Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

પોરબંદરમાં ''લોકસાહિત્યમાં જીવન મૂલ્યો''પરિસંવાદ સંપન્ન

પોરબંદર ગોઢાણીયા બી.એડ્. કોલેજ ખાતે ''લોકસાહિત્યમાં જીવન મૂલ્યો'' વિષય પર પરિસંવાદનું આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા કરવામાં આવેલ હતું. પરિસંવાદને મંગલદીપ પ્રગટાવીને ખુલ્લો મૂકી  અધ્યક્ષીય ઉદ્બોધન કરતા કુલપતિ ડો.જે.પી. મૈયાણીએ જણાવ્યું હતું કે, આપણી વિરાસતને જાળવવાની આપણી જ જવાબદારી છે. ગળથુથીથી ગંગાજળ સુધીનો વારસો લુપ્ત થતો જાય છે. યુનિવર્સિટીના ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રના નિયામક ડો. અંબાદાન રોહડીયાએ જણાવ્યુ હતુ કે, સોરઠી સંસ્કૃતિને જીવંત રાખવા  લોક સાહિત્યને જીવંત રાખવું જરૂરી છે માલદેવજી ઓડદરા સ્મારક ટ્રસ્ટના એકટીવ ટ્રસ્ટી ભરતભાઇ વિસાણાએ દેશ-વિદેશમાં વસતા ગુજરાતીઓના કંઠે અને હૃદયમાં લોકસાહિત્ય વસેલુ છે ત્યારે આ વિસરાતા વૈભવનું જતન કરવામાં આ પરિસંવાદ મૂલ્યવાન બની રહેશે તેવી અભિલાષા સેવી હતી. શિક્ષણ પ્રેમી ડો. વિરમભાઇ ગોઢાણીયા તેમજ આર.જી. ટીચર્સ કોલેજના ઇન્ચાર્જ પ્રોફેસર અને ડો.મિતાબેન થાનકીએ ભડલી વાકય, છંદા-દુહા, છપ્પા, ચાબખા, ધોળ,ગરબી, ગરબા, બારમાસી ફાગુ, થાળ, આરતી જેવા સાહિત્ય પ્રકારો વિસરાતા જાય છે તેમ જણાવેલ હતુ  પ્રિન્સીપાલ ડો. ઇશ્વરભાઇ ભરડાએ આજે બુદ્ધિઆંક વધ્યો પણ સંવેદનાનો આંક ઘટતો જાય છે. તેમ જણાવેલ હતુ પરિસંવાદમાં પ્રથમ બેઠકમાં ઝવેરચંદ મેઘાણી સંપાદિત લોકગીતો પર જૂનાગઢની સરકારી બહાઉદીન કોલેજના  પ્રોફેસર ડો.ચેતનાબેન પાણેરી, ઝવેરચંદ મેઘાણી સંપાદિત, લોકકથાઓ પર કુતિયાણાની એસ.એમ.જાડેજા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિ.ડો.નવઘણભાઇ ોડેદરા, બીજી બેઠકમાં પુષ્કર ચંદરવાકર સંપાદિત લોકકથાઓ પર જાણીતા પત્રકાર ડો. રાજુલભાઇ દવે, ખોડીદાસભાઇ પરમાર સંપાદિત લોકગીતો પર આર્યકન્યા ગુરૂકુળના પ્રોફેસર ડો. ઉષાબેન મકવાણા અને તૃતીય બેઠકમાં ઇન્દુબેન પટેલ સંપાદિત લોકગીતો રાજકોટના ગુજરાતી ભવનના ડેપ્યુટી ડાયરેકટર ડો. જે.એમ. ચન્દ્રાવાડીયા તેમજ પોરબંદરની એમ.ડી.સાયનસ કોલેજના નિવૃત પ્રોફેસર વજુભાઇ પરમારે, જયમલ્લ પરમાર સંપાદિત લોકગીતો પર વિચારો પ્રસ્તુત કર્યા હતા. ભકતકવિ નરસિંહ મહેતા યુનિ. જૂનાગઢના કુલપતિ ડો. જે.પી. મૈયાણીનું ટ્રસ્ટના એકટીવ ટ્રસ્ટીશ્રી ભરતભાઇ વિસાણાના હસ્તે શાલ ઓઢાડી સ્મૃતિ ચિહન અર્પણ કરી સન્માન કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન પ્રા.રાંભીબેન બાપોદરા, પ્રા.જાનકીબેન જોષી, પ્રા. મનીષાબેન ઓડેદરાએ સંભાળ્યું હતું આભાર દર્શન ઇન્ચાર્જ પ્રિન્સીપાલ ડો. હિનાબેન ઓડેદરાએ કર્યુ હતું. પરિસંવાદની તસ્વીર.

(11:46 am IST)