Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

ધોરાજીના લુહારનો કોરોનાએ યુ.કે.માં ભોગ લીધોઃ કચ્છમાં ખાનગી લેબમાં ટેસ્ટની મનાઇ

કચ્છમાં-૨૩, મોરબી-૨૧ અને ભાવનગર જીલ્લામાં વધુ ૧૯ દર્દીઓ નોંધાયા

રાજકોટ, તા.૨: કોરોનાની યથાવત મહામારી વચ્ચે ધોરાજીના લુહારનો યુ.કે.માં ભોગ લેવાયો છે. ત્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ દર્દીઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. જેમાં કચ્છ-૨૩, ભાવનગર-૧૨ અને મોરબીમાં નવા ૨૧ નોંધાયા છે.

દિનેશચંદ્ર દાવડાનું અવસાન

(કિશોર રાઠોડ દ્વારા) મળતા અહેવાલ મુજબ ધોરાજીઃઉ ધોરાજી લુહાર સમાજ ના યુવા અગ્રણી દિનેશચંદ્ર અમૃતલાલ દાવડા જેવો ધંધાર્થે લન્ડન ગયેલા હોય આ સમયે દિનેશભાઈ ને કોરોના ની અસર થઇ જતા લન્ડન મુકામે સારવાર દરમ્યાન અવસાન થયું છે.

જે અંગે તેમના પરિવારજનોએ જણાવેલ કે હાલમાં કોરોના મહામારી ના સમયમાં થોડા સમય પહેલાં જ દિનેશભાઈ દાવડા ધોરાજી આવેલા હતા અને ફરી ધંધાર્થે લન્ડન જવાનું થતાં થોડા જ સમયમાં ત્યાં કરોના પોઝિટિવની અસર થઇ જતા અવસાન થયું હતું અને તેમની અંતિમ ક્રિયા પણ લન્ડન ખાતે કરવામાં આવી છે અમોને ધોરાજી ખાતે પ્રવીણભાઈ દાવડા ભરતભાઈ દાવડા વિજય દાવડા વિગેરે પરિવાર દ્વારા શોક વ્યકત કર્યો હતો અને કોરોના મહામારી ના સ્વરમાં દાવડા પરિવાર ઉપર આવેલી દુઃખ અંગે દિલાસો વ્યકત કર્યો હતો.

કરછમાં તંત્રની અણઘડ  નીતિથી મૂંઝવણ વધી

ભુજઃ રાજય સરકારે ખાનગી લેબમાં થતાં આરટીપીસીઆર ટેસ્ટના ભાવ ભલે ઘટાડ્યા હોય પણ કચ્છને એનો ફાયદો નહીં મળે. કારણકે, કચ્છ માં તંત્ર દ્વારા ખાનગી લેબને આરટીપીસીઆર ટેસ્ટ કરવા માટે મૌખિક મનાઈ કરાઈ છે. માત્ર મુંબઈ જવા ઈચ્છતા પ્રવાસીઓના જ ટેસ્ટ કરવા સૂચના છે. અગાઉ ખાનગી હોસ્પિટલોમાં દાખલ અથવા ખાનગી તબીબ પાસે ચેકઅપ કરાવનાર પ્રિસ્ક્રીપશનના આધારે ચેકઅપ કરાવી શકતા હતા. પણ અત્યારે મનાઈના કારણે આરટીપીસીઆર ટેસ્ટ થઈ શકતા નથી. તંત્રના અણઘડ નિર્ણય પછી હવે એક માત્ર સરકારી લેબ ઉપર આરટી પીસીઆર ટેસ્ટનું ભારણ વધ્યું છે. સરકારી લેબમાં પણ આરટીપીસીઆર ટેસ્ટના પૂરતા સાધન નથી. જોકે, કચ્છમાં કોરોના કેસને મામલે પણ આવી જ ગૂંચ છે. અત્યારે તંત્ર દ્વારા દરદીઓ ની સાચી સંખ્યા, એકિટવ કેસ અને મોતના આંકડાઓની સાચી વિગતો જાહેર કરાતી નથી. સરકારી ચોપડે આંકડાઓની વાત કરીએ તો નવા ૨૧ કેસ સાથે એકિટવ દરદીઓની સંખ્યા ૨૨૮, સાજા થયેલા કુલ દરદીઓ ૨૯૪૩ તથા મૃત્યુ પામનાર દરદીઓની સંખ્યા ૭૧ પર અટકી ગઈ છે.

ભાવનગરમાં ૧૨ દર્દીઓ કોરોનામુકત

ભાવનગરઃ જિલ્લામાં વધુ ૧૯ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૨૪૨ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૦ પુરૂષ અને ૪ સ્ત્રી મળી કુલ ૧૪ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમાં ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે ૧, સિહોર ખાતે ૨, પાલીતાણા તાલુકાના સોનપરી ગામ ખાતે ૧ તથા ઉમરાળા તાલુકાના લાખાવડ ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૫ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકાના ૯ તેમજ તાલુકાઓના ૩ એમ કુલ ૧૨ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૫,૨૪૨ કેસ પૈકી હાલ ૭૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૫,૦૯૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૯ દર્દીઓના અવસાન થયેલ છે.

મોરબી જીલ્લામાં ૧૫ ડીસ્ચાર્જ

મોરબી જીલ્લાના કોરોનાના કેસમાં વધારો થતો જઈ રહ્યો છે જેમાં ત્રણ તાલુકામાં થઈને ૨૧ પોઝીટીવ કેસ નોંધાયા છે તો વધુ ૧૫ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે

મોરબી જીલ્લામાં દિવાળી બાદ કોરોનાના કેસમાં વધારો આવ્યો છે જેમાં મંગળવારે જીલ્લામાં કુલ ૨૧ કેસ પોઝીટીવ નોંધાયા છે તેમાં મોરબી ગ્રામ્ય વિસ્તાર ૧૦, શહેરી વિસ્તારમાં ૬, વાંકાનેર ગ્રામ્ય વિસ્તાર ૩, શહેરી વિસ્તાર ૧ તો હળવદ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ૧-૧ કેસ પોઝીટીવ નોંધાયો છે જેથી કુલ કેસનો આંક ૨૭૦૪ પર પહોચ્યો છે તો વધુ ૧૫ દર્દીઓ ડીસ્ચાર્જ થતા અત્યાર સુધીમાં ૨૩૫૭ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુકયા છે હાલ ૧૮૨ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે તો જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૮ દર્દીઓના મૃત્યુ થઇ ચુકયા છે.

(11:23 am IST)