Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

પોરબંદર જિલ્લા પંચાયતમાં ભાજપની ૧૬ બેઠકોસાથે જીતઃ ગત ટર્મ કરતા ર બેઠકો વધી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૩ :.. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપની ૧૬ બેઠકો સાથે જીત થઇ છે ગત ટર્મની ચૂંટણી કરતા આ વખતે ભાજપને ર બેઠકો વધુ મળી છે.

પોરબંદર જીલ્લા પંચાયતની ૧૮ બેઠક પર ચૂંટણી યોજાઇ હતી. જેમના ૬૦.ર૯ ટકા મતદાન થયું હતું. મત ગણતરી થઇ હતી જેમાં ભાજપ ને ૧૮ માંથી ૧૬ બેઠક જયારે કોંગ્રેસને ર બેઠક મળી હતી. ગત ચૂંટણીમાં ભાજપને ૧૪ જયારે કોંગ્રેસને ૪ બેઠક મળી હતી.

ભાજપને બે બેઠકનો ફાયદો થયો છે. ભાજપે આ ચૂંટણીમાં કોંગ્રેસ પાસેથી ત્રણ બેઠક રાણા કંડોરણા-૧, રાણાકંડોરણા-ર અને ૧ર માધવપુર બેઠક છીનવી લીધી છે કોંગ્રેસે ભાજપ પાસેથી બળેજ બેઠક છીનવી છે અહી કોંગ્રેસના ઠેબાભાઇ ચૌહાણનો વિજય થયો છે. જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ મોઢવાડીયાએ ભાજપની જીત અંગે જણાવ્યું હતું કે જનતાએ વિકાસને સમર્થન આપ્યું છે. સંગઠન શકિતની જીત થઇ છે.

ભાજપ દ્વારા છેવાડાના માનવ સુધી વિકાસ કાર્યો અને યોજનાનો લાભ પહોંચાડવામાં આવશે પ્રજાએ કોંગ્રેસના જુઠાણા અફવાઓને જાકારો આપ્યો છે કોંગ્રેસ સંગઠનનું માળખું વિખેરાઇ ગયું છે.

જીલ્લામાં કોંગ્રેસની અને પાલિકાના વોર્ડ નં. ૪ માં હાર બાદ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઇ ઓડેદરા એ રાજીનામું આપ્યું છે તેઓએ જણાવ્યું હતું કે મહેનતમાં કચાશ રહી ગઇ હશે કયાંક સમીકરણમાં ભૂલ હશે એ બદલ તેઓને ઘણું દુખ છે.

પોરબંદર જીલ્લા પંચાયતના વિજેતા ઉમેદવારોમાં અડવાણા મંજૂબેન કારાવદરા ભાજપ, અમરદળ હેમતભાઇ ડોડીયા ભાજપ, બખરલા રીધ્ધિબેન ખૂંટી -ભાજપ, બળેજ ઠેબાભાઇ ચૌહાણ કોંગ્રેસ, ડોટા કારીબેન વરૂ ભાજપ, દેગામ ભુરાભાઇ કેશવાલા ભાજપ, ફટાણા જયશ્રીબેન કારાવદરા ભાજપ, કડછ પરબત પરમાર ભાજપ, ખાગેશ્રી મહેન્દ્રભાઇ સંતોકી ભાજપ, ખીરસરા લક્ષ્મીબેન મોરી ભાજપ, કોટડા કનકલતાબેન પરમાર ભાજપ, માધવપુર ભારતીબેન ભુવા ભાજપ, મહિયારી રમેશ ઓડેદરા મોઢવાડા, મોઢવાડા મંજૂબેન મોઢવાડીયા કોંગ્રેસ, ઓડદર હીરીબેન મોરી ભાજપ, રાણાકંડોરણા ૧ -જયેશભાઇ ભુતિયા ભાજપ, રાણા કંડોરણા ર-ગોપાલ કોઠારી ભાજપ, વિસાવાડા આવડાભાઇ ઓડેદરા ભાજપનો સમાવેશ થાય છે.

(1:51 pm IST)