Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

ભાણવડમાં નિઃશુલ્ક અનાજ વિતરણનો પ્રારંભ નોન NFSA કાર્ડધારકો ઉમટતા થયો વિવાદ

ભાણવડ : કોરોના વાઇરસને કારણે રાજય સરકાર દ્વારા રાશનકાર્ડ ધારકોને એક માસનુ રાશન વિનામુલ્યે અપાયેલ તે પ્રસંગની તસ્વીર.(તસ્વીર : રવિ પરમાર, ભાણવડ)

ભાણવડ તા.૩ : કોરોનાના કહેર વચ્ચે જાહેર કરેલ ૨૧ દિવસના લોકડાઉનના પગલે રાજય સરકારે જનતાને એક માસની ખાદ્યસામગ્રી નિઃશુલ્ક વિતરણનો પ્રારંભ થતા જ અવ્યવસ્થા સર્જાઇ હતી. લોકડાઉનના પગલે સસ્તા અનાજની દુકાનો પરથી નિઃશુલ્ક રાશનનુ વિતરણ કરાતા શરૂઆતમાં જ વિવાદ સર્જાયા હતા અને અંત્યોદય, બીપીએલ અને અગ્રતા ધરાવતા એપીએલ કાર્ડ ધારકોને જ જથ્થો આપવાનો હોય નોન એનએફએસએ કાર્ડધારકો પણ માલ લેવા આવતા દુકાનદારોને જવાબ આપવા મુશ્કેલ થયો હતો અને વિવાદ સર્જાયા હતા.

કોરોનાના કહેર વચ્ચે લોકડાઉન અને ધારા ૧૪૪ લાગુ હોય એનો ભંગ ન થાય તેની તકેદારી રાખવા માટે વિતરણ વ્યવસ્થામાં સસ્તા અનાજની દુકાનો પર સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા તમામ દુકાનદારોએ એક મીટરના અંતરે વર્તુળ એવા ૫૦ વર્તુળ બનાવવાની સુચના મામલતદાર કચેરી તરફથી આપવામાં આવી હતી. જેને દુકાનદારોએ નિષ્ઠાપુર્વક બજાવી હતી.

વિતરણ વ્યવસ્થામાં ગ્રામ્ય લેવલે દરેક દુકાન પર બે શિક્ષકો અને સરપંચને તેમજ હોમગાર્ડને ફરજ પર મુકાયા જયારે શહેરી વિસ્તારની દુકાનો પર બે શિક્ષક સાથે પાલીકા કોર્પોરેટરને રાખવામા આવેલ. નિયમોનુ ઉલ્લંઘન ન થાય તે માટે ટોકન વ્યવસ્થા કરવામાં આવી હતી.

જો કે વિતરણ કરવામાં આવતી ખાદ્યસામગ્રી ગુણવતાને લઇ કાર્ડધારકોમાં કચવાટ જોવા મળી રહ્યો હતો પરંતુ કપરી પરિસ્થિતિને અનલ હાલ આવક ન હોય મળ્યુએ સોનુ સમજી મન મનાવી લીધુ હતુ.

(11:34 am IST)