Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

ગોંડલ પાલિકામાં તોડફોડ બાદ ચીફ ઓફિસર અને સફાઇ કર્મીઓની પોલીસમાં સામસામી ફરિયાદ

સફાઇ કર્મીઓએ તોડ-ફોડ કરી બે લાખનું નુકસાન કર્યાની ચીફ ઓફિસરે ફરિયાદ કરી'તો સામાપક્ષે સફાઇ કર્મીઓએ ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખ સહિત ૪ સામે એટ્રોસીટી ફરિયાદ કરતા ચકચાર

ગોંડલ તા. ૩ : ગોંડલ નગરપાલિકામાં ગત રોજ સફાઈ કામદારોના ટોળાએ પાલિકાના પટાંગણ ચીફ ઓફિસરની ઓફિસ તેમજ પાલિકાના પ્રમુખની ઓફિસમાં તોડફોડ કરતાં ચીફ ઓફિસર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જયારે બાદમાં રાત્રિના સફાઈ કામદારોના ટોળાએ પોલીસ મથકે ઘસી જઈ ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ તેમજ સદસ્ય મળી કુલ ચાર શખ્સો વિરૂધ્ધ એસ્ટ્રોસીટી ફરિયાદ નોંધાતા પાલિકા વર્તુળમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગત શુક્રવારનાં બપોરે નગરપાલિકા કચેરીએ સફાઈ કામદારો ટોળું પડતર પ્રશ્નો અને કાયમી કરવાની માંગ સાથે ઘસી આવ્યું હતું. દરમ્યાન સત્ત્।ાધીશો અને સફાઈ કામદારો વચ્ચે તણખા ઝરતા રોષે ભરાયેલ સફાઈ કામદારોએ પાલિકા પ્રમુખ મનિષાબેન સાવલિયા અને ચીફ ઓફિસર પટેલની ઓફિસમાં કાચ તોડ્યા હતા. બાદમાં લોબીમાં રાખવામાં આવેલ વાઇફાઇ મોડેમ તેમજ ફુલઝાડ ના કુંડાઓનો કચ્ચરઘાણ બોલાવી દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ચીફ ઓફિસર પટેલ દ્વારા વસંતભાઈ ગોરી, પ્રમુખ રાજુભાઇ ગોરી, શંકરભાઈ સહિત ૧૫ વ્યકિતઓ સામે પાલિકામાં તોડ ફોડ કરી બે લાખ રૂપિયાની નુકશાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જયારે સામાપક્ષે સફાઈ કામદારના રાજુભાઈ ગોરીએ ચીફ ઓફિસર પટેલ, પાલિકા પ્રમુખ મનીષાબેન સાવલિયા તેમના પતિ બટુકભાઈ સાવલિયા તેમજ સદસ્ય ચંદુભાઇ ડાભી વિરુદ્ઘ એટ્રોસિટી ની ફરિયાદ નોંધાવતા ઘટના અંગે સીટી પોલીસે તપાસ હાથ ધરી છે.

પાલિકાના ચીફ ઓફિસરે નવ સફાઈ કામદારો અને છ મહિલા સફાઈ કામદારો વિરુદ્ઘ ફરિયાદ નોંધાવી તો સફાઈ કામદારોએ ચીફ ઓફિસર પ્રમુખ સદસ્ય સહિત ચાર વ્યકિતઓ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવતા આ બનાવે ગોંડલમાં ભારે ચર્ચા જગાડી છે.

(11:41 am IST)