Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

કેશોદમાં ડેપ્‍યુટી કલેકટર કચેરીમાં ફરજ બજાવતી યુવતીની છેડતી મામલે ટ્રાફિક કોન્‍સ્‍ટેબલની ધરપડક

કેશોદ : કેશોદ ખાતે ટ્રાફિક કોન્‍સટેબલે ડેપ્‍યુટી કલેકટર કચેરીમાં ફરજ બજાવતી યુવતીની છેડતીનો મામલો સામે આવ્‍યો છે. 

યુવતીની છેડતી કર્યાની ઘટના સામે આવી છે. ટ્રાફિકને માર્ગ બતાવવાનું કાર્ય કરતા એક કોન્સ્ટેબલે પોતે સાચો માર્ગ ભૂલી જઈને ડેપ્યુટી કલેક્ટરની કચેરીમાં સંશોધન નિયામક તરીકે ફરજ બજાવતી યુવતીની ખાનગી ટ્રાવેલ્સની બસમાં મુસાફરી દરમિયાન છેડતી કર્યાનું સામે આવતા ચોતરફ ફિટકાર વરસી રહ્યો છે. તેમજ સતત ચોથી વખત ઘટના બનતા યુવતીએ આખરે પોલીસ ફરિયાદ નોંધાવી ન્યાય અપાવવાની માંગ કરી છે.

અંગે જાણવા મળતી વિગત મુજબ કેશોદમાં ટ્રાફિક કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કાલિદાસ દોમાંડીયા ખાનગી ટ્રાવેલ્સની બસમાં અપડાઉન કરે છે. ફરિયાદી અને ડેપ્યુટી કલેક્ટર કચેરીમાં સંશોધન નિયામક તરીકે ફરજ બજાવતી યુવતી પણ ખાનગી ટ્રાવેલ્સની બસમાં નિયમિત અપડાઉન કરે છે. છેલ્લા કેટલાક સમયથી કાલિદાસે યુવતીને પરેશાન કરી છેડતી કરવાનું શરૂ કર્યું હતું. વારંવાર સમજાવવા છતાં કોન્સ્ટેબલે પોતાની હરકત ચાલુ રાખતા અંતે યુવતીએ સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ભોગ બનનાર અધિકારી યુવતીની ફરિયાદને આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ લોકોને માર્ગ બતાવનાર ટ્રાફિક કોન્સ્ટેબલ પોતે માર્ગ ભુલ્યાનો કિસ્સો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. લોકો ટ્રાફિક કોન્સ્ટેબલ પર ફિટકાર વરસાવી રહ્યા છે.

(12:56 am IST)