Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

લોધીકામાં તસ્કરોનું કોમ્બીંગઃ ૩ બંધ મકાનોમાંથી લાખોની મત્તા ચોરી ગયા

દામજીભાઈ હિરાણીના મકાનમાંથી ૪.૮૦ લાખ, બાબુભાઈના મકાનમાંથી ૭૦ હજાર રોકડા અને ૫ થી ૬ તોલાના દાગીના તથા ધીરૂભાઈના મકાનમાંથી ૧ લાખ રોકડા અને ૫ થી ૬ તોલાના દાગીના તસ્કરો ચોરી ગયાઃ તસ્કરોના તરખાટથી લોકોમાં ફફડાટ

 

રાજકોટ, તા. ૨ :. લગ્નસરાની સિઝન વચ્ચે ગઈકાલે રાત્રે લોધીકામાં તસ્કર ટોળકીએ કોમ્બીંગ કરી ૩ બંધ મકાનને નિશાન બનાવી લાખોની મત્તા ચોરી કરી ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ લોેધીકાના ખોડીયાર પ્લોટમાં રહેતા અને કડીયાકામ કરતા દામજીભાઈ નરશીભાઈ હિરાણીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ૨૦ હજાર રોકડા તથા ૪.૬૦ લાખના સોના-ચાંદીના દાગીના મળી કુલ ૪.૮૦ લાખની મત્તા ચોરી કરી ગયા હતા. દામજીભાઈ પરિવાર સાથે જામનગર લગ્નમાં ગયા હતા અને પાછળથી તસ્કરો ઘર સાફ કરી ગયા હતા.

ત્યાર બાદ તસ્કરો ટોળકીએ દામજીભાઈની બાજુમાં રહેતા બાબુભાઈ ભાદાભાઈના બંધ મકાનને નિશાન બનાવી ૭૦ હજાર રોકડા તથા ૫ થી ૬ તોલાના દાગીના ચોરી ગયા હતા ત્યાર બાદ તસ્કર ટોળકીએ પાછળની શેરીમાં રહેતા ધીરૂભાઈના મકાનને નિશાન બનાવી ૧ લાખ રોકડા તથા ૫ થી ૬ તોલાના સોનાના દાગીના ચોરી કરી ગયા હતા. ચોરીના આ બનાવ અંગે દામજીભાઈ હિરાણીએ અજાણ્યા ઈસમો સામે ફરીયાદ નોંધાવતા લોધીકાના પીએસઆઈ કે.કે. જાડેજાએ તપાસ હાથ ધરી છે.

લોધીકામાં એક જ રાતમાં ૩ મકાનના તાળા તોડી તસ્કરો ટોળકી લાખોની મત્તા ચોરી કરી જતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(11:36 am IST)