Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ગોંડલ પાસે ટ્રકે બાઇકને અડફેટે લેતા દંપતી ખંડિત

જેતપુર રોડ ઉપર ૧૩ થી પણ વધુ માનવ જિંદગી હોમાઇ ચૂકી છે

ગોંડલ,તા. ૩: ગોંડલ શહેરની મધ્યમાંથી પસાર થતો જેતપુર રોડ ભારે વાહનો ના આવન-જાવનના કારણે જોખમી બની ગયો છે ત્યારે વૃદ્ઘ મહિલા પર ટ્રકના તોતિંગ વ્હીલ ફરી વળતાં પતિની નજર સામે જ પત્નીનું મોત નીપજયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ગોંડલ તાલુકાના મોવિયા ગામના વતની અને હાલ રાજકોટના મવડી વિસ્તારમાં પુત્રોની સાથે રહેતા મગનભાઈ ભાલાળા ઉંમર વર્ષ ૭૨ અને તેમના પત્ની નર્મદાબેન છેલ્લા ત્રણ-ચાર દિવસથી મોવિયા ગામે આવ્યા હોય મંગળવારના કોઈ કામ સબબ ગોંડલ આવ્યા હતા દરમિયાન જેતપુર રોડ ત્રણ ખૂણીયા પાસે હીરો હોન્ડા મોટર સાયકલ MH43AH2881 ઉપર પસાર થઇ રહ્યા હતા ત્યારે માતેલા સાંઢની માફક દોડી આવતા ટ્રક GJ11Y 5849 ના ચાલકે અડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં દંપતી રોડ ઉપર પટકાયું હતું અને ટ્રક ના તોતિંગ વ્હીલ મહિલા ઉપર ફરી વળતા તેનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું અકસ્માત સર્જી ટ્રકચાલક માનવતા નેવે મૂકી નાસી ગયો હતો. અકસ્માતના પગલે ટ્રાફિક જામ થયો હોય શહેર પોલીસે દોડી આવી કાર્યવાહી હાથ ધરી ટ્રાફિક કલીયર કરાવ્યો હતો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે જેતપુર રોડ ઉપર વ્યાપક પ્રમાણમાં દબાણ થયું હોય અને આડેધડ વાહન પાર્કિંગને કારણે ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો સમાન હોય નાના અકસ્માતો ની સંખ્યા અડધી સદીએ પહોંચવા પામી છે ત્યારે મોટા અકસ્માતોમાં ૧૩ પણ વધુ માનવ જિંદગી હોમાઈ ચૂકી છે. આ રોડ ઉપર ટ્રાફિક પોલીસ સતત પેટ્રોલિંગ કરે તેવી માંગ ઉઠવા પામી છે.

(12:07 pm IST)