Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

સૌરાષ્ટ્રમાં લોકડાઉન દરમિયાન સેવાકાર્યોમાં કોમી એકતાના દર્શન

જરૂરિયાતમંદોને ફૂડ પેકેટ રાશનકીટ શાકભાજીના વિનામુલ્યે વિતરણ : પરપ્રાંતીય મજૂરો માટે ભોજન વ્યવસ્થા

રાજકોટ તા.૩ : સૌરાષ્ટ્રમાં લોકડાઉન દરમિયાન શ્રમિકોને પડતી મુશ્કેલીને સમજીને સેવાભાવી સંસ્થાઓ દ્વારા કોમી એકતાથી ઠેર ઠેર ફૂડ પેકેટો રાશનકીટ, શાકભાજી, દૂધ વિતરણ કરવામાં આવી રહેલ છે. સેવાભાવીઓ દ્વારા પરપ્રાંતીય મજૂરોને રહેવા જમવાની વ્યવસ્થા કરવાની દાખલારૂપ કામગીરી થઇ રહી છે.

જસદણમાં સેવાભાવીઓની ખડેપગે સેવા

જસદણ : જસદણ અને વીંછીયા તાલુકાના તમામ ગામોમાં સેવાભાવીઓએ સંકટ સમયને પારખી એવી માનવતા દેખાડી રહ્યા છે કે આટલા દિવસો લોકડાઉનમાં વીતી ગયા છતા તેની પ્રજાજનોએ કોઇ પ્રકારની હાલાકી ભોગવી નથી. બંને તાલુકામાં સરકારના તમામ અધિકારીઓ, કર્મચારીઓ, ગામેગામના પદાધિકારીઓ સભ્યો વિવિધ સંસ્થાઓ, રાજકીયપાર્ટીઓના નેતાઓ, હોદ્દેદારો કાર્યકરોને કામ માટે કોઇ જરૂરિયાતમંદ નાગરીક એક ફોન કરે તો કોઇપણ અપેક્ષા વિના તેમને સાંભળી શકય તેટલા તેમને ઉપયોગી થવાનો પ્રયાસ કરે છે.

વિંછીયા આ બે તાલુકાના સેવાભાવીઓના ૨૪ કલાક ફોન રણકી રહ્યા છે અને હજારો જરૂરિયાતવાળા પરિવારોને મદદરૂપ બની રહ્યા છે. ભોજનની વ્યવસ્થા કોઇ ચા કોફી દૂધ પાણી શરબત વાહન દવા કિરાણા શાકભાજીની વ્યવસ્થા ગોઠવી રહ્યા છે. વહીવટીતંત્ર પણ આ સમયમાં શાણપણ દાખવી લોકોને મદદરૂપ બની રહેલ છે.

દ્વારકામાં વેપારીઓ દ્વારા સેવાયજ્ઞ

દ્વારકા શહેરના ત્રણ વેપારી બંધુઓ અને સમાજ સેવક નિર્મલ સામાણી, ચંદુભાઇ બારાઇ તથા દિનેશ પાબારી (એલ.આર) દ્વારા શહેરના છ હજાર રેશનકાર્ડ ધારકોને વિનામુલ્યે ડુંગળી બટેકાનું વિતરણ આજથી શરૂ કરવામાં આવ્યું છે.

વિતરણની આ વ્યવસ્થા એપ્રિલ માસમાં જયા સુધી કાર્ડધારક તમામ નાગરીકો મેળવી ન લ્યે ત્યા સુધી ચાલુ રાખવામાં આવશે અને વિતરણ કરવા માટે કાર્યકરોની ટીમ પણ બનાવવામાં આવી છે તથા કીટ સ્વરૂપે પેકીંગ કરીને સુંદર આયોજન સાથે નાગરીકોને વિતરણ કરવામાં આવી રહ્યુ છે.

સેવાયજ્ઞને બિરદાવતા રાજયમંત્રી હકુભા જાડેજા

દ્વારકા ખાતે કોરોનાના કપરા સમયે વેપારી બંધુઓ નિર્મલ સામાણી, ચંદુભાઇ બારાઇ અને દિનેશ પાબારી (એલ.આર) દ્વારા જરૂરિયાતમંદોને વ્યાજબી ભાવની દુકાનેથી ડુંગળી, બટેકાના આજથી શરૂ થયેલા વિનામુલ્યે વિતરણના સેવાયજ્ઞને બિરદાવીને રાજયમંત્રી હકુભા જાડેજાએ જણાવ્યુ છે કે, દ્વારકામાં શરૂ થયેલ આ સેવાયજ્ઞને રાજયની અન્ય પાલીકાના શહેરો તથા ગ્રામકક્ષાની પણ સેવાયજ્ઞ કરતી સંસ્થાઓ અનુસરે તેવી અપીલ કરી છે.

(11:38 am IST)