Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

ભાવનગર યાર્ડમાં પ૦ હજાર મણ મગફળી પલળી ગઇ : રાત્રે વાવાઝોડુ ફુંકાયુ

આજે પણ ઠંડીમાં ઠુંઠવાયેલી ગોહિલવાડની પ્રજા : શિહોર, વલ્લભીપુર પાલીતાણામાં અડધો ઇંચ વરસાદ

કમોસમ વરસાદથી ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં મગફળીનો મોટો જથ્થો પલળી જતા લાખોનું નુકશાન થવા પામ્યું છે. (૯.૪)  

(મેઘના વિપુલ હીરાણી દ્વારા) ભાવનગર તા. ર :.. ભાવનગર શહેર અને સમગ્ર જીલ્લામાં આજે પણ કમોસમી વરસાદ અને તોફાની પવનથી જનજીવન ઠંડીમાં ઠુંઠવાયુ  છે રર થી રપ કિ. મી. ની ઝડપે ટાઢોબોળ પવન ફુંકાતા અને રાત્રે વરસાદ થી મીની વાવાઝોડું સર્જાયુ હતું. માવઠાથી ભારે નુકશાન થવા પામ્યુ છે. ભાવ. માર્કેટીંગ યાર્ડમાં પ૦ હજાર મણ મગફળી પલળી જતાં લાખોનું નુસાન થવા પામ્યું છે.

ગોહીલવાડ પંથકમાં આજે ગુરૂવારે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. ગઇ મોડી રાત્રે રપ કિ. મી. ઝડપે તોફાની પવન સાથે વરસાદ પડતાં મીની વાવાઝોડાથી લોકો ભયભીત બન્યા હતાં. શહેર - જીલ્લામાં અર્ધા ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. જીલ્લામાં  સિહોરમાં ૧૩ મી. મી. વલ્લભીપુરમાં ૧ર મી. મી. પાલીતાણામાં ૧૦ મી. મી., ઉમરાળા અને ગારીયાધારમાં ૭-૭ મી. મી., જેસરમાં ૬ મી. મી. મહુવામાં પ મી. મી. ભાવનગર શહેર, ઘોઘા અને તળાજામાં ૪-૪ મી. મી. વરસાદ નોંધાયો છે.

કમોસમી વરસાદથી જીલ્લામાં કપાસ, ધાણી, ચણા, ઘઉં, ડુંગળી, જીરૂ વિગેરે પાકને નુકશાન થઇ રહ્યું છે. જુવાર-બાજરી વિગેરે પાકમાંથી પશુનાં નીરણ માટે રાખેલું સુકુ ચારોલું-કડબ પલળી ગયું છે. મહુવા યાર્ડમાં ખેડુતોની જણસી પલળી ગઇ છે. જયારે લગ્નનાં કાર્યક્રમોમાં પણ વરસાદે વિક્ષેપ પાડયો છે.

દરમ્યાન ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં કમોસમી વરસાદને પગલે ખેત જણસી લાવવા પર સદંતર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જયાં સુધી બીજી સૂચના ના મળે ત્યાં સુધી શાકભાજી અને લીંબુ સિવાયની ખેત જણસી નહી લાવવા ભાવનગર માર્કેટીંગ યાર્ડનાં સેક્રેટરી દ્વારા અપીલ કરવામાં આવી છે.

(2:46 pm IST)