Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

જીતુભાઇ કે પીરઝાદા ? વાંકાનેરમાં ૭૧.૧૯ ટકા મતદાન બાદ પરીણામની ઉત્‍કંઠા

૬૭ -વાંકાનેર-કુવાડવા વિધાનસભા મત વિસ્‍તારમાં મતદારોમાં ભારે ઉત્‍સાહ

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા., ૨:  આજે મતદાનના મહાપર્વ પ્રસંગે ૬૭-વાંકાનેર-કુવાડવા વિધાનસભા મત વિસ્‍તારમાં મતદારોમાં ભારે ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો.

આજે મતદાનના પ્રારંભે જ તમામ મતદાન બુથ ર લાઇનો જોવા મળી હતી.

આ લોકશાહીના પર્વનો અનેરો ઉત્‍સાહ મતદારોમાં જોવા મળી રહયો. મતદારો જેટલો જ ઉત્‍સાહ કાર્યકર્તાઓમાં પણ જોવા મળ્‍યો હતો.

૬૭-વાંકાનેર-કુવાડવા વિધાનસભા વિસ્‍તારનું સરેરાશ મતદાન ૭૧.૧૯ ટકા થયું હતું. આ ત્રિપાંખીયા જંગમાં મતદારોએ કયાં ઉમેદવાર પસંદ કર્યા તે હવે તા.૮ના રોજ વિજેતા ઉમેદવાર નક્કી થશે અને વિજેતાનો સરતાજ કોન પહેરશે તે જોવાનુ રહયું

તમામ બુથો પર પોલીસ તથા સીઆરપીના જવાનો દ્વારા ચુસ્‍ત બંદોબસ્‍ત જાળવવામાં આવ્‍યો હતો.

વાંકાનેર સહીત સમગ્ર વિસ્‍તારમાં શાંતીમય રીતે મતદાન પુરૂ થયું હતું. મતદાન પુર્ણ થવાના અંતિમ સમયે અમરસિંહજી હાઇસ્‍કુલ ખાતે આવેલ બુથ પર બે મત માટે બબાલ  થતા ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો બુથ ખાતે દોડી ગયા હતા.

જે બે મતદારો એવા હતા કે જેમની પાસે ઓરીજીનલ પ્રુફ ન હતા તેઓ ઝેરોક્ષ લાવ્‍યા હતા. જે માન્‍ય ન રાખતા ટુ કોપી કરવાનું કહેતા બન્ને મતદારો ટુ કોપી કરાવીને લાવતા બરાબર પાંચ વાગી જતા કોંગ્રેસના શકીલભાઇ પીરઝાદાએ વાંધો લેતા તેમને મતદાન કરતા રોકવામાં આવ્‍યા હતા. જેના કારણે થોડો ગરમાવો પકડાયો હતો.

આખરે બન્ને ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો  જીતુભાઇ સોમાણી તથા મહમંદ જાવેદ પીરઝાદા અમરસિંહજી હાઇસ્‍કુલ ખાતેના બુથ પર પહોંચ્‍યા હતા. સાથે મામલતદાર તથા સીટી પીઆઇ પણ બુથ પર પહોંચ્‍યા હતા.

આખરે સમજુતીથી એવુ નક્કી કરવામાં આવ્‍યું હતું કે  બે મતદારોમાંથી એક મતદાર મત આપે એક ન આપે તેવી સમજુતી કરવામાં આવી હતી.

આ પરીણામે મામલો શાંત પડી જતા તંત્રએ રાહતનો દમ લીધો હતો.

ત્‍યાર બાદ બન્ને ઉમેદવારો બુથની બહાર સાથે જ આવ્‍યા હતા. ભાજપના ઉમેદવાર જીતુભાઇ સોમાણીએ હળવા મુડમાં એવુ કહેલ કે આ એક મતથી હું વિજય થઇશ.

(11:50 am IST)