Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

કચ્‍છમાં કેસરિયો લહેરાયોઃ કોંગ્રેસને પછડાટ આપી ભાજપે મેળવ્‍યો ઝળહળતો વિજય

નરેન્‍દ્રભાઈની કચ્‍છ પ્રત્‍યેની લાગણી અને વિજયભાઈની સરકારની સંવેદશીલતા, પ્રમુખ સી.આર. પાટીલની સંગઠન શકિતનો કચ્‍છમાં વિજય ગણાવી સાંસદ વિનોદ ચાવડાએ મતદારોનો માન્‍યો આભાર

કચ્‍છ ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલને મો મીઠું કરાવી વિજયની ઉજવણી કરતા સાંસદ વિનોદ ચાવડા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૩: કચ્‍છમાં સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીઓમાં ભાજપે દબદબાપૂર્વક વિજય મેળવી સમગ્ર જિલ્લામાં કેસરિયો લહેરાવ્‍યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ અને સાંસદ વિનોદ ચાવડાએ વિકાસનો વિજય ગણાવી લોકો પ્રત્‍યે ભાજપમાં વિશ્વાસ બતાવવા માટે આભારની લાગણી વ્‍યક્‍ત કરી છે. ભાજપની નવા ચહેરાઓને ટિકિટ આપવાની કચ્‍છમાં ફોર્મ્‍યુલા સફળ રહી.

નારાજ ભાજપના આગેવાનો અપક્ષ કે અન્‍ય પક્ષ માંથી ઊભા રહ્યા તેઓ મોટેભાગે નિષ્‍ફળ રહ્યા અને ભાજપનો વિજયરથ સડસડાટ આગળ વધ્‍યો. કચ્‍છમાં એક માત્ર ગાંધીધામ તા.પં માં આપે ખાતું ખોલાવ્‍યું બાકી તમામ જગ્‍યાએ ડિપોઝિટ ગઈ. ભાજપનો કચ્‍છ જિ.પ. માં ૪૦ બેઠકમાંથી ભાજપનો ૩૨ બેઠકો ઉપર વિજય જયારે કોંગ્રેસનો ૮ બેઠકો ઉપર વિજય થયો છે. ગત ટર્મ કરતાં ભાજપને પાંચ બેઠક વધુ મળી છે. જયારે સૌથી મોટા અપસેટમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા વી.કે. હુંબલની ગળપાદર બેઠક ઉપર ૨૦૦૦ થી વધુ મતે હાર થઈ છે. જયારે પાંચ નગરપાલિકાઓ ના પરિણામોની વાત કરીએ તો કચ્‍છના શહેરી વિસ્‍તારોમાં ભાજપનો દબદબો કાયમ રહ્યો છે. જોકે, ઓછું મતદાન થયું હોવા છતાંયે કચ્‍છના શહેરી વિસ્‍તારોમાં ભાજપનો ભવ્‍ય વિજય થયો છે.

અંજાર નગરપાલિકામાં તો કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. કુલ ૩૬ પૈકી ૩૫ બેઠકો ઉપર ભાજપે જીત મેળવી જયારે, કોંગ્રેસને સમ ખાવા પૂરતી માત્ર એક જ બેઠક મળી છે. માંડવી નગરપાલિકામાં પણ ભાજપે કોંગ્રેસને મોટી પછડાટ આપી ૩૬ માંથી ૩૧ બેઠકો ઉપર વિજય મેળવ્‍યો છે. કોંગ્રેસને માત્ર ૫ જ બેઠક મળી છે. ભુજ નગરપાલિકામાં ૪૪ બેઠકો પૈકી ભાજપે ૩૬ બેઠકો ઉપર વિજય મેળવ્‍યો છે. ભુજના વોર્ડ નં. ૯ માં કોંગ્રેસના આગેવાન મેન્‍ડેટ સાથે જ ગુમ થઈ જતાં કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ નં ભરાતાં ભાજપની પેનલ બિનહરીફ ચૂંટાઇ આવી હતી. નવી રચના પામેલ મુન્‍દ્રા બારોઈ નગરપાલિકામાં ભાજપે પહેલી જ જીત મેળવીને કબજો જમાવ્‍યો છે.

અહી ભાજપમાં આંતરિક બળવા વચ્‍ચે અસંતુંષ્ટોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી પણ ભાજપના નવા ઉમેદવારોએ જૂના જોગી એવા ધર્મેન્‍દ્ર જેસરના બળવા ઉપર વિજય મેળવી કોંગ્રેસને પણ પરાજય આપી કુલ ૨૮ બેઠકોમાંથી ૧૯ બેઠકો મેળવી ભાજપે મુન્‍દ્રા પંથકમાં પોતાનો ગઢ મજબૂત છે એ દર્શાવ્‍યું છે. હવે, કચ્‍છની ૧૦ તાલુકા પંચાયતોની આંકડાકીય માહિતી સાથે વાત કરીએ તો ભાજપે ૮ તાલુકા પંચાયત મેળવી છે. જયારે કોંગ્રેસે લખપત અને અબડાસા તાલુકા પંચાયત જીતીને પોતાની આબરૂ બચાવી કચ્‍છમાં પોતાની હાજરી દર્શાવવામાં માંડ માંડ સફળતા મેળવી છે.

ભુજ તા.પં. માં ૩૨ બેઠકોમાંથી ભાજપે ૨૧ બેઠકો જયારે કોંગ્રેસને ૧૨ બેઠકો મળી છે. ભચાઉ તા.પં માં ભાજપને ૨૦, કોંગ્રેસને ૪, રાપર તા.પં માં ૨૪ બેઠકોમાંથી ભાજપને ૨૧, કોંગ્રેસને ૩, ગાંધીધામ તા.પં માં ૧૬ બેઠકો માંથી ભાજપને ૧૧, કોંગ્રેસને ૩ અને આપને ૧, મુન્‍દ્રા તા.પં માં ૧૮ બેઠકો માંથી ભાજપને ૧૦, કોંગ્રેસને ૮, અંજાર તા.પં. માં ૨૦ બેઠકો માંથી ભાજપને ૧૫ કોંગ્રેસને ૫, નખત્રાણા તા.પં. માં ૨૦ બેઠકો માંથી ભાજપને ૧૪ કોંગ્રેસને ૬, માંડવી તા.પં માં ૨૦ બેઠકો માંથી ભાજપને ૧૭, કોંગ્રેસને ૨ જયારે અપક્ષ ને ૧, લખપત તા.પં માં ૧૬ બેઠકો માંથી કોંગ્રેસને ૯, ભાજપને ૭, અબડાસા તા.પં માં ૧૮ બેઠકો માંથી કોંગ્રેસને ૧૦ અને ભાજપને ૮ બેઠક મળી છે.

(11:21 am IST)
  • દેશમાં કોરોનાના સતત વધતા કેસ :નવા કેસ કરતા રિકવર થનારની ઘટતી સંખ્યા : એક્ટિવ કેસમાં પણ વધારો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,987 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,11,39,303 થઇ :એક્ટિવ કેસ 1,67,175 થયા વધુ 13,112 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,08,10,161 થયા :વધુ 98 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,385 થયા access_time 1:02 am IST

  • જે સીડી પર ચડીને જિંદગીના સૌથી ઉંચા મુકામ પર પહોંચ્યા છીએ શું તેને પાડી દેવી યોગ્ય છે : કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે જી-23ના નેતાઓને લખ્યો ખીલ્લો પત્ર : પૂછ્યું કે શું તેઓ પક્ષ બદલવાનો વિચાર કરે છે ? : ખુર્શીદે ઉક્ત નેતાઓને કહ્યું કે આપણે વર્તમાનમાં યોગ્ય સ્થાન શોધવાની બદલે તેના પર ચિંતન કરવું જોઈએ કે ઇતિહાસ એમને કેવી રીતે યાદ રાખશે access_time 12:36 am IST

  • પ્રજાના જબ્‍બર સમર્થનથી અમારી જવાબદારી વધી છે, નવુ બજેટ સમાજના સર્વ વર્ગ માટે વિકાસયાત્રાને વેગ આપનારુ, આરોગ્‍ય ક્ષેત્રની કામગીરી વધુ વિકસાવાશે, આત્‍મનિર્ભર ગુજરાત તરફ પ્રયાણઃ નીતિન પટેલ access_time 11:17 am IST