Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

હળવદના ડુંગરપુર ગામે યુવક-યુવતીનો સજોડે આપઘાત : પરિણીત યુવક અને અપરિણીત યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું અનુમાન

બન્નેના મૃતદેહ સિમની વાડીની ઓરડીમાંથી મળ્યા : પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

(દિપક જાની દ્વારા) હળવદ,તા. ૨ : તાલુકાના ડુંગરપુર ગામે યુવક- યુવતીએ સજોડે આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવને પગલે નાના એવા ગામમાં સોંપો પડી ગયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. બનાવની જાણ થતાં જ પોલીસનો કાફલાએ ઘટના સ્થળે દોડી આવી તપાસનો દૌર શરૂ કર્યો છે.

હળવદ તાલુકાના ડુંગરપુર ગામે ગઈકાલે એક સીમની વાડીની ઓરડીમાં યુવક-યુવતીના ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહો મળી આવ્યા હતો. પોલીસમાંથી મળતી વિગતો અનુસાર મૃતક યુવકનું નામ રદ્યુભાઈ રાણાભાઈ ઠાકોર છે. તેમની ઉંમર ૨૭ વર્ષ છે અને તેઓ ડુંગરપુર ગામના રહેવાસી છે. જયારે યુવતીનું નામ કાજલબેન જીવણભાઈ ઠાકોર છે. તેમની ઉપર ૨૦ વર્ષ છે અને તેઓ વાંકાનેર તાલુકાના ઓળ ગામના રહેવાસી છે.

બન્નેના મૃતદેહ મૃતક યુવકના ભાઈની સિમની વાડીની ઓરડીમાંથી મળ્યા છે. હાલ પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે યુવક પરિણીત હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. જયારે યુવતી અપરણિત છે. ઘટના પરથી બન્ને વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાંચ દિવસ પહેલા જ હળવદ ના રેલવે સ્ટેશન નજીક ગુડ્સ ટ્રેન નીચે પડતું મૂકી ને આપઘાત કર્યો હતો ત્યાં જ તાલુકા ના એક ગામ માં સજોડે આત્મહત્યા કરતા ભારે ગમગીની છવાઈ ગઈ છે.

(10:17 am IST)