Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

અમરેલી - જિલ્લામાં બ્લુ વ્હેલ ગેમ - ચેલેન્જ જેવી ગેમ કોમ્યુનિકેશનમાં ભાગ લેવા કે તેમાં મદદરૂપ થવા પ્રતિબંધાત્મક આદેશ

અમરેલી તા. ૩ : વિવિધ માધ્યમથી ધ્યાન પર આવ્યું છે કે, બ્લુ વ્હેલ ગેમ-બ્લુ વ્હેલ ચેલેન્જ વગેરે નામોથી સોશિયલ મિડીયા પ્લેટફોર્મ તથા ઇન્ટરનેટના વિવિધ કોમ્યુનિકેશન પ્લેટફોર્મનો ઉપયોગ કરી કયુરેટર-એડમિનિસ્ટ્રેટર બનીને યુવાનોને આત્મહત્યા માટે દુષ્પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. ગેમ-ચેલેન્જના ભાગરૂપે કયુરેટર-એડમિનિસ્ટ્રેટર દ્વારા આપેલ ક્રમશઃ સૂચનાઓના અંતે આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરવામાં આવે છે.

કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એસ.એલ. અમરાણીએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ તેમજ ગુજરાત પોલીસ એકટની કલમ-૩૭ (૩) અન્વયે સમગ્ર અમરેલી જિલ્લામાં તા.૩૦ માર્ચ-૨૦૧૮ સુધી જાહેર સલામતી અને સુરક્ષાને ધ્યાને લઇ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે હેતુસર એવા કોઇપણ પ્લેટફોર્મ (બ્લુ વ્હેલ ગેમ-બ્લુ વ્હેલ ચેલેન્જ વગેરે) મારફતે કયુરેટર-એડમિનિસ્ટ્રેટરના રોલ પ્લે કરવા, આત્મહત્યા માટે ઇન્ટરનેટના માધ્યમથી દુષ્પ્રેરિત કરવા અથવા એવી ગેમ-કોમ્યુનિકેશનમાં ભાગ લેવા કે તેમાં મદદરૂપ થવા પ્રતિબંધિત કરવામાં આવે છે.

સમગ્ર અમરેલી જિલ્લાના તમામ વિસ્તારમાં કોઇપણ અન્ય વ્યકિત એવી ગતિવિધીમાં ભાગ લે છે, તેવું ધ્યાને આવે તો નજીકના પોલીસ સ્ટેશનમાં ઓછામાં ઓછા સમયમાં મૌખિક/લેખિત જાણ કરવાની ફરજ બને છે. ગુન્હાની તપાસની કામગીરી-શૈક્ષણિક સંશોધનના કામે કરવામાં આવતી કાર્યવાહી પર આ જાહેરનામું લાગુ પડતું નથી. હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ-૧૮૮ તેમજ ગુજરાત પોલીસ એકટની કલમ-૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.

(9:44 am IST)