Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

ભાવનગરમાં ધાર્યા કરતા ઓછું મતદાનઃ ૨.૪૮% નો ઘટાડો : જિલ્લાની બેઠકોમાં સરેરાશ ૫૬.૭૦ ટકા મતદાન

જીતુભાઇ વાઘાણી, પુરૂષોતમભાઇ સોલંકી, કનુભાઇ કલસરિયા, કે.કે. ગોહિલ સહિત ૬૬ ઉમેદવારોમાં કોણ જીતશે! : સૌથી વધુ મહુવામાં ૬૧.૯૬% અને સૌથી ઓછુ ભાવનગર પુર્વમાં ૫૬.૦૮% મતદાન

પહેલા મતદાન પછી લગ્ન : મતદાન કરવાની ફરજ વરરાજા ચૂકયા નહી : ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં રામનગર પ્રાથમિક શાળા ખાતે વરરાજા એ જાન લઈને જતા પહેલા પોતાની મતદાતા તરીકેની ફરજ અદા કરી હતી. ભાવનગરના રામનગરના રહેવાસી  અજયભાઈ દેવરાજભાઈ ચાવડાના લગ્ન છે ત્‍યારે  વરરાજાએ સવારે પોતાના મતદાન મથકે જઈને મતદાન કર્યું હતું. ત્‍યારબાદ જાન લઈને લગ્ન કરવા ગયા હતા.

સાંસદ શ્રીમતી ડો.ભારતીબેન શિયાળે  તળાજાના મથાવડ ગામે મતદાન કર્યુ : ભાવનગર અને બોટાદ જિલ્લાના સાંસદ શ્રીમતી ડો.ભારતીબેન શિયાળે ભાવનગર જિલ્લાનાં તળાજા ખાતે આવેલ મથાવડ ગામે આવી પોતાના પરીવાર સાથે મતદાન કર્યું હતું. સાંસદએ લોકશાહીમાં મતદાનને રાષ્‍ટ્રીય ફરજ સમજી દરેક લોકોએ પોતાનો મતાધિકાર વાપરવો જ જોઈએ તેમ જણાવ્‍યું હતું.

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર, તા.૨ :  શહેર અને જિલ્લા ની કુલ સાત વિધાનસભા બેઠક ઉપર ૫૯.૭૦ ટકા મતદાન થવા પામ્‍યું છે. ગત ૨૦૧૭ ની ચૂંટણી ની તુલનામાં ભાવનગર જિલ્લામાં મતદાનમાં ૨.૪૮% નો ઘટાડો થયો છે. જિલ્લાની સાત બેઠકો માં રાજ્‍યના શિક્ષણ પ્રધાન જીતુભાઇ વાઘાણી, કોળી સમાજના નેતા અને પૂર્વ મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકી ,કોંગ્રેસના ડો. કનુભાઈ કલસરિયા , કે.કે.ગોહિલ સહિત સાત બેઠકના કુલ ૬૬ ઉમેદવારોનું ભાવી ફૂરુળ મશીનમાં કેદ થયું છે.

ભાવનગરમાં મતદાન માટે કુલ ૧૮૬૬ મતદાન મથકો ઉભા કરાયા હતા. જેમાં ૧૭૩૧૬ ના સ્‍ટાફે ફરજ બજાવી હતી. ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત હેઠળ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થતાં તંત્રએ હાશકારાની લાગણી અનુભવી હતી.  સૌથી વધુ મહુવામાં ૬૧.૯૬ ટકા અને સૌથી ઓછું ભાવનગર પૂર્વમાં ૫૬.૦૮ ટકા મતદાન થવા પામ્‍યું છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં સવારે મતદાન મથકો પર લાઈન જોવા મળી હતી પરંતુ બપોરે મતદાન ધીમુ પડ્‍યું હતું. જ્‍યારે સાંજે ચાર વાગ્‍યા થી ફરી દરેક મતદાન મથકો પર લાઈનો લાગી હતી. અનેક મતદાન મથકોમાં ધીમી ગતિએ મતદાન થતું હોવાની ફરિયાદો ઉઠી હતી .કેટલીક જગ્‍યાએ તો લાઈન જોઈ મતદારો મતદાન કર્યા વગર પરત  ચાલ્‍યા ગયા હતા.

ભાવનગરમાં ધારણા કરતા ઓછું મતદાન થયું છે. તંત્ર દ્વારા વધારે મતદાન કરવા માટે ઝુંબેશ હાથ ધરાઈ હતી. રાજકીય પક્ષના કાર્યકર્તાઓની પણ દોડધામ છતાં મતદાન ધાર્યા કરતા ઓછું થતાં રાજકીય વર્તુળો ચર્ચા જાગી છે.

ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠકો ઉપર થયેલ સરેરાશ મતદાનની ટકાવારી નીચે મુજબ છે. ભાવનગર પૂર્વ - ૫૬.૦૮ % , ભાવનગર પヘમિ -૬૦.૫૦ %, ભાવનગર ગ્રામ્‍ય - ૬૦.૪૫ %, મહુવા - ૬૧.૯૬  %, તળાજા - ૬૧.૦૫  %, પાલિતાણા - ૫૮.૭૧ %, ગારિયાધાર - ૫૯.૩૦ %, ભાવનગર જિલ્લામાં છેલ્લી ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીની તુલનામાં જિલ્લામાં મતદાન માં  ૨.૪૮ %નો ઘટાડો થયો છે.

(11:47 am IST)