Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

કેશોદ નગરપાલીકામાં ઉચાપતનો કેસ કોર્ટમાં ૩૦ વરસે ચાલવા ઉપર આવ્યો

ફરિયાદીને રર ડીસેમ્બરે કોર્ટમાં હાજર થવા સમન્સ મળ્યું: કેસના કેટલાંક તો ગુજરી ગયા છે

કેશોદ તા. રઃ અરજદારને મોડો ન્યાય મળે એ ન્યાય ન આપવા બરોબર છે. તેવી કહેવતને સાર્થક કરતી ઘટના સ્થાનિક કેશોદમાં બહાર આવેલ છે.

એરોડ્રામ રોડ ઉપર નગરપાલીકા હસ્તક બાંધકામ ચાલતું હતું. જે કામ ઉપર માલ સપ્લાય કર્યા સિવાય તે માલનું બીલ બની તૈયાર થઇને પેમેન્ટ માટે મુકવામાં આવતા તે વખતના ઇન્ચાર્જ પ્રમુખ ગોવિંદભાઇ દેવાણીને આ બીલ અંગે શંકા જતા ચીફ ઓફીસરને સાથે લઇ સ્થળ ઉપર ખરાઇ કરવા જતાં સ્થળ ઉપર કોઇપણ પ્રકારનો માલ આવેલ નહીં. જેથી તે જ વખતે જે તે કામના કોન્ટ્રાકટર ધીરજલાલ નાથાલાલ ગજેરા તથા નગરપાલીકાના એન્જીનીયર ક્રિશ્ચયન વિરૂધ્ધ આઇ.પી.સી. કલમ ૪૦૬, ૪૦૮, ૪૬૭, ૪૭૦ મુજબ પોલીસ ફરીયાદ નોફંધાવેલ. જેથી તે વખતના પોલીસ ઇન્સ્પેકટર એસ. એન.મ હેતાએ સ્થળ ઉપર પંચનામું કરતા કોઇપણ પ્રકારનો મુદ્દામાલ ન હતો. આથી ઉપરોકત એન્જીનીયર અને કોન્ટ્રાકટર બંનેની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા કોર્ટે માંગરોળ સબ-જેલમાં મોકલી આપેલા.

ઉપરોકત ઘટના ૧૯૯૧ ની છે (૩૦-ત્રીસ વરસ પહેલા) આ રીતે નગરપાલીકાના ખોટા બીલ ઉધારી નાણાંકીય ઉચાપતની ઘટના બહાર આવતા જે તે સમયે શહેરમાં ભારે ચર્ચાનો વિષય બનેલો.

આ કેસ ૧૯૯૧ માં કરેલો. જેની પ્રથમ મુદત આગામી તા. રર/૧ર/ર૦ર૧ના રોજ ફરીયાદીને સાંભળવા માટે અદાલત તરફથી સમન્સ મળ્યું છે. ૩૦ વરસ જુના આ કેસનાં અમુક સાક્ષીઓ તો ગુજરી ગયેલા છે. જયારે અમુકને કોર્ટ દ્વારા સમન્સ મળેલા છે.

આ કેસની બીજી એક રસપ્રદ હકીકત એવી પણ છે કે હાલમાં નગરપાલીકાનું જે બીલ્ડીંગ છે. તેના ઉદ્દઘાટન માટે જે તે સમયના રાજયના મુખ્ય મંત્રી ચીમનભાઇ પટેલ આવેલા અને તે પ્રસંગે ઉપરોકત બંને (૧) કોન્ટ્રાકટર અને (ર) એન્જીનીયર માંગરોળ જેલમાં હતાં.

૩૦ વરસે આ જુનો કેસ અત્યારે કોર્ટમાં ચાલવા ઉપર આવ્યો છે. આ કેસ હજુ કેટલો સમય ચાલશે અને ચુકાદો કયારે આવશે. તે માટે ફરીયાદી અને જાણકાર વર્ગ આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે.

(12:48 pm IST)