Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

૧૯૩૯માં પ્રગટ થયેલ ઝવેરચંદ મેઘાણી લિખિત નવલકથા 'વેવિશાળ'નું અર્વાચીન ભારતીય સાહિત્યની ૧૦ મહાન કૃતિઓમાં ચયન કરીને

ભારત સરકારની સાહિત્ય અકાદમી દ્વારા રશિયન અને ચાઇનીઝ ભાષામાં અનુવાદિત આવૃત્તિ પ્રગટ થઇ

૧૯૩૯માં પ્રગટ થયેલ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી લિખિત લોકપ્રિય નવલકથા 'વેવિશાળ'નું અર્વાચીન ભારતીય સાહિત્યની ૧૦ મહાન કૃતિઓમાં ચયન કરીને ભારત સરકારની સાહિત્ય અકાદમી દ્વારા રશિયન અને ચાઈનીઝ ભાષામાં અનુવાદિત આવૃત્તિ પ્રગટ થઈ છે.   

જૂન ૨૦૧૯માં કઝાકિસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાયેલ શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) શિખર સમ્મેલનમાં ભારતીય સાહિત્યની ૧૦ મહાન અદ્વિતીય કૃતિઓનો રશિયન અને ચાઈનીઝ ભાષામાં અનુવાદ કરીને પ્રકાશિત કરવામાં આવશે તેવી ઘોષણા ભારતના સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી. ૩૦ નવેમ્બર ૨૦૨૦માં એસસીઓની વર્ચુઅલ બેઠકમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ આ કાર્ય પૂર્ણ થયું હોવાની જાહેરાત કરી હતી. અર્વાચીન ભારતીય સાહિત્યની ૧૦ ઉત્તમ કૃતિઓમાં ઝવેરચંદ મેઘાણી લિખિત નવલકથા 'વેવિશાળ' પસંદગી પામી છે તે વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓ માટે સવિશેષ ગૌરવની વાત છે.

અમેરિકા સ્થિત ઝવેરચંદ મેઘાણીના પુત્ર અશોક મેઘાણી દ્વારા ૨૦૦૨માં અનુવાદિત અને સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત અંગ્રેજી આવૃત્ત્િ। 'The Promised Hand' પર આ રશિયન (અનુ. કુલદીપ ધીંગરા) - ચાઈનીઝ (અનુ. Liu Jinxiu) ભાષાની અનુવાદિત આવૃત્તિઓ આધારિત છે. ૨૦૦૪માં ફ્રાંસમાં વસતાં ગુજરાતી મોઈઝ રસીવાલાએ 'વેવિશાળ'નો સીધો ગુજરાતીમાંથી ફ્રેંચ ભાષામાં અનુવાદ કરીને ત્યાં પ્રકાશિત કર્યો છે.         

રાણપુરથી પ્રસિધ્ધ થતાં 'ફૂલછાબ' સાપ્તાહિકમાં તંત્રી તરીકે કાર્યરત ઝવેરચંદ મેઘાણી લિખિત આ પથદર્શક નવલકથા 'વેવિશાળ' ૧૯૩૮માં 'ફૂલછાબ'માં હપ્તાવાર પ્રગટ થઈ હતી. સામાન્ય વાચકો અને વિવેચકો, બંન્નેએ આ વાર્તા પ્રેમથી વધાવી લીધી હતી. આમાં ચિત્ર કાઠિયાવાડના સમાજ-જીવનનું હોવા છતાં – અને એના પાત્રોનાં મુખમાં મુકાયેલી ભાષા વગેરેની કેટલીક ખાસિયતો તળપદી કાઠિયાવાડી હોવા છતાં – ગુજરાતીઓ સમસ્તને આમાં વિશેષ રસ પડ્યો હતો. આ વાર્તાના ઘડતરમાં વાચકોના 'ઝાઝા ને રળિયામણા હાથ'પણ કામે લાગ્યા હતા. પહેલા હપ્તાથી જ ગામડાં-શહેરોમાંથી, સામાન્ય-સુશિક્ષિતો, સ્ત્રીઓ-પુરુષોનાં કાગળ આવવા શરૂ થયાં હતાં – જેમાં વાર્તાને કઈ-કઈ દિશામાં લઈ જવી તેનાં નિખાલસ સૂચનો હતાં. ઝવેરચંદ મેઘાણીએ લાગણીભેર નોંધ્યું છે : 'વાર્તાકારની પહેલી ફરજ – અને છેલ્લી પણ – એક જ છે : વાર્તા કહેવી, વાર્તા સારી કહેવી, ને વાર્તા જ કહેવી. મેં પણ અહિ વાર્તા – બસ, વાર્તા જ – કહેવાનો દાવો રાખેલ છે.' સાહિત્યકાર-કવિ સ્વ. ઉમાશંકર જોશીએ પણ લખ્યું છે : 'વેવિશાળ મેઘાણીની મૌલિક સર્જકતાનો જવલંત પુરાવો છે.'         

'વેવિશાળ'માં સૌરાષ્ટ્રના બે કુટુંબનાં સંતાનો સુખલાલ અને સુશીલા વચ્ચે તે વખતના જ્ઞાતિ-રિવાજ પ્રમાણે નાનપણમાં ગોઠવાયેલો વિવાહ સંબંધ, સમય જતાં બન્ને કુટુંબો વચ્ચે આર્થિક અસમાનતા ઊભી થતાં ભારે કસોટીએ ચડે છે. વર સુખલાલનો પરિવાર સૌરાષ્ટ્રના નાના ગામમાં વસે, જયારે કન્યા સુશીલાનો પરિવાર મુંબઈ શહેરમાં. સુશીલાનો શ્રીમંત પરિવાર કન્યા – વરની અભિલાષાની પરવા કર્યા વગર સંબંધને તોડી નાખવાની મથામણ કરે છે. સુશીલાને પુત્રી સમાન માનતાં તેનાં પ્રેમાળ ગરવા ભાભુનાં સંનિષ્ઠ પ્રયાસોથી આ વિવાહ તૂટતો અટકે છે. ભાભુનો હૃદયસ્પર્શી સંવાદ : 'વેવિશાળ કહો કે વિવાહ કહો, એ કાંઈ એક પુરુષ ને એક કન્યા વચ્ચે તો થોડાં જ હોય ? કન્યા વરે છે અને પરણે છે – સાસરિયાના આખા ઘરને, કુળને, કુળદેવને; ઘરે બાંધેલ ગાયના ખિલ્લાનેય. તેમ પુરુષ પણ પરણે છે કન્યાને, કન્યાનાં માવતરને, કન્યાનાં ભાંડરડાંને, કન્યાનાં સગાંવહાલાંને અને કન્યાનાં માવતરના આંગણાની લીલી લીંબડી-પીપળીનેય ...' ભાભુ અને સુશીલાનાં પાત્રો, આઠ દાયકાઓ પછી આજે પણ, વાચકોનાં હૃદયમાં અંકિત છે.      

વિશ્વભરમાં વસતાં સાહિત્ય-પ્રેમીઓ મેઘાણી-સાહિત્યને વાંચીને ગુજરાતની મૂલ્યવાન સાહિત્ય-સંસ્કૃતિની વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તે આશયથી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ની જન્મજયંતી વર્ષ નિમિત્ત્।ે મેઘાણી-સાહિત્યનો વિશ્વની વિવિધ ભાષાઓમાં અનુવાદ થાય તેવી લોકલાગણી છે.

(2:39 pm IST)