો વેપારી વિભાગની ૦૧ અને સંદ્યની ૦૨ મળીને ૧૬ માંથી ૧૩ બેઠકો પર કબજો કર્યો હતો તો કોંગ્રેસ પ્રેરિત પેનલને ફાળે વેપારી વિભાગની ૦૩ બેઠકો ગઈ હતી જોકે મગનભાઈ વડાવીયાનું શાસન યથાવત જોવા મળ્યું છ.

ખેડૂતોની તમામ ૧૦ બેઠકો પર વડાવીયાની પેનલનો કબજો

મોરબી માર્કેટિંગ યાર્ડની ચુંટણીમાં ખેડૂત વિભાગની ૧૦ બેઠકો પર ભાજપ પ્રેરિત સહકાર પેનલે કબજો જમાવ્યો છે જેમાં વિજેતા થયેલા ઉમેદવારોમાં અમૃતિયા હીરજીભાઈ કેશવજીભાઇ, કૈલા પરશોતમભાઈ અવચરભાઈ, જાડેજા ધ્રુવકુમારસિંહ પ્રહલાદસિંહ, બોરીચા આપાભાઈ કાળુભાઈ, ભાગિયા ભવાનભાઈ કુંવરજીભાઈ, ભાડજા મનસુખભાઈ નરશીભાઈ, ભાલોડીયા ભરતભાઈ કરમશીભાઈ, મોરડિયા હરીલાલ મોહનલાલ અને લોરિયા વિનોદભાઈ ગોરધનભાઈ અને હુંબલ વિજયભાઈનો વિજય થયો છે.

યાર્ડની ચુંટણીમાં સંદ્યની બંને બેઠકો પર પણ સહકાર પેનલે કબજો કર્યો હતો જેમાં મગનભાઈ વડાવીયા અને મનહરભાઈ બાવરવાએ જીત મેળવી હતી તો વેપારી વિભાગની ચાર પૈકી એક બેઠક સહકાર પેનલના કેશુભાઈ રૈયાણી જીત્યા હતા જયારે ત્રણ બેઠક પર કોંગ્રેસ પ્રેરિત ખેડૂત પરિવર્તન પેનલના ભરતભાઈ છત્રોલા, બાવરવા કિશોરભાઈ અને બોપલીયા દિનેશભાઈએ જીત મેળવી છે.

(12:33 pm IST)