Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ઘોઘાના સાણોદર ગામે ઘરમાં ઘુસી પોલીસ રક્ષિત આધેડની હત્યા

વર્ષ ર૦૧૩ માં થયેલા ઝઘડામાં આરોપીઓને સજા થાય તેમ હોઇ દાઝ રાખી અમરાભાઇ બોરીચાને મારી નખાયાઃ ચકચાર : ડેલો તોડી અંદર ઘુસ્યાઃ વચ્ચે પડેલ પુત્રીને પણ માર મારી ધમકી આપીઃ ૧૦ જેટલા શખ્સોએ સશસ્ત્ર હૂમલો કર્યો

(મેઘના વિપુલ હીરાણી દ્વારા) ભાવનગર તા. ૩ :.. સાણોદર ગામે ૧૦ શખ્સોએ આઘેડનાં ઘરમાં ઘુસી તિક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હૂમલો કરી આઘેડની હત્યા કરી આઘેડથી પુત્રીને પણ માર મારી ધમકી આપ્યાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે. વર્ષ ર૦૧૩ માં મૃતકને આરોપી સાથે ઝઘડો થયો હતો અને તેનો કેસ કોર્ટમાં ચાલતા તા. ૮-૩-ર૧ નાં રોજ આરોપીઓને સજા થાય તેમ હોય તેની દાઝ રાખી આ હત્યા કરી હોવાનું પોલીસ ફરીયાદમાં જણાવ્યું છે.

આ બનાવની વિગતો એવી છે કે ઘોઘા તાલુકાના સાણોદર ગામે ગઇકાલે સાંજે ચૂંટણીમાં વિજેતા ઉમેદવારનું વિજય સરઘસ નીકળ્યા બાદ મોડી સાંજે ૧૦ શખ્સોનું ટોળુ ધારીયા, પાઇપ, લાકડી જેવા હથિયારો સાથે અમરાભાઇ મેઘાભાઇ બોરીચા ઉ.૬૦ ના મકાનમાં ઘસી જઇ લોખંડનો ડેલો તોડી અંદર જઇ મેઘાભાઇ ઉપર જીવલેણ હૂમલો કર્યો હતો અને વચ્ચે પડેલ મેઘાભાઇની પુત્રી નિર્મળાબેનને પણ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ નાસી છુટયા હતાં.આ બનાવની જાણ થતાં જ ઘોઘા પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ સોલંકી તથા પોલીસ સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો.

આ બનાવ અંગે મૃતક અમરાભાઇ બોરીયાની પુત્રી નિર્મળાબેન અમરાભાઇ બોરીચાએ ઘોઘા પોલીસ સ્ટેશનમાં આજ ગામનાં ભયલુભા નીરૂભા ગોહીલ, શકિતસિંહ નીરૂભા ગોહીલ, જયરાજસિંહ રાજભા ગોહીલ, કનકસિંહ હારીતસિંહ ગોહીલ, પદુભા હારીતસિંહ ગોહીલ, મુન્નાભાઇ બળભા ગોહીલ, મનહરસિંહ જગદીશસિંહ ગોહીલ, વિરમદેવીસિંહ છોટુભા ગોહીલ સામે એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે તેનાં પિતાને આરોપી પૈકી ભયલુભા, શકિતસિંહ જયરાજસિંહ પદુભા, વિરમદેવસિંહ સાથે વર્ષ ર૦૧૩ માં ઝઘડો થયો હતો અને તેની પોલીસ ફરીયાદ નોંધાતા આ અંગેનો કોર્ટનો ફેંસલો તા. ૮-૩-ર૦ર૧ નાં રોજ આવનાર છે જેમાં આરોપીઓને સજા મળે તેમ હોય તેની દાઝ રાખી તેનાં પિતાની હત્યા કરવામાં આવી છે.

આ અંગે ઘોઘા પોલીસે ગુન્હો નોંધી નાસી છૂટેલા આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. આ બનાવની તપાસ ડીવાયએસપી ડી. વી. કોરીયાત ચલાવી રહ્યા છે.

મૃતકને પોલીસ પ્રોટેકશન હતુ

ટોળાએ ઘરમાં ઘુસી જેની હત્યા કરી છે કે મૃતક અમરાભાઇ બોરીચાને પોલીસ પ્રોટેકશન હતુ છતાં તેની હત્યા થતાં ચકચાર જાગી છે. મૃતકે ૩ માસ પૂર્વે કોર્ટમાં પણ ઘોઘાનાં પીએસઆઇ સામે કોઇ કાર્યવાહી થતી ન હોવાની ફરીયાદ કરી છે.

(12:30 pm IST)