Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

ફરજને સલામઃ વડોદરામાં ઘરે પુત્ર જન્મ થયો હોવા છતાંયે પીએસઆઇ પ્રજાપતિ કચ્છના ભદ્રેશ્વર ગામે ફરજ ઉપર

ભુજ,તા.૩: કોરોનાની મહામારી દરમ્યાન દેશમાં અને રાજયમાં પોલીસદળ દ્વારા બજાવાઈ રહેલી ફરજને સૌ દેશવાસીઓ એકી અવાજે વખાણી રહ્યા છે.

પોતાના અંગત પારિવારિક પ્રસંગો અને અણધાર્યા સંજોગો વચ્ચે પણ પોલીસ અધિકારીઓ, જવાનો સૌથી પહેલા પોતાની ફરજને પ્રાધાન્ય આપી રહ્યા છે. કચ્છમાં પણ બનેલા ફરજનિષ્ઠાના આવા જ એક કિસ્સાએ ફરી એકવાર પોલીસનું ગૌરવ વધાર્યું છે. કચ્છના ભદ્રેશ્વર ગામે ફરજ બજાવતા પીએસઆઇ એ.એન. પ્રજાપતિનો પરિવાર વડોદરા રહે છે.

તેમના ભાઈએ તેમને સમાચાર આપ્યા કે, વડોદરામાં તેમના પત્નીએ પુત્રને જન્મ આપ્યો છે. પીએસઆઇ પ્રજાપતિના માતા, પિતા હયાત નથી અને તેમને એક ૭ વર્ષનો પુત્ર પણ છે, જે પત્ની સાથે વડોદરા જ રહે છે. આવા સંજોગોમાં તેમના પત્નીની પ્રસુતિ બાદની સંભાળ માટે તેમની જરૂરત હોવા છતાંયે તેમણે ફરજને પ્રાધાન્ય આપ્યું છે. તેઓ ભદ્રેશ્વર ફરજ ઉપર છે. પીએસઆઇ પ્રજાપતિની ફરજનિષ્ઠાને પશ્ચિમ કચ્છ ડીએસપી સૌરભ તોલંબિયાએ અને અન્ય પોલીસ સ્ટાફે બિરદાવી છે.

(11:39 am IST)