Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

જામકંડોરણા તાલુકા પંચાયતની ૧૫ સીટો પર ભાજપનો વિજય વાવટો

કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાની ઉપસ્થિતિમાં ભવ્ય વિજય સરઘસ નીકળ્યું : શ્રી રાદડિયાએ મતદાતાઓનો આભાર વ્યકત કર્યો : તાલુકામાં આવતી બે જિલ્લા પંચાયતની બેઠક અને પંદર તાલુકા પંચાયતની બેઠકો કબ્જે કરતું ભાજપ

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા તા. ૩ : જામકંડોરણામાં સ્થાનિક સ્વરાજની તાલુકા પંચાયત તથા જીલ્લા પંચાયતની યોજાયેલ ચુંટણીની ધોરાજી ભગવતસિંહજી હાઇસ્કુલ ખાતે મતગણતરી યોજાઈ હતી. આ મતગણતરીમાં રાજકોટ જીલ્લા પંચાયતની જામકડોરણા તાલુકામાં આવતી બે બેઠકો જેમાં જામકડોરણા બેઠકમાં ભાજપના જયોત્સનાબેન જયંતિભાઈ પાનસુરીયા તથા દડવી જીલ્લા પંચાયત બેઠકમાં કચનબેન મુકેશભાઈ બગડા જીત્યા છે.

જયારે જામકડોરણા તાલુકા પંચાયતની કુલ ૧૬ બેઠકોમાં ચાવડી, બરડીયા તથા જશાપર એમ ત્રણ બેઠકો ભારતીય જનતા પાર્ટીને બિનહરીફ મળી હતી ૧૬ માંથી ૧૩ બેઠકોની મતગણતરી હાથ ધરાઇ હતી જેમાં ૧૨ બેઠકો પર ભાજપ વિજયી થયું હતું અને તાલુકામાં એકમાત્ર સોડવદર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજયી થયા હતા. આમ તાલુકા પંચાયતની કુલ ૧૨ બેઠકોમાંથી ભાજપના ફાળે કુલ ૧૫ બેઠક તેમજ કોંગ્રેસને માત્ર એક બેઠક મળી છે.

આજે ચુંટાયેલા તમામ ઉમેદવારો સાથે કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાની ઉપસ્થિતિમાં ભવ્ય વિજય સરઘસ નીકળ્યું હતું. આ વિજય સરઘસની શરૂઆત જામકંડોરણા કન્યા છાત્રાલય પાસે સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કરી કરવામાં આવી હતી. આ વિજય સરઘસમાં ઠેર ઠેર કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા તેમજ ચુટાયેલા ઉમેદવારનું પુષ્પહારથી અભિવાદન કરવામાં આવ્યા હતું. આ વિજયસરઘસમાં તાલુકાભરમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો જોડાયા. હતા.

આ તકે યોજાયેલ વિજયસભામાં કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા તેમજ ઉપસ્થિત આગેવાનોએ આ જીત બદલ આગેવાનો,કાર્યકરો તેમજ મતદારોનો આભાર માન્યો હતો. આ પ્રસંગે કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા, રાજકોટ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદભાઈ રાણપરીયા, તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ, માર્કેટ યાર્ડના ચેરમેન વિઠલભાઈ બોદર, કરણસિંહ જાડેજા,ગૌતમભાઈ વ્યાસ,જીલ્લા બેંકના ડીરેકટર લલીતભાઈ રાદડીયા, ખીમજીભાઈ બગડા, નવા ચૂંટાયેલા સદસ્યશ્રીઓ તેમજ આગેવાનો  અને તાલુકાભરના કાર્યકરોએ હાજરી આપી હતી.

(12:01 pm IST)