Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

ઢાંઢણીમાં જયસુખે પોતાની પત્નિને ફોન આપનારા ચેતનને ટપારતાં વાડીએ બોલાવી છરીના ઘા ઝીંકયા!

જયસુખ કડવાણીને દિનેશ રાઠોડે પકડી રાખ્યો ને તેના પુત્ર ચેતને છરીથી ઘાયલ કર્યોઃ એક વર્ષ પહેલા ચેતને જયસુખની પત્નિને ફોન આપ્યો હોઇ તે બાબતનું મનદુઃખ કારણભુત

રાજકોટ તા. ૩: ત્રંબા નજીકના ઢાંઢણીમાં રહેતાં યુવાનની પત્નિને ગામના જ એક શખ્સે ફોન આપ્યો હોઇ એક વર્ષ પહેલા તેણીને પતિએ રંગેહાથ પકડી લીધી હતી અને ફોન આપનારના ઘરે જઇ તેના પિતાને વાત કરતાં જે તે વખતે ફોન ભાંગી નંખાયો હતો અને સમાધાન થઇ ગયું હતું. આ બાબતનો ખાર રાખી ફોન આપનારો શખ્સ ફરીથી યુવાનના ઘર પાસે આંટાફેરા કરતો હોઇ ગઇકાલે તેણે વાત કરવા વાડીએ બોલાવ્યા બાદ પોતાના પિતા સાથે મળી છરીના ત્રણ ઘા ઝીંકી દેતાં સારવાર લેવી પડી છે.

આજીડેમ પોલીસે આ બારામાં ઢાંઢણી ગામે રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં જયસુખ મનસુખભાઇ કડવાણી (ઉ.૨૫) નામના યુવાનની ફરિયાદ પરથી તેના જ ગામના ચેતન દિનેશભાઇ રાઠોડ અને તેના પિતા દિનેશ મેરામભાઇ રાઠોડ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

જયસુખે ફરિયાદમાં જણાવ્યું છે કે મારા પિતા હયાત નથી. હું પત્નિ ભાવના અને માતા ચંપાબેન તથા પુત્રી સાથે રહુ છું. આજથી એકાદ વર્ષ પહેલા મારી પત્નિ ફોન કરતી હોઇ મેં તેને પકડી લીધી હતી. તે વખતે પુછતાં તેણે કહ્યું હતું કે તેણીને આ ફોન ચેતન રાઠોડે આપ્યો છે. આથી મેં ચેતનના પિતાને વાત કરી હતી. આથી તેણે જે તે વખતે ફોન ભાંગી નાંખવાનું કહ્યું હતું અને હવે પછી મારો પુત્ર ચેતન હવે તારી પત્નિ સાથે વાત નહિ કરે તેવી ખાતી આપી હતી. આથી સમાધાન થઇ ગયું હતું.

દરમિયાન ગઇકાલે ૨/૨ના રવિવારે બપોરે હું મારા ઘર પાસે બાઇક પર બેઠો હતો ત્યારે ચેતન રાઠોડ ત્રણ વખત તેનું બાઇક લઇને મારા ઘર પાસેથી નીકળ્યો હતો. આ વખતે મારી પત્નિ કપડા ધોતી હતી. ચેતને મને ફોન કરી વાડીએ આવવાનું કહેતાં હું મારા મોટાબાપુ રઘુભાઇને લઇને ત્યાં જતાં ચેતન અને તેના પિતા દિનેશભાઇ હાજર હતાં. અમે ઉભા રહેતાં જ ચેતને છરી છુપાવી હોઇ તે કાઢી હતી અને મને માથામાં મારી દીધી હતી. તેના પિતા દિનેશભાઇએ મને પકડી રાખ્યો હતો અને ચેતને ફરીથીગાલ પર છરી ઝીંકી હતી. ત્રીજો ઘા જમણા પગમાં મારી દીધો હતો. આ પછી ચેતન અને તેના પિતા ભાગી ગયા હતાં. મને મારા મોટાબાપુ કાર મારફત હોસ્પિટલે સારવાર માટે લઇ ગયા હતા. પીએસઆઇ આર. વી. કડછાએ ગુનો નોંધી આરોપી પિતા-પુત્રની શોધખોળ હાથ ધરી છે.

(11:50 am IST)