Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

પોરબંદર ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનું સાક્ષી

આરઝી હુકુમતના લડવૈયા શ્રીશામળદાસ ગાંધી પોરબંદર ખાતેથી ધારાસભ્યની ચૂંટણી લડેલા : ૧૯૫૧માં સૌરાષ્ટ્ર રાજ્ય, ૧૯૫૭માં મુંબઇ રાજ્યનાં અને ૧લી મે-૧૯૬૦થી ગુજરાત રાજ્યનાં મતદારોઃ ૧૯૫૧માં સૌરાષ્ટ્ર રાજ્યનાં પોરબંદર વિસ્તારમાં ત્રણ વિધાનસભા બેઠક હતીઃ ૧૯૫૭માં આ બંને બેઠકો ૨૨-કુતિયાણા અને ૨૧-પોરબંદર મતવિસ્તારની બેઠકની મુંબઇ રાજ્યની હતી

પોરબંદર તા. ૨ : પોરબંદર એક એવો જિલ્લો છે, જે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓની જેમ જ ત્રણ રાજયોની વિધાનસભાની ચૂંટણીનો સાક્ષી બની રહ્યો છે. ભારત માટે લોકશાહી નવી સવી હતી ત્યારે સૌરાષ્ટ્ર બાદ મુંબઇ અને હાલમાં ગુજરાત રાજયનો હિસ્સો બની રહેલા પોરબંદર જિલ્લાના ધારાસભાની ચૂંટણી આરઝી હકુમતનાં લડવૈયા શ્રીશામળદાસ ગાંધી પણ લડયા હતાં. ગુજરાત રાજયની રચના પૂર્વે યોજાયેલા વિધાનસભાની ચૂંટણીના આંકડાઓ રસપ્રદ છે. તે જાણવાની મજા આવશે.

પોરબંદર વિસ્તાર ૧૯૫૧માં સૌરાષ્ટ્ર રાજયનો હિસ્સો હતો. ત્યારે, આ વિસ્તારની ત્રણ વિધાનસભાની બેઠક હતી. જેમાં ૪૬- કુતિયાણા-રાણાવાવ, ૪૭- પોરબંદર શહેર અને ૪૮- પોરબંદર તાલુકા બેઠકનો સમાવેશ થયો હતો. જેમાં ૧૯૫૧ની વિધાનસભા ચૂંટણીમાં ૪૬-કુતિયાણા બેઠકમાં કુલ ૩૦૬૫૨ મતદારો હતા. તેમાંથી ૧૬૪૯૮ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને ૫૩ ટકા કરતા વધારે મતદાન થયુ હતું. ચૂંટણીમાં ભા.રા.કો.નાં ઉમેદવાર દવે દયાંશકર ત્રિકમજી ૧૨૮૮૮ મતો મેળવી વિજેતા જાહેર થયા હતા અને બીજા ક્રમે કિસાન મજદૂર પ્રજાપક્ષનાં ઉમેદવારશ્રી કેશવાલા માલદે રાણા ૨૩૦૮ મત મેળવીને બીજા ક્રમે રહ્યા હતાં.

૪૭- પોરબંદર શહેરની બેઠક તરફ જોઇએ તો આ બેઠકમાં કુલ ૩૯૩૫૯ મતદારો હતા. તેમાંથી ૧૬૯૫૬ મતદારોએ મતદાન કર્યુ હતું અને મતદાનની ટકાવારી ૪૩ ટકા હતી. આ બેઠક ભા.રા.કો.નાં ઉમેદવાર ભુપતાણી મથુરદાસ ગોરધનદાસે ૪૭૫૪ મતોનાં માર્જીનથી બેઠક જીતી હતી. તેમને કુલ ૮૮૩૫ મતો મળેલ હતા અને બીજા ક્રમનાં અખીલ ભારતીય હિન્દુ મહાસભાપક્ષનાં  ઉમેદવારશ્રી ભગદેવ મોહનલાલ એન. ૪૦૮૧ મતો મેળવીને બીજા ક્રમે રહયા હતાં.

પોરબંદર વિસ્તારની ત્રીજી બેઠક ૪૮- પોરબંદર તાલુકા હતી. આ બેઠક માટે કુલ ૨૯૯૯૧ મતદારો હતા તેમાંથી ૧૬૨૫૭ મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યુ હતું અને ૫૪ ટકા જેટલું ધીંગુ મતદાન થયુ હતું. આ બેઠક ઉપરથી ભા.રા.કોનાં ઉમેદવારશ્રી માલદેવજી એમ. ઓડેદરા ૧૩૦૩૨ મતનાં તફાવતથી વિજેતા થયા હતા. તેમને કુલ ૧૪૩૫૯ મતો મળેલા હતા અને બીજા ક્રમે કિસાન મજદૂર પ્રજાપક્ષનાં નાં શ્રીશામળદાસ એલ. ગાંધી ૧૩૨૭ મતો મેળવી બીજા ક્રમે રહ્યા હતાં.

પોરબંદર વિસ્તાર ૧૯૫૭માં મુંબઇ રાજયનો હિસ્સો હતો. ત્યારે,બે વિધાનસભાની બેઠક હતી. જેમાં ૨૧- પોરબંદર અને ૨૨-કુતિયાણા બેઠકનો સમાવેશ થયો હતો. જેમાં ૧૯૫૭ની વિધાનસભા ચૂંટણીમાં ૨૨- કુતિયાણા બેઠકમાં  કુલ ૪૬૩૩૮ મતદારો હતા. તેમાંથી ૧૭૫૮૬ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને ૩૭ ટકા મતદાન થયુ હતું ચૂંટણી માં ભા.રા.કો.નાં ઉમેદવાર ભુપતાણી મથુરદાસ ગોરધનદાસ ૧૬૦૮૭ મતો મેળવી વિજેતા જાહેર થયા હતા અને બીજા ક્રમે અપક્ષ ઉમેદવાર દોશી જયંતિલાલ માણેકચંદ ૮૨૭ મત મેળવીને બીજા ક્રમે રહ્યા હતાં

૨૧- પોરબંદરની બેઠક તરફ જોઇએ તો આ બેઠકમાં કુલ ૪૬૭૫૪ મતદારો હતા. તેમાંથી ૧પ૦૯૫ મતદારોએ મતદાન કર્યુ હતું અને મતદાનની ટકાવારી ૩૨ જેટલી ટકા હતી. આ બેઠક ભા.રા.કો.નાં ઉમેદવાર ઓડેદરા માલદેવજી માંડલીકજી ૬૭૨૯ મતોનાં માર્જીનથી બેઠક જીતી હતી. તેમને કુલ મતો ૧૦૯૧૨ મળેલ હતા અને બીજા ક્રમનાં આઇ.અપક્ષનાં  ઉમેદવારશ્રી વિસાણા રામભાઇ લખણસી ૪૮૧૩મતો મેળવીને બીજાક્રમે રહ્યા હતાં.

ગુજરાત રાજય ૧લી મે-૧૯૬૦નાં રોજ મુંબઇ રાજયથી અલગ પડીને નવા રાજય તરીકે અસ્તિત્વમાં આવ્યું. ત્યાર બાદ ગુજરાત વિધાનસભાની ૧૯૬૨માં વિધાનસભા ચૂંટણી યોજાઇ હતી અને ત્યારે પોરબંદર વિસ્તારની બે બેઠકો હતી જેમાં ૨૬ –પોરબંદર અને ૨૭- કુતિયાણા જ બેઠક હતી. પોરબંદર બેઠકની વિગત જોઇએ તો કુલ મતદારો ૫૭૮૪૨ મતદારો હતો. તેમાંથી ૨૩૩૩૯ મતદારોએ મતદાન કર્યુ હતું અને ૪૦ ટકાથી વધારે મતદાન આ બેઠક ઉપર થયુ હતું. જેમાં ભા.રા.કો. ઉમેદવાર પોપટભાઇ ડાયાભાઇ કક્કડ ૧૨૧૭૨ મતો મેળવી વિજેતા જાહેર થયા હતા અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાનાં ઉમેદવાર શ્રી રામભાઇ લખણસીભાઇ ૯૩૯૦ મત મેળવીને બીજા ક્રમે રહ્યા હતાં.

જયારે ૨૭-કુતિયાણાની બેઠક પર પ૩૬૧૭ હતા. તે પૈકી ૨૫૬૩૩ મતદારોએ તેમનાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.  જેમાં ૪૭.૮૧ ટકા મતદાન થયું હતું. આ બેઠક ઉપર ભા.રા.કો.નાં માલદેવજીભાઇ માંડલકજી ઓડેદરા ૧૫૭૧૪ જેટલા માર્જીન મતોથી વિજેતા થયા હતા. તેમને ૧૮૮૮૭ મતો મળેલા હતા જયારે બીજા ક્રમે જનસંદ્યનાં ઉમેદવાર શ્રી હરજીવનભાઇ વેલજીભાઇ જસાણી રહ્યા હતા. તેમને ૩૧૭૩ મતો મળેલા હતાં.

પોરબંદર જિલ્લો  થયા બાદ હાલમાં જિલ્લામાં વિધાનસભા મતવિસ્તારની બે બેઠક  ૮૩- પોરબંદર અને ૮૪- કુતિયાણાની બેઠકનો સમાવેશ થાય છે. આ બન્ને બેઠકો માટે જિલ્લાનાં મતદારો આગામી ૯/૧૨નાં રોજ પોતાનો મતદાન કરીને બંધારણે આપેલ અધિકારનો ઉપયોગ લોકશાહીને ઉજાગર કરશે.

: આલેખન :

જે.ડી.ત્રિવેદી

નોડલ ઓફિસર મિડીયા

સહાયક માહિતી નિયામક, પોરબંદર

 

(11:33 am IST)