Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

સૌરાષ્ટ્રભરમાં જુલૂસોનો ધમધમાટઃ ભવ્ય ઇદે મીલાદોત્સવ

શનિ - રવિના લીધે આ વખતે પૈગમ્બર સાહેબની જન્મજયંતિની ઉજવણીમાં બેવડો ઉત્સાહઃ સવારે ૬ વાગ્યે મસ્જીદો સલામીથી ગુંજી ઉઠી

રાજકોટ તા. ૨ :. ઇસ્લામ ધર્મના મહાન અને અંતિમ પૈગમ્બર હઝરત મુહમ્મદ સાહેબનો જન્મોત્સવ આજે ઉજવાઇ રહ્યો હોઇ મુસ્લિમ સમાજ આ ખુશીમાં ઓતપ્રોત થઇ ગયો છે.

ઇદે મીલાદના નામે આ જન્મોત્સવ દર વર્ષે ઇસ્લામી પંચાગના ત્રીજા મહીના રબીઉલ અવ્વલની ૧૨મી તારીખે ઉજવાય છે અને તેમાં ખાસ કરીને જુલૂસ કાઢી મુસ્લિમ સમાજ પોતાના પ્યારા પૈગમ્બર સાહેબના ગુણગાન ગાય છે એ રીતે આજે સવારથી સૌરાષ્ટ્ર-કચ્છમાં ગામેગામ કે નાના-મોટા શહેરોમાં જુલૂસો યોજાતા સર્વત્ર ઇદે મીલાદનો ધમધમાટ પ્રવર્તી રહ્યો છે.

જોકે ગઇકાલે શુક્રવાર હોઇ મુસ્લિમ સમાજમાં સાપ્તાહિક ઇદનો ઉમંગ હતો અને ગઇરાતના ઇદની પૂર્વરાત્રીએ મુસ્લિમોએ મસ્જીદોમાં મોડે સુધી બંદગી કરી હતી અને આજે સવારે ઇદે મનાવેલ પણ આવતીકાલે રવિવાર હોઇ આરામના દિવસના લીધે આજની ઇદે મિલાદની ઉજવણીનો ઉત્સાહ બેવડાઇ જવા પામ્યો હતો અને તેના લીધે ગઇરાતે મસ્જીદોમાં અને આજે જુલૂસોમાં સર્વત્ર મુસ્લિમ સમાજ માનવ મહેરામણ રૂપે ઉમટી પડયો છે.

ઇસ્લામ ધર્મના સ્થાપક અને અંતિમ પૈગમ્બર હઝરત મુહમ્મદ સાહેબનો જન્મ આજથી ૧૫૫૦ વર્ષ પહેલા અરબસ્તાનના પહાડી વિસ્તાર 'મક્કા' શહેરમાં થયો હતો અને ત્યારથી તેઓની પ્રશંસામાં તેઓનો 'જન્મોત્સવ' ઉજવવામાં આવે છે.

આ પૂર્વે ગઇરાતે ઇદે મીલાદની રાત્રી મનાવાઇ હતી. રાત્રી વિત્યા બાદ આજે વ્હેલી સવારે પાંચ વાગ્યે બરાબર તમામ મસ્જિદોમા મીલાદ શરીફ પઢાઇ હતી અને ૬ વાગ્યાથી ૬-૧પ સુધી 'સલામી' પઢી પૈગમ્બર સાહેબના જન્મોત્સવને વધાવવામાં આવેલ.

ખાસ કરીને આ ઇદમાં વ્હેલી સવારે મીલાદ શરીફ પઢી સલામી અર્પિત કરવાનું અને જુલૂસનું આયોજન કરવું એ જ મહત્વનું છે.

ઇસ્લામ ધર્મના સ્થાપક અને લાખો પૈગંમ્બર પૈકી  અંતિમ પયગમ્બર હઝરત મુહમ્મદ સાહેબની આ જન્મ જયંતી ઇદે મીલાદના સ્વરૂપે દર વર્ષે ઇસ્લામી પંચાગના ત્રીજા મહિનાની ૧ર મી તારીખે ઉજવાય છે. અને ઇસ્લામ ધર્મની રમઝાન ઇદ અને બકરી ઇદ થી પણ વિશેષ મહત્વ આ ઇદનું મહત્વ છે અને આમ ઇસ્લામ ધર્મની  પૈયગમ્બર જન્મોત્સવની આ ઇદને સૌથી મોટી ઇદ ગણવામાં આવે છે.

બીજી તરફ રાજકોટમાં પણ યૌમુન્નબી કમીટીના નેતૃત્વમાં ઇદે મિલાદનું ભવ્ય જૂલૂસ નિકળેલ છે.

મુસ્લિમ જગતમાં ઉજવાતી આ ઇદે મીલાદની  ગઇ મોટી  રાતે  દરેક મસ્જીદોમાં નમાઝ પઢી તકરીરો થયેલ અને તે પછી પૈગમ્બર સાહેબના બાલમુબારકના દીદાર (દર્શન) ખુલ્લા મુકવામાં આવેલ જે આખો દિ' યથાવત રહેશે.

વિશેષતઃ   વ્હેલી સવારે મીલાદ સલામી થયા બાદ  નિયાઝ વિતરણ કરાઇ હતી. ખાસ કરીને ગારે હિરાનાવાસી અરબનાસ્વામી, હઝરત મુહંમદ સાહેબનાં જન્મોત્સવના અવસરે મસ્જીદો - મદ્રેસા, જાહેર સ્થળો અને જૂલૂસોમાં મુસ્લિમ સમાજ દ્વારા મીઠાઇ વ્હેચી ઇદની શુભેચ્છાઓ પાઠવી દાન-પુણ્ય કરી નવા વસ્ત્રો પહેરી ઝૂલૂસને શોભારૂપ બનાવેલ.

આજે મુસ્લિમ સમાજે જડબેસલાક બંધ પાળેલ છે. દરમિયાન ઇદે મીલાદ નિમિતે અનેક સ્થળોએ ચાલી રહેલા સળંગ ૧ર  દિ' ના વાઅઝના કાર્યક્રમોની પણ ગઇરાતે પુર્ણાહૂતિ થઇ છે.

ખાસ કરીને આ ઇદમાં જૂલૂસનું મહત્વ વિશેષ હોઇ સૌરાષ્ટ્ર-કચ્છના નાના-મોટા ગામો કે શહેરોમાં જૂલૂસ કાઢી જૂલૂસમાં પણ ફુટ-સુકામેવા, ચા-કોફી, સરબત-કોલ્ડ્રીંકસ - પાણી વિતરણ કરવામાં આવ્યા છે.રાજકોટ, જામનગર, ભાવનગર, અમદાવાદમાં વિશાળ જુલૂસો નિકળ્યા છે. પોરબંદર, જૂનાગઢ, વેરાવળ, ધોરાજી, ગોંડલમાં પણ શાનદાર જુલૂસો નિકળ્યા છે.

શહેરમાં રાબેતા મુજબ બે જુલૂસો નિકળ્યા હતા અને સદર તથા શહેર વિસ્તારના બંને જુલૂસો ત્રિકોણ બાગે એકત્ર થઇ નાગરિક બેંક, જયુબેલી શાક માર્કેટ, હોસ્પિટલ ચોક, ગૈબનશાહ પીર દરગાહ, જામટાવર રોડ થઇ રેસકોર્ષ મેદાનમાં પહોંચ્યા હતા અને સતત છઠ્ઠા વર્ષે પણ રેસકોર્ષમાં ભવ્ય ઇદે મિલાદોત્સવ ઉજવાયો હતો.

આ જુલૂસમાં નાના-મોટા વાહનો શણગારીને અમીર - ગરીબ સૌ જુલૂસમાં જોડાયા હતા. લતેલતેથી પ્રારંભ થવામાં મોડું થવા છતાં વિશાળ જુલૂસ રાજકોટના રાજમાર્ગો ઉપર ફરી વળ્યું હતું અને સમાપન વેળા રેસકોર્ષ મેદાનમાં જ પ્યારા પૈગમ્બર સાહેબના ભવ્ય ગુણગાન ગવાયા હતા.

જુલૂસમાં સૂકોમેવો, ફૂટસ, સરબત, ચા-કોફી, લચ્છી, કેન્ડી, આઇસ્ક્રીમ, બટેટા પૌવાનું ભારે દાન - વિતરણ કરવામાં આવતા સૌને મોજ પડી ગઇ હતી અને રેસકોર્ષમાં યૌમુન્નબી કમિટિના સંયોજક હાજી યુસુફભાઇ જુણેજાના માર્ગદર્શન તળે ૫૦ હજાર લોકો માટે બનાવાયેલી 'વેજીટેરીયન પૂલાવ'ની નિયાઝનો લાખો લોકોએ લાભ લીધો હતો.

અનેક મુસ્લિમ લતાઓ અને રૂટ લાંબો હોઇ જુલૂસ પણ વિશાળ થયું હતું અને બપોર સુધી જુલૂસનો ધમધમાટ રહયો હતો. જોકે બપોરની ઝોહરની નમાઝ પણ રેસકોર્ષના મેદાનમાં જ પઢવામાં આવી હતી. માનવતાના મહાન જ્યોતિધર જગદ્ગુરૂ પૈગમ્બર સાહેબની આ જન્મજયંતિની ઉજવણીમાં હિન્દુ-મુસ્લિમો શામેલ થતાં કોમી એકતાના દર્શન થયા હતા અને ઇદની અરસ-પરસ શુભેચ્છાઓ પાઠવી હતી.

બીજી તરફ આ વર્ષે ઠંડીના માહોલના લીધે જુલૂસના રૂટ ઉપર સર્વત્ર ભજીયાનું વિતરણ ભરપૂર થયું છે. રિક્ષાઓ તમામ જુલૂસમાં શામેલ થઇ જતાં મુસ્લિમ સમાજે સજ્જડ બંધ પાળ્યો છે.

જોકે લતે-લતેથી ૮ થી ૯ વાગ્યા આસપાસ જુલૂસો રવાના થતાં ધીમીગતિએ ચાલતા ત્રિકોણબાગે ૧ વાગ્યા સુધી જુલૂસ આગળ વધતું રહ્યું હતું અને રેસકોર્ષમાં મુસ્લિમ સમાજ ઉત્સાહભેર ઉમટી પડયો હતો.

વિશાળ જુલૂસ રહ્યું હતું અને ત્રિકોણબાગમાં આશિકે હુસેન સબિલ કમિટિ દ્વારા શિયાળામાં પણ લસ્સીની રેલમછેલ બોલી હતી. જ્યારે રેસકોર્ષમાં આ વખતે મહિલાઓ માટે જ્યાં તકરીર યોજાઇ હતી ત્યાં જ ભોજન વ્યવસ્થા રાખી અલગ સુવિધા ઉભી કરાઇ હતી.

રાજકોટ શહેરમાં લતે-લતેથી ૮ના બદલે ૯ થી ૧૦ વચ્ચે જૂલુસોનો પ્રારંભ થતા અને દોઢથી બે કલાક જૂલુસો મોડા થતા બપોરે ૧.૩૦ વાગ્યે હોસ્પીટલ ચોકમાં જૂલુસ પહોંચેલ હતું. જેના લીધે સાંજે પાંચ વાગ્યા સુધી જૂલુસનો ધમધમાટ રહેતા રાજકોટના રાજમાર્ગો પૈગમ્બરી નાદથી ગુંજી ઉઠયા હતા. લારીઓ પણ જૂલુસમાં સામેલ થઈ ગઈ હતી અને ૪ વાગ્યા સુધી ત્રિકોણબાગ ચોકમાં જૂલુસનો ધમધમાટ રહ્યો હતો.

બીજી તરફ યૌમુન્નબી કમિટિની અપીલને માન આપી હજારો લોકો સીધા ઉમટી પડતા રેસકોર્ષમાં ભવ્ય જલ્સો યોજાયો હતો અને અહીં લોકોને ખાણીપીણીની મોજ પડી ગઈ હતી.

રેસકોર્ષમાં સમાપન મંચ ઉપર આ વખતે પણ ૧૭ યુગલોની સમૂહ શાદી યોજાઇ હતી. આ તકે ના'ત-વાઅઝના કાર્યક્રમ થયેલ અને ઉલેમાઓ તથા સાદાતો હાજર રહેલ હતા.

(11:48 am IST)