Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

પડધરીના રંગપર ગામે લોકડાઉનનો અમલ કરાવવા ગયેલ પોલીસ પર ટોળાનો ખૂની હુમલોઃ છ શખ્સો પકડાયા

હુમલામાં ઘવાયેલ પો.કો. વિમલભાઇ વેકરીયાને રાજકોટ ખસેડાયા : એલસીબીની ટીમે હુમલામાં સંડોવાયેલ ૬ ભરવાડ શખ્સોને તુર્ત જ ઝડપી લઇ આકરી સરભરા કરી : અન્યોની શોધખોળ

તસ્વીરમાં હુમલામાં ઘવાયેલ પોલીસ કર્મચારી હોસ્પિટલમાં સારવાર હેઠળ નજરે પડે છે. ઇન્સેટ તસ્વીર પોલીસ કર્મી વિમલ વેકરીયાની છે.

રાજકોટ તા. ૩ : પડધરીના રંગપર ગામે લોકડાઉનનો અમલ કરાવવા ગયેલ પડધરીના પોલીસ સ્ટાફ ઉપર ટોળાએ ખૂની હુમલો કરતા પોલીસ કર્મચારીને ગંભીર ઇજા થતા સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયેલ છે. પોલીસે હુમલો કરનાર ૬ શખ્સોને ગણત્રીના કલાકોમાં જ દબોચી લઇ આકરી સરભરા કરી હતી જ્યારે અન્યોની શોધખોળ હાથ ધરાઇ છે.

મળતી વિગતો મુજબ પડધરી પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ વકારભાઈ અરબ, કોન્સ્ટેબલ વિમલભાઈ રમેશભાઈ વેકરીયા અને ડ્રાઈવર પોલીસવાન લઈ રાજકોટ પડધરી વચ્ચે આવેલા રંગપર ગામે લોકડાઉનનો અમલ કરાવવા ગયા હતા. ત્યારે રંગપર ગામે કારણ વગર બાઈક સાથે ચારથી પાંચ શખ્સો ટોળુ વળીને ઉભા હતા.પોલીસે ગાડીમાંથી નીચે ઉતરી તમામને ઠપકો આપી બાઈક ડિટેઈન કરવાની કાર્યવાહી કરી હતી.

ઙ્ગપોલીસ બાઈક ડિટેઈન કરે તે પહેલા જ હાજર રહેલા શખ્સોએ પોલીસ સાથે ઝઘડો કરતા અન્ય શખ્સો પણ ત્યાં આવી ચડયા હતા. પંદરેક લોકોનું ટોળુ એકઠુ થઈ તમામે પોલીસ સાથે ઝઘડો કરી એએસઆઈ વકારભાઈ અરબ સાથે રકઝક કરી કોન્સ્ટેબલ વિમલભાઈ વેકરીયા ઉપર પાઈપ વડે ખૂની હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા કોન્સ્ટેબલ વિમલભાઈ વેકરીયાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ બનાવ અંગે પડધરીના એએસઆઇ વકારભાઇ આરબની ફરીયાદ પરથી પડધરી પોલીસે પોલીસ કર્મચારી ઉપર ખૂની હુમલો કરનાર બીજલ મૈયાભાઇ રાતડીયા, બીજલના પત્ની, ભૂરા દેવાભાઇ ધ્રાંગીયા, દલપત કરસનભાઇ રાતડીયા, હકુભાઇ લાખાભાઇ ધ્રાંગીયા, રણજીત ઘુસાભાઇ ચાવડીયા, વશરામ સત્તાભાઇ ધ્રાંગીયા, પુંજા હેમુભાઇ રાતડીયા, સકા લખુભાઇ રાતડીયા, વેરશી દેવાભાઇ રાતડીયા, અરજણ દેવાભાઇ રાતડીયા, સ્કોર્પીયોના ચાલક તથા ત્રણ અજાણી મહિલા સામે આઇપીસી ૩૦૭, ૩૩૨, ૨૬૯, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૪૨૭, ૧૮૬, ૧૮૮ સહિતની કલમો તળે ગુન્હો દાખલ કર્યો છે.

દરમિયાન પોલીસ પર ખૂની હુમલો થયાની જાણ થતાં રૂરલ એસપી બલરામ મીણાની સૂચનાથી ગોંડલના ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા તથા રૂરલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ મહેન્દ્રસિંહ રાણા સહિતનો કાફલો પડધરી દોડી ગયો હતો અને ખૂની હુમલામાં સંડોવાયેલ આરોપી બીજલની પત્ની, દલપત કરશન રાતડીયા, વશરામ સત્તાભાઇ ધ્રાંગીયા, પુંજા હેમુભાઇ રાતડીયા, સકા લાખુભાઇ રાતડીયા તથા વેરશી દેવાભાઇ રાતડીયા રહે. રંગપરને ઝડપી લઇ આકરી સરભરા કરી હતી તેમજ ખૂની હુમલામાં સંડોવાયેલ અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરાઇ છે.

(11:33 am IST)