Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

ગીર સોમનાથ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકના ૬૪ ઉમેદવારોનું ભાવિ કેદ કરવા ઇવીએમ - વીવીપેટ મશીનોની તંત્ર દ્વારા આખરી તૈયારીઓ

ગીર સોમનાથ તા. ૨ : ગીર સોમનાથ જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પર તા. ૯ ડિસે. ના રોજ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી ૬૪ ઉમેદવારોનુ ભાવિ નક્કી કરશે.

ચાર વિધાનસભા બેઠકના કુલ ૮,૮૩,૫૧૨ મતદારો માટે જિલ્લામા ૧૦૫૦ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે આ મતદાન મથકોએ ઈવીએમ અને વીવીપેટ મશીન સંપૂર્ણ રીતે એન્જીનીયરો દ્રારા ચેક કરી કમ્પલીટ થયા પછી મતદાન સ્ટાફને ફાળવવામાં આવે છે.

હાલ જિલ્લાની ચાર બેઠકના ઈવીએમ મશીન તથા વીવીપેટ મશીનોની એન્જીનીયરો દ્રારા ચકાસણી કરી મતદાન મથકો માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અજયપ્રકાશના માર્ગદર્શન તળે ચારેય વિધાનસભા બેઠકનાં ચૂંટણી અધિકારીશ્રીઓ દ્રારા આ કામગીરી પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

વેરાવળ સ્થિત અંકુર વિધાલયમાં ૯૦- સોમનાથના ચૂંટણી અધિકારીશ્રી પ્રદિપસિંહ રાઠોડ, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી પ્રજાપતી સાથે એન્જીનીયરોની ટીમ ઉપરાંત રેવન્યુ વિભાગના શ્રી એમ.એચ.ગોહેલ, એ.જે.અકબરી, એન.આર.ખેર, વિનુભાઈ ચૌહાણ આ કામગીરી સંભાળી રહ્યા છે.

વી.વી.પેટ. અને ઈવીએમમાં બેટરી, કેબલ, ઉમેદવારનું નામ, સિમ્બોલ, ક્રમ મુજબ વોટ પડે છે કે નહીં, વીવીપેટમાં કાપલી જવી પ્રદર્શીત થવી સહિત તમામ ચેકિંગ કરી મશીનો ચૂંટણી માટે તૈયાર કરાયા છે.

ઇન્ડીયન રેયોન સ્કુલ ખાતે શ્રમીકો અને કોન્ટ્રાકટરો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

વેરાવળ ઈન્ડીયન રેયોન સ્કુલ ખાતે શ્રમીકો અને કોન્ટ્રાંકટરો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી અજયપ્રકાશનાં માર્ગદર્શન હેઠળ સરકારી શ્રમ અધિકારી (ઉધોગ) ગીર સોમનાથ અને ઈન્ડીયન રેયોનના સહયોગથી યોજાયેલ મતદાન જાગૃતિ કાર્યક્રમમાં મહાનુભાવોએ ઉપસ્થિત તમામ શ્રમીકો અને કોન્ટ્રકટરોને અચુક મતદાન કરવા જણાવ્યું હતું. ઉપરાંત ઈવીએમ અને વીવીપેટ મશીનોનું નિદર્શન યોજી સરળ રીતે મતદાન કરવા શીખ આપી અચુક મતદાન કરવા ચૂંટણીતંત્રના અધિકારીશ્રીઓ સાથે શ્રમીકો સંકલ્પબધ્ધ થયા હતા.

આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર.આર.ગોહીલે મતદારોને માર્ગદર્શન આપતા કહ્યું હતું કે, મજબુત લોકશાહીના નિર્માણ માટે તમામ લોકોએ કોઈપણ સંજોગોમાં સમય કાઢી ફરજીયાત પણે મતદાન કરી લોકશાહી પર્વમાં સહભાગી થવું જોઈએ. મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદારશ્રી પ્રજાપતિએ કહ્યું કે, તા. ૯ ડિસે.ના રોજ મતદારના દિવસે સમગ્ર લોકોએ મતદાન કરવું આવશ્યક છે. નોડલ ઓફિસર અને સરકારી શ્રમ અધિકારી આનંદ સિહોરાએ જણાવ્યું હતું કે, વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં આપણે સૌ એ મતદાન કરવાની સાથો સાથ આપણા પાડોશમાં રહેતા લોકો અને આપણા પરિવારજનોને મતદાન કરવા મતદાન મથક પર જઈ આપણી સ્વેચ્છીક ફરજ નિભાવવી જોઈએ.

આ મતદાન જાગૃતિ કાર્યક્રમમાં ચૂંટણી અધિકારીશ્રીઓ દ્રારા મોટર સાયકલમાં મતદાન જાગૃતિના સ્ટીકરો લગાવી લોકોને ફરજીયાત મતદાન કરાવવા નવતર પ્રયોગ કર્યો હતો. આ તકે ઈન્ડીયન રેયોનના જી.એમ કામલીયા, દિગવિજય ભટ્ટ અને મોટીસંખ્યામાં શ્રમીકો અને કોન્ટ્રાકટરો ઉપસ્થિત રહ્યા હતા.

(11:37 am IST)