Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

હળવદ માર્કેટ યાર્ડમાં સોમવારથી લસણની હરરાજીનો પ્રારંભ

હળવદ સહિત આજુબાજુનાં તાલુકાઓમાં પણ આ વર્ષે લસણનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં

(દીપક જાની દ્વારા) હળવદ, તા.૩: અહીં માર્કેટયાર્ડમાં ૫ એપ્રીલથી લસણની હરરાજી કાર્ય ચાલુ થવા જઈ રહ્યુ હોવાનું માર્કેટયાર્ડ દ્વારા જણાવાયું છે. જેથી, હળવદ ઉપરાંત આજુબાજુના તાલુકાના ખેડૂતો પણ હળવદ માર્કેટ યાર્ડમાં ખુલ્લી હરાજીમાં લસણનું વેચાણ કરી શકાશે.

હળવદ ઉપરાંત આજુબાજુના તાલુકામાં આ વર્ષે લસણનું પુષ્કળ વાવેતર થયું છે. જોકે, આ વર્ષે લસણના ભાવ પણ એકાએક ગગડી જતા ખેડૂતોમાં નિરાશા પણ જોવા મળી રહી છે. ત્યારે ખાસ કરીને હળવદ તાલુકાના ખેડૂતોને લસણનું વેચાણ કરવા છેક ગોંડલ અને હાપા માર્કેટ યાર્ડ સુધી જવું પડતું હતું. જેને ધ્યાને લઇ હળવદ ઉપરાંત આજુબાજુના તાલુકાના પણ ખેડૂતો હળવદમાં લસણનું વેચાણ કરી શકે તેવા હેતુ સાથે હળવદ માર્કેટ યાર્ડના સંચાલકો દ્વારા હળવદ યાર્ડમાં જ ૫ એપ્રીલથી લસણની હરરાજી કાર્યના શ્રીગણેશ કરવા જઈ રહ્યા છે

હળવદ માર્કેટ યાર્ડમાં લસણની ખરીદી ચાલુ થવાથી ખેડૂતોને લસણ વેચવા છેક ગોંડલ અને હાપા માર્કેટયાર્ડ સુધી નહીં જવું પડે અને હળવદ માર્કેટ યાર્ડ માં જ ખુલ્લી હરાજીમાં ખેડૂતો લસણનું વેચાણ કરી શકશે.

હળવદ માર્કેટ યાર્ડમાં સૌપ્રથમવાર ૫ એપ્રીલથી લસણની હરરાજી કાર્ય ચાલુ થવા જઈ રહ્યું છે. ત્યારે માર્કેટ યાર્ડના સેક્રેટરી મહેશભાઇ પટેલએ ખેડૂતોને અપીલ કરતા જણાવ્યું હતું કે, ખેડૂત મિત્રોએ મર્યાદિત જથ્થામાં લસણ લઈને આવવું. જેથી હરરાજી પણ થઈ શકે સાથે સાથે તેનો નિકાલ પણ થઈ શકે અને ખાસ તો વ્યવસ્થા પણ જળવાઈ રહે.

હળવદ માર્કેટ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલે જણાવ્યું હતું કે, અત્યાર સુધી તાલુકાના ખેડૂતોને લસણ વેચવા છેક દુરદુર સુધી જવું પડતું પરંતુ માર્કેટયાર્ડ હંમેશા ખેડૂતના હિતમાં નિર્ણય લેતું આવ્યું છે. જેથી તાલુકાના અને આજુબાજુના તાલુકાના પણ ખેડૂતો હળવદ માર્કેટ યાર્ડમાં જ લસણનું વેચાણ કરી શકે તેવી વ્યવસ્થા હળવદ માર્કેટ યાર્ડ દ્વારા કરવામાં આવી છે. ૫ એપ્રીલથી લસણની હરાજી કાર્ય ચાલુ થવા જઈ રહ્યું છે. જેથી ખેડુતોનો સમય અને ભાડું પણ બચશે.

(10:25 am IST)