Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

દ્વારકા જિલ્લામાં ૬૨% મતદાનઃ ગત વખત કરતા વધારો થયો

ઉમેદવારો, વિશ્‍લેષકો દ્વારા હારજીતના અંકોડા મેળવવા કવાયત : ભાજપ ૪ હજારની સરેસાથીએ વિજેતા થશેનો મત : મહારથીઓના ભાગ્‍ય સામે મીટ

 (કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા, તા.૨ :  સમગ્ર રાજ્‍ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ગઈકાલે ગુરૂવારે વિધાનસભાની ચૂંટણી સંદર્ભે મતદાન યોજવામાં આવ્‍યું હતું. જેમાં આશરે ૬૧.૭ ટકા જેટલું મતદાન થયાનું જાણવા મળ્‍યું છે. જે ગત વખત કરતા થોડું ઊંચું નોંધાયું છે.

 ખંભાળિયા તથા દ્વારકા બેઠક માટે મતદાનમાં આ બંને બેઠકો માટે કુલ ૩૦૫૦૧૭ પુરૂષ, ૨૮૯૧૮૬સ્ત્રી અને ૧૩ અન્‍ય મળી, કુલ ૫૯૪૨૧૬ મતદારો માટે યોજવામાં આવેલી આ ચૂંટણીમાં ખંભાળિયામાં ૧૧ તથા દ્વારકામાં ૧૩ મળી કુલ ૨૪ ઉમેદવારો નોંધાયા હતા. આ માટે જિલ્લામાં કુલ ૩૩૫ મતદાન મથકો તથા ૨૧૧ મતદાન સ્‍થળ પર ૩૩૫ પ્રિસાઇડિંગ ઓફિસર, ૩૩૫ બીએલઓ, ૩૭ ઝોનલ અધિકારીને નીમવામાં આવ્‍યા હતા, ખંભાળિયા તેમજ ભાણવડ તાલુકાના ૫૦ જેટલા સંવેદનશીલ તથા મહત્‍વના બુથો પર લાઈવ વેબકાસ્‍ટિંગની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી હતી.

  જિલ્લાના મુખ્‍ય ચૂંટણી અધિકારી એમ.એ. પંડ્‍યા તથા નાયબ ચૂંટણી અધિકારી આસ્‍થા ડાંગર ઉપરાંત જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તથા પ્રાંત અધિકારી પાર્થ કોટડીયાના વડપણ હેઠળ સમગ્ર જિલ્લામાં ચૂંટણી સંદર્ભે  બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો હતો.

 ખંભાળિયા વિધાનસભા વિસ્‍તાર માટે ૬૨.૩૪ ટકા તથા દ્વારકા વિધાનસભા માટે અંદાજિત ૬૧ ટકા જેટલું મતદાન થયાના પ્રાથમિક અહેવાલો સાંપળ્‍યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૭ ની વિધાનસભાની ચૂંટણીમાં ખંભાળિયાની બેઠક માટે ૬૦.૩૩ ટકા જ્‍યારે દ્વારકાની બેઠક માટે ૫૯.૨૮ ટકા મતદાન થયું હતું, જેમાં આ વખતે થોડો વધારો નોંધાયો છે.   ચૂંટણી  પ્રક્રિયા સંપન્ન થતાં ઉમેદવારો, વિશ્‍લેષકો તથા ચૂંટણી રશિયાઓ સંભવિત વિજેતા ઉમેદવારોના નામ માટે મતોના અંકોડા મેળવવામાં વ્‍યસ્‍ત બની ગયાછે.

ખંભાળિયા બેઠક પરના ૧૧ તથા દ્વારકા બેઠક ના ૧૩ મળી, કુલ ૨૪ ઉમેદવારોના ભાવી ઈ.વી.એમ.માં શીલ થયા છે. ખંભાળિયા બેઠક માટે ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરા, વર્તમાન ધારાસભ્‍ય કોંગ્રેસના વિક્રમભાઈ માડમ તથા આમ આદમી પાર્ટીના મુખ્‍યમંત્રી પદના ચહેરા ઈશુદાન ગઢવી માટેના આ પ્રતિષ્‍ઠા ભર્યા ચૂંટણી જંગમાં આ તમામ ઉમેદવારોના ભાવિ તા. ૮ ડિસેમ્‍બરના રોજ નક્કી થશે. વિશ્‍લેષકોના પ્રાથમિક અનુમાન મુજબ ખંભાળિયા બેઠક પર ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરા ચાર - પાંચ હજાર મતની સરસાઇથી વિજેતા થશે. આ સાથે દ્વારકાની બેઠક પર છેલ્લા સાત વખતથી ચૂંટાઈ આવતા ભાજપના ધારાસભ્‍ય પબુભા માણેક તથા કોંગ્રેસના મુળુભાઈ કંડોરીયાની હારજીત  પ્રત્‍યે પણ લોકોને મીટ મંડાઇ છે

(2:17 pm IST)