Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

'સિંધુડો શબ્દ યુધ્ધ અને શૌર્યના સૂરનું સૂચન કરે છે' : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી

૬ એપ્રિલના રોજ ૧૯૩૦ના ઐતિહાસિક ધોલેરા, સત્યાગ્રહ - 'સિંધુડો'ની ૯૦મી જયંતી

૧૨ માર્ચ ૧૯૩૦એ મહાત્મા ગાંધીએ અમદાવાદ ખાતે પોતે સ્થાપેલા સાબરમતી આશ્રમથી ૭૯ સત્યાગ્રહીઓ સાથે પગપાળા ઐતિહાસિક 'દાંડી યાત્રા' શરૂ કરીને ૬ એપ્રિલ ૧૯૩૦ના રોજ દાંડીના દરિયાકાંઠે ચપટી મીઠું ઉપાડીને સત્યાગ્રહનો પ્રારંભ કર્યો. તે જ વેળાએ 'સૌરાષ્ટ્રના સિંહ' તરીકે ઓળખાતા અમૃતલાલ શેઠની આગેવાની હેઠળ ધોલેરા ખાતે પણ સત્યાગ્રહનાં મંડાણ થયાં. 

'ધોલેરા સત્યાગ્રહ'ના અગ્રગણ્ય સેનાનીઓ હતા ૅં બળવંતરાય મહેતા, મણિશંકર ત્રિવેદી, ભીમજીભાઈ પારેખ 'સુશીલ', જગજીવનદાસ મહેતા, રસિકલાલ પરીખ, કકલભાઈ કોઠારી, વજુભાઈ શાહ, મોહનલાલ મહેતા 'સોપાન', રતુભાઈ અદાણી, મનુભાઈ પંચોળી 'દર્શક', કનુભાઈ લહેરી, મનુભાઈ બક્ષી, જયમલ્લભાઈ પરમાર, ઈશ્વરભાઈ દવે, રતુભાઈ કોઠારી, કાંતિલાલ શાહ, વીરચંદભાઈ શેઠ, ભીખુભાઈ ધ્રુવ, વૈદ્ય બાલકૃષ્ણભાઈ દવે, અમૃતલાલ પંડ્યા. બહેનોનું સુકાન સંભાળેલું ૅં દેવીબેન પટ્ટણી, અમૃતલાલ શેઠનાં પત્ની રૂક્ષ્મણીબેન, પુત્રી લાભુબેન (મહેતા), ભત્રીજી પુષ્પાબેન (પૂર્ણિમાબેન પકવાસા), સુમિત્રાબેન ભટ્ટે. સ્વાતંત્ર્ય-સંગ્રામ નિમિત્તે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ રચેલાં દેશભકિતનાં ૧૫ શૌર્યગીતોનો સંગ્રહ 'સિંધુડો' આ અવસરે પ્રસિધ્ધ થયો. સ્વતંત્રતાની મીઠાશ, છેલ્લી પ્રાર્થના, શિવાજીનું હાલરડું, બીક કોની મા તને, તરુણોનું મનોરાજય, કવિ તને કેમ ગમે, મોતનાં કંકુઘોળણ, ગાઓ બળવાનાં ગાન, કાલ જાગે, ઊઠો, નવ કહેજો, ઝંખના, ભીરુ, યજ્ઞ-ધૂપ, વીર જતીન્દ્રનાં સંભારણાં જેવાં શૌર્ય તથા દેશપ્રમનાં ૧૫ ગીતો આ સંગ્રહમાં છે.  

સત્યાગ્રહીઓને પોરસ ચડાવતું શૌર્ય-ગીત 'કંકુ ઘોળજો જી રે કેસર રોળજો, પીઠી ચોળજો જી રે માથાં ઓળજો'('મોતનાં કંકુઘોળણ') ઝવેરચંદ મેઘાણીએ પોતાના બુલંદ કંઠે લલકાર્યું. ગીતને અંતે બોલતાં કહ્યું : 'કવિઓ જેને વસંત તરીકે ઓળખાવે છે તે આ ઋતુમાં તો હોળી ખેલાય. આજે આપણે ધોલેરાને સાગર-તીરે હોળી ખેલવા આવ્યા છીએ; પણ એ હોળી જુદી જાતની છે.''સિંધુડો'નાં શૌર્ય અને દેશપ્રેમનાં ગીતોની જાદુઈ અસર હેઠળ દેશવાસીઓ જોમ અને જુસ્સાથી સ્વાતંત્ર્ય-સંગ્રામમાં શામેલ થઈ ગયાં હતાં. ગામેગામ અને ઘેરઘેર આ ગીતો સહુ કોઈના કંઠે ગવાતાં અને ઝીલાતાં હતાં. પ્રભાતફેરીઓ, સભાઓ, સરઘસો દ્વારા આ ગીતોએ ખાસ કરીને નવયુવાનોમાં વ્યાપક નવચેતના ફેલાવી હતી. આ ગીતો ગાતાં ગાતાં સત્યાગ્રહીઓએ લાઠીઓ અને ગોળીઓ ઝીલી હતી, કારાવાસની સજા હસતે મોંએ સ્વીકારી હતી. તેમનાં આ ગીતોથી પ્રચંડ લોકજુવાળ ઊભો થતાં બ્રિટિશ સરકાર પણ ચોંકી ગઈ હતી. બ્રિટિશ સરકારે ગભરાઈ ને 'સિંધુડો'જપ્ત કર્યો. પરંતુ તેની હસ્તલિખિત કાનૂનભંગ-આવૃત્તિની સેંકડો 'સાઇકલોસ્ટાઈલ્ડ'નકલો જોતજોતામાં લોકોમાં ફરી વળી.'ધોલેરા સત્યાગ્રહ'માં રાણપુર અતિ મહત્ત્વની છાવણી હતી.  સમગ્ર કાઠિયાવાડમાંથી મોટી સંખ્યામાં સત્યાગ્રહીઓ સત્યાગ્રહમાં ભાગ લેવા ટ્રેન દ્વારા રાણપુર ઊમટી રહ્યાં હતાં ત્યારે ટ્રેન રાણપુર સ્ટેશને થોભે જ નહિ તેવી બ્રિટિશ સરકારે રેલ્વે વિભાગને સૂચના આપી હતી. આથી સત્યાગ્રહીઓએ આગલે સ્ટેશને ઉતરીને એક હાથમાં તિરંગો અને બીજા હાથમાં મીઠાની થેલી રાખીને રાણપુર તરફ કૂચ કરતાં. બ્રિટિશ પોલીસના ભારે દમન વચ્ચે પણ હિમંત હાર્યા નહિ. રાણપુરનાં ગ્રામજનોને બ્રિટિશ પોલીસ રંજાડે નહિ તે આશયથી કોઈનાં ઘરને બદલે નદીનાં પટમાં અને સ્મશાનમાં સત્યાગ્રહીઓએ આશરો લીધો. રાણપુર સ્મશાનની છાપરી 'સત્યાગ્રહી છાવણી'તરીકે ઓળખાઈ. ઘર-ઘરમાંથી રોટલા ઉઘરાવીને તથા માટલામાં શાક-દાળ-ભાત ભરીને ગામની બહેનો પણ બ્રિટિશ પોલીસનો ડર રાખ્યા વગર નિર્ભયતાપૂર્વક સત્યાગ્રહીઓને ભોજન પહોંચાડતી. આ રોટીને 'આઝાદ રોટી'નું નામ અપાયું હતું.

આલેખન : પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન  (મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯)

(11:34 am IST)