Gujarati News

Gujarati News

News of Friday, 3rd January 2020

ઉપલેટા : રવિ પાક માટે ભાદર-૧ના પાણી સિંચાઇ માટે આપવા ખેડુતોની માંગણી

ઉપલેટા તા ૩  :  ખરીફ પાકમાં અતિ વરસાદ અને માવઠાના વરસાદથી ખેતીને મોટા પાયે ભારે નુકશાન થયું છે, ત્યારે છલોછલ ભરેલા ભાદર-૧ ડેમના પાણીથી રવિ પાકનું ખુબજ વાવેતર થશે, એવી આશા ખેડુતોને થયેલ અને રવિપાક ઘઉં,જીરૂ,ચણા, દિવેલના પાકના વાવેતર કરવાના સમયને એક મહિનો વીતી ગયો છે, છતાં ભાદર ઇરીગેશનના અણઘડ વહીવટનો ભોગ બની રહયા છે.રવિ પાકની આશા રાખનાર ખેડુતોમાં મોટાભાગના ખેડુતો ભાદર ડેમના સિંચાઇના પાણીથી વાવેતર કરવાના છે, જેને કુવાની સગવડતા નથી અને એક માત્ર સિંચાઇના પાણીની અપેક્ષા છે, તેવા ખેડુતોએ ૧૯૦૦૦ વિઘામાં રવિપાક  કરવા માટે અરજી ફોર્મ ભરી દીધા છે છતાં આજ દિવસ સુધી સિંચાઇના પાણી છોડવા અંગે કોઇ નિર્ણય થયેલ નથી, આથી ખેડુતોમાં ભારે રોષની લાગણી છે. ગુજરાત કિશાન સભાના પ્રમુખ ડાયાભાઇ ગજેરાએ રાજયના સિંચાઇ મંત્રી સહીત લાગતા વળગતા ખાતાને એક વિસ્તૃત પત્ર પાઠવી ભાદર-૧ ડેમનું સિંચાઇનું પાણી તાત્કાલીક ખેડુતોને આપવા માંગણી કરેલ છે અને વધુમાં તેમણે જણાવેલ છે કે જો આ બાબત   તાત્કાલીક યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો ખેડુતોના મોટા સમુહને સાથે રાખી જલદ આંદોલન કરવામાં આવશે તેવી અંતમાં ચિમકી પણ ઉચ્ચારેલ છે.

(11:40 am IST)