Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

કેશોદમાં રાશન કાર્ડ ધારકો માટે ડીવાયએસપીએ કરાવી પિવાના પાણીની વ્યવસ્થા

 કેશોદ તા. ૩ :.. જીલ્લા કલેકટર શ્રી દ્વારા જાહેરનામુ બહાર પાડી જીવન આવશ્યક ચીજ વસ્તુ સિવાયના ધંધાર્થીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખવા તથા દુધ, અનાજ, કરીયાણા, શાકભાજી, મેડીકલ જેવી આવશ્યક સેવાઓ સવારે બે કલાક તથા બપોરે બે કલાક ચાલુ રાખવા હુકમ કરેલ છે. અને લોકો દ્વારા જાહેરનામાનો ભંગની થાય તે અંગેની જવાબદારી પોલીસ પર નાખવામાં આવેલ છે. ડીવાયએસપી જે. બી. ગઢવીના માર્ગદર્શન હેઠળ પી. આઇ. એચ. અઇ. ભાદ્રી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાાં માર્ગ પર પોલીસ બંદોબસ્ત ગઠવી સતત પેટ્રોલીંગ ચાલુ રાખેલ છે.

સરકારશ્રી દ્વારા સસ્તા અનાજની દુકાનો ખાતે રાશનકાર્ડ ધારકોને સવારના આઠ થી રાત્રીના આઠ વાગ્યા દરમ્યાન મફત રાશન (અનાજ) વિતરણની કામગીરી ચાલુ હોઇ સસ્તા અનાજની દુકાનો પર સ્વભાવીક રીતે જ રાશન લેવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે.

આ સ્થિતિ વચ્ચે પેટ્રોલીંગમાં નિકળેલ ડીવાયએસપી ગઢવીએ રાશનની દુકાનો પર જઇ રાશનકાર્ડ ધારકો સાથે જરૂરી ચર્ચાઓ કરી એકબીજાથી ત્રણ ફુટ જેટલું  અંતર રાખવા, માસ્ક પહેરવા સહિત વિવિધ સુચનાઓ આપેલ હતી. દરમિયાન ઉનાળાના ભારે તડકા વચ્ચે લોકો લાઇનમાં ઉભેલા હોઇ જે બાબતને ધ્યાને લઇ તાત્કાલીક અસરથી ડીવાયએસપીશ્રીએ રાશનકાર્ડ ધારકો માટે પાણીની વ્યવસ્થા કરાવેલ હતી.

(1:02 pm IST)