Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ગોંડલના અનિડામાં સરપંચ સહિતનો હુમલોઃ હસમુખભાઇ વિંજુડા, તેના પત્નિ, પુત્ર અને માસીયાઇ ભાઇને ઇજા

ચુંટણી વખતે બોગસ મતદાન થતું સમાજના છોકરાઓએ અટકાવ્યું હોઇ તેનો ખાર રખાયાનો આક્ષેપ

રાજકોટ તા. ૩: ગોંડલના અનિડા ગામે રાતે અગિયારેક વાગ્યે ગામના સરપંચ સહિતનાએ હુમલો કરતાં એક યુવાન, તેના પત્નિ, પુત્ર અને તેમના માસીયાઇ ભાઇને ઇજા થતાં ચારેયને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાં એકને પ્રાથમિક સારવાર અપાઇ હતી અને ત્રણને દાખલ કરાયા હતાં.

જાણવા મળ્યા મુજબ અનિડા રહેતાં અને કડીયા કામની મજૂરી કરતાં હસમુખભાઇ વાલજીભાઇ વિંજુડા (ઉ.વ.૪૨), તેના પત્નિ ચંપાબેન (ઉ.વ.૪૦), પુત્ર સાગર (ઉ.વ.૧૮) રાતે ઘર પાસે હતાં ત્યારે સામતભાઇ ભરવાડ અને તેમની સાથેના શખ્સોએ આવી ધોકા-પાઇપથી હુમલો કરતાં ઇજા થઇ હતી. બચાવવા વચ્ચે પડેલા હસમુખભાઇના માસીયાઇ ભાઇ રમેશભાઇ બધાભાઇ રાઠોડ (ઉ.વ.૪૨)ને પણ માર મારવામાં આવતાં ચારેયને ઇજા થતાં ગોંડલ સારવાર લઇ રાજકોટ સિવિલમાં ખસેડાતાં સાગર, ચંપાબેન અને રમેશભાઇને દાખલ કરાયા હતાં.

હમસુખભાઇના ભાઇ મહેશભાઇએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે સામતભાઇ ગામના સરપંચ છે. ચૂંટણી વખતે અમારા સમાજના છોકરાઓએ ભાજપ તરફી બોગસ મતદાન થતું અટકાવ્યું હોઇ તે બાબતનું મનદુઃખ રાખી હુમલો કરાયો હતો. જો કે આ સીટ પર ગઇકાલે જાહેર થયેલા પરિણામમાં ભાજપનો જ વિજય થયો હતો. ગોંડલ તાલુકા પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

(12:12 pm IST)