Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

ભાવનગરના તળાજાની ભાગોળે દિપડાએ રસ્તા પર દર્શન દીધા

ઓવરબ્રીજ નજીકના રસ્તા ઉપર પણ ગતરાતે દીપડો દેખાયો

(વિપુલ હિરાણી) ભાવનગર તા.૨ : ભાવનગર જિલ્લાના તળાજા પંથક બૃહદ ગિરમાં સમાવેશ થાય છે. અહીં ખાસ કરીને દરિયા કિનારેના ઝાંઝમેર, મધુવન, મેથળા વિસ્તારમાં સાવજનો વસવાટ છે.તો શેત્રુંજી અને તળાજી નદીના કિનારેના ગામડાઓમાં દિપડાનો વસવાટ છે. જોકે છેલ્લા કેટલાક સમયથી દિપડાની રંજાડ ઘટી હતી.પરંતુ આજે તળાજા યાર્ડથી આગળ જતાં દિપડા એ રસ્તાપર ધામા નાખ્યા હતા.

તળાજા ના એક વેપારી પોતાના પરિવાર સાથે દેવળીયા ખાતે લગ્નમાં થઈ પરત રાત્રીના ૮.૪૦ કલાકે ફોરવ્હીલમાં તળાજા પરત ફરી રહ્યા હતા.આ સમયે નવા બનેલા ઓવરબ્રિજ નજીક રસ્તા પર દીપડો ફોરવ્હીલની લાઈટમાં નજીક જ દેખાયો હતો. જેને લઈ વેપારીએ પોતાની કાર થોભાવી દેવાની ફરજ પડી હતી.

જોકે લાઈટ ડિમફુલ કરવામાં આવતા થોડીવારમાં દીપડાએ વચ્ચેથી દુર જઇ સાઈડમાં જઈ ઉભો રહી ગયો હતો.

જોકે આ વિસ્તારમાં માનવ વસાહતો સાથે દુધાળા પશુઓને પણ રાખવામાં આવેછે. ફોરેસ્ટ ઓફીસ અહીં નજીક આવેલ છે. માલધારી પરિવાર દ્વારા અહીં માલ ઢોર રાખવામાં આવી રહ્યા હોય દીપડો શિકારની શોધમાં અહીં આવી ચડયો હોવાનું અનુમાન છે. તળાજા શહેરથી આ વિસ્તાર માત્ર બે કિ.મી. જેટલો જ દૂર છે. કહી શકાય કે દીપડો તળાજા શહેરથી માત્ર બે કિમિ દૂર વિચરણ કરવા લાગતા લોકોએ સાવચેત બનવાની જરૂર છે. વન વિભાગ દ્વારા માનવીને નુકશાન ન પહોંચે તેવા અગમચેતીના પગલાં લેવાઇ રહ્યા છે.

(10:19 am IST)