Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

મોરબીમાં કોમી એકતાના પ્રતિક સમાન હિંદુ-મુસ્લિમ સમૂહલગ્નોત્સવ યોજાયો

હિંદુ અને મુસ્લિમ સમાજના ૧૫-૧૫ યુગલો લગ્નગ્રંથીથી જોડાયા

મોરબીમાં હઝરત બાવા અહમદશા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આજે ૨૨ મો હિંદુ મુસ્લિમ સમૂહ લગ્ન યોજાયો હતો જેમાં હિંદુ અને મુસ્લિમ સમાજના ૧૫-૧૫ યુગલોએ એક જ મંડપ નીચે લગ્નગ્રંથીથી જોડાયા હતા

મોરબીમાં કોમી એકતાના પ્રતિક સમાન હિંદુ મુસ્લિમ સમૂહ લગ્નોત્સવ આજે શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો જેમાં એક જ મંડપ નીચે ૧૫ હિંદુ નવદંપતીઓએ હિંદુ શાસ્ત્રોક્ત વિધિથી જ્યારે ૧૫ મુસ્લિમ યુગલોએ કલમાં પઢીને નવજીવનની શરૂઆત કરી હતી નવદંપતીઓને આશીવચન પાઠવવા સૈયદ ઇસમતુલ્લાહશાહ કાદરી ઉર્ફે અતા એ રસુલ બાવા, મહારાજ પ્રભુચરણદાસ, મહંત દામજી ભગત, ભાવેશ્વરીબેન ગુરુ દ્વારકાદાસ, સૈયદ હાજી મહમદફારૂકમિયા કાદરી, સહિતના હિંદુ અને મુસ્લિમ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા

હિંદુ મુસ્લિમ કોમી એકતાના પ્રતિક સમાન સમૂહ લગ્નમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહયા હતા અને કોમી એખલાસના વાતાવરણમાં યોજાતા અનોખા સમૂહલગ્નની કામગીરીને બિરદાવી હતી અને એક મંડપ નીચે હિંદુ મુસ્લિમ દંપતીઓ નવજીવનની શરૂઆત કરે તે પ્રસંગને માણવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

(12:02 am IST)