Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

મોરબીમાં કાંતિભાઇ કે જયંતિભાઇ ? કોના દાવામાં કેટલો દમ ? જબરી ઉતેજના

ભાજપ-કોંગ્રેસના જીતના દાવા વચ્ચે કરોડોની શરતો લાગી! ભાજપના દિગ્ગજોએ સભાઓ ગજવી હતી પણ કોંગ્રેસના કોઇ મોટા નેતાઓની સભાઓ યોજાઇ નથી ત્યારે મતદારોએ નિર્ણય કરી લીધો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૨ : મોરબીની હાઈપ્રોફાઈલ ગણાતી વિધાનસભાની બેઠક બાદ ગઇકાલે મતદાન પુર્ણ થયા બાદ ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા અને કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ પટેલ પોતપોતાના કાર્યાલયે આવી પહોંચતા બન્ને કાર્યાલય પર વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો, સમર્થકોનો આભાર વ્યકત કર્યો હતો. અને કાંતિભાઇએ ભાજપના કાર્યકરોની મહેનત રંગ લાવશે તેવું જણાવી ભાજપની, પોતાની જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

તો પૂર્ણ જીતના વિશ્વાસ સાથે ચૂંટણી મેદાનમાં ઉતરેલા અને કોઇ પણ જાતની મોટી સભાઓ કે રેલીઓ કર્યાં વગર શાંતિથી પ્રચાર કરનાર કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ પટેલે પણ પુરા આત્મવિશ્વાસ સાથે પોતાની જીતનો આશાવાદ વ્યકત કર્યો હતો. અને તમામ મતદારોનો પણ આભાર વ્યકત કર્યો હતો.

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ વસંતભાઇ ગોરીઆએ પણ આ સીટ પર ખુબ સારો પ્રતિસાદ મળશેની આશા વ્યકત કરી હતી.

મોરબી ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, એમ. પી.ના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, કેન્દ્રિય મંત્રી પરસોતમ રૃપાલાએ મોરબીમાં સભાઓ ગજવી ભાજપના ઉમેદવાર માટે મતો માગ્યા. ઉમેદવારે કાંતિભાઈ એ પણ કાર રેલી.યોજી. ગ્રામ્ય પંથકમાં સભાઓ કરી, મોરબીમાં પણ દરેક વિસ્તારમા લોકસંપર્ક કર્યો અને મત માગ્યા.

તો કોંગ્રેસના કોઈ મોટા ગજાના નેતાઓની સભાઓ યોજાઈ નહી, કોઈ મોટી કાર કે બાઇક રેલી પણ જોવા ના મળી. ગ્રામ્યપંથક તેમજ શહેરી વિસ્તારમાં તેમને ડોર ટુ ડોર જઈ પોતાની વાત રાખવા સાથે મત માગ્યા.

ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પડઘમ શાંત થવા સુઘી અને પડઘમ શાંત થયા બાદ ગ્રુપ મીટીંગો સહિત જે કંઈ થઈ શકતુ હતુ તે કર્યું અને પોતાની તમામ તાકાત કામે લગાડી દીધી.

ભાજપ પાસે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી, હિન્દુત્વ, રાષ્ટ્રવાદ, વિકાસ અને ઉમેદવારના કાંતિભાઈની લોકપ્રિયતા અને સેવાકાર્યોના સહિતના મુદ્દાઓ છે.

જયારે કોંગ્રેસ પોતાના પ્રચારમાં મોંઘવારી,બેરોજગારી, સીક્ષણનું વ્યાપારીકરણ, મોંઘી આરોગ્યસેવા, સિંચાઇ અને ઝૂલતાપુલના અસરગ્રસ્તોને ન્યાય અપાવવાના, મોરબી સ્થાનીક પાલિકાના ભ્રસ્ટાચાર,પ્રાથમિક સુવિધાના અભાવને મુદ્દાને લઈ મેદાનમાં છે.

હવે જોવું એ રસપ્રદ રહેશે કે કોના મુદ્દાઓ મતદારોને આકર્ષવામાં સફળ રહેછે!

પરંતુ આખરી નિર્ણય તો એક દિવસના રાજા એવા મતદારોએ કરવાનો હતો અને ગઇકાલે મતદાનના રૃપમાં એ નિર્ણય મતદાર કરી નાખ્યો છે. અને તે નિર્ણય હાલ ઈ વી એમ મા બંધ કરી દિધો છે.

જયારે તારીખ ૮ મી ડિસેમ્બરના ઇ વી એમ ખુલશે ત્યારે મતદારો દુધનું દુધ અને પાણીનું પાણી કરી બતાવશે. અને કોના દાવામાં કેટલો દમ હતો એ પણ ખબર પડી જશે!!

મોરબીમાં મતદાન પુરૃ થાય, હજુ સતાવાર મતદાનના આંકડા પણ જાહેર ના થયા હોય ત્યાંતો હારજીતની સર્તો લગાવવા વાળા મેદાનમાં આવી જતા હોય છે. અને મોરબી વિધાનસભાની ચૂંટણીઓમાં લખોની નહી પણ એક એક કરોડની શરત લાગતી હોવાનું બધા જાણેછે.

પરંતુ ગમે તે કારણ હોય ગઇકાલે મતદાન પૂર્ણ થયા બાદ રાત્રી સુધી આવા શરતોના શોખીનો મેદાનમાં કયાંય આવ્યા હોવાનુ સાંભળવામાં આવ્યુ નથી. એ પણ એક મોટી આશ્ચર્યની બાબત છે!! અને તે ઘણું બધું કહી જાય છે!!.

મોરબી જીલ્લાની ત્રણ બેઠક પર ૬૯.૭૭ ટકા મતદાન નોંધાયું.

મોરબી જીલ્લાની ત્રણ વિધાનસભા બેઠક પર સરેરાશ ૬૯.૭૭ ટકા મતદાન નોંધાયું હતું. મોરબી જીલ્લામાં સવારથી ઉત્સાહ સાથે મતદારોએ લોકશાહી પર્વમાં ભાગ લીધો હતો અને સાંજે ૫ વાગ્યા સુધી મતદાન કરતા સાંજ સુધીમાં મોરબી બેઠક પર ૬૭.૧૬ ટકા, ટંકારા બેઠક પર ૭૧.૧૮ ટકા અને વાંકાનેર બેઠક પર ૭૧.૧૯ ટકા મતદાન નોંધાયું છે

જેમાં મોરબી બેઠક પર ૧,૦૫,૨૮૨ પુરુષ, ૮૭,૩૬૩ સ્ત્રી મતદારો અને ૦૧ અન્ય મતદારે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો ટંકારા બેઠક પર ૯૬,૭૯૦ પુરુષ, ૮૦,૮૧૭  સ્ત્રી મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને વાંકાનેર બેઠક પર ૧,૦૮,૩૧૦ પુરુષ અને ૯૨,૦૧૯  સ્ત્રી મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો ત્રણેય બેઠક પર મળીને ૭૩.૫૦ ટકા પુરુષ મતદારો, ૬૫.૭૯ ટકા  સ્ત્રી મતદારો અને અન્ય ૨૫ ટકા મળીને કુલ ૬૯.૭૭ ટકા મતદાન નોંધાયું છે

ચાર પૈકી ૧ અન્ય મતદારે મતદાન કર્યું

મોરબી જીલ્લામાં આવતી મોરબીની બેઠક પર ૩ અને વાંકાનેર બેઠક પર ૧ એમ કુલ ચાર અન મતદારો નોંધાયેલા હોય જેમાં ૧ મતદારે મતદાન કરતા અન્ય કેટેગરીમાં ૨૫ ટકા મતદાન નોંધાયું છે.

૩ બેઠકમાં ઇવીએમ બગડ્યા

મોરબી જીલ્લા અધિક કલેકટર મુછાર પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ત્રણેય બેઠક પર મોક પોલીંગ દરમિયાન ૯ બિયું, ૧૫ સયું અને ૧૩ વીવીપેટ બદલવામાં આવ્યા હતા તેમજ વોટીંગ શરુ થયા બાદ ૨ બિયું, ૨ સયું અને ૬ વિવીપેટમાં ખરાબી જણાતા મશીનો બદલવાની ફરજ પડી હતી આમ મોક પોલીંગ દરમિયાન કુલ ૩૭ યુનિટ અને વોટીંગ દરમિયાન ૧૦ યુનિટ બદલવામાં આવ્યા છે મશીનોમાં ખામી હોવાથી બદલવામાં આવ્યા છે જોકે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થઇ રહ્યું છે.

(1:19 pm IST)