Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

જસદણમાં સોમવારે હાર્દિક પટેલનો રોડ-શોઃ આટકોટમાં સભા

'પાસ'ના કન્વીનરનું વિવિધ સમાજના આગેવાનો સ્વાગત કરશેઃ તડામાર તૈયારી

ગામડે-ગામડે લોકો પરિવર્તનની રાહ જોવે છેઃહવે જનતાની સરકાર બનશેઃ હાર્દિક પટેલ

પાસના કન્વીનર અને અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ સૌરાષ્ટ્રમાં પરિભ્રમણ કરીને ઠેર-ઠેર જાહેરસભાઓ સંબોધીને સરકાર સામે રોષ વ્યકિત કરે છે. ગઇકાલે માળીયા હાટીના તાલુકાના ખોરાસાગીર, જુનાગઢ જીલ્લાના વિસાવદર, આંકોલવાડી સહિતના વિસ્તારોમાં જાહેરસભા સંબોધી હતી. આ તકે હાર્દિક પટેલે જણાવ્યુ કે, ગામડ-ગામડે લોકો પરિવર્તનની રાહ જોવે છે. હવે જનતાની સરકાર બનશે. આ તકે હાર્દિક પટેલે વધુમાં જણાવ્યુ કે, તાલાલા પંથકમાં વિકાસ ગાંડો થયો નથી પરંતુ વિકાસનો જન્મ જ થયો નથી. આ જાહેરસભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.

જસદણ તા. ર :.. પાટીદાર અનામત આંદોલન સમિતિના  અગ્રણી હાર્દિક પટેલનો જસદણ ખાતે રોડ શો તથા આટકોટ ખાતે જાહેર સભા યોજાશે.

જસદણ તાલુકાના પાસના કન્વીનર સુનિલભાઇ ખોખરીયાના જણાવ્યા મુજબ તા. ૪ ને સોમવારે સવારે ૧૦ કલાકે જસદણના  વિંછીયા રોડ બાયપાસ પાસે પેટ્રોલ પંપ નજીક પાસના અગ્રણી હાર્દિક પટેલનું આગમન થશે.

ત્યાંથી રોડ શો શરૂ થશે. જેમાં મોટી સંખ્યામાં મોટર કાર, બાઇક સહિત અનેક યુવાનો જોડાશે. રોડ શોના રૂટ દરમિયાન આરામ ગૃહ નજીક કોળી સમાજ, જુના બસ સ્ટેન્ડે આંબેડકરજીની પ્રતિમા પાસે દલીત સમાજ, ગેબનશા સોસાયટી પાસે મુસ્લીમ સમાજ, રામાનંદી સમાજ વગેરે હાર્દિક પટેલનું સ્વાગત કરશે. જસદણના ચીતલીયા રોડ ઉપર સરદાર ચોક ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને હાર્દિક પટેલ ફુલહાર કરશે.

રોડ શો આગળ વધીને નવા બસ સ્ટેન્ડ, બાયપાસ સર્કલ ખાતે પહોંચશે. આટકોટ રોડ બાયપાસ સર્કલ ખાતે રોડ શો પુર્ણ થયા બાદ જસદણ તાલુકાના આટકોટ ખાતે સરદાર ચોકડી, ઉપર સરદાર પટેલની પ્રતિમાને હાર્દિક પટેલ પુષ્પમાળા પહેરાવીને આટકોટ ખાતે જાહેરસભા સંબોધશે. આ રોડ-શો, જાહેર સભાના કાર્યક્રમમાં રાજકોટ જીલ્લાના વિવિધ શહેરોના પાસના કન્વીનર ઉપસ્થિત રહેશે. કાર્યક્રમની વિગતો આપતા જસદણ પાસના કન્વીનર સુનલભાઇ ખોખરીયાએ જણાવ્યું હતું કે જસદણના રોડ શો માં આટકોટ, પાંચવડા, જીવાપર, જંગવડ, વીરનગર, સાણથલી, નવાગામ, કમળાપુર, લીલાપુર, ભાડલા, ભંડારીયા, શીવરાજપુર, માધવીપુર, ઝુંડાળા, મઢડા, પીપળીયા, ગોખલાણા, જસદણ શહેરના ગંગા ભુવન,  ચીતલીયા રોડ, આટકોટ રોડ, સમાત રોડ સહિતના ગામડાઓ, વિસ્તારોમાંથી અંદાજે રપ૦ થી વધારે મોટર સાયકલ સાથે યુવાનો તેમજ ર૦૦ થી વધારે ગાડીઓ જોડાશે. જસદણ ખાતે ઐતિહાસીક રોડ શો તેમજ આટકોટમાં વિશાળ જનમેદની સાથેની જાહેર સભા યોજાશે.

જસદણ પંથકમાં મતદાનના પાંચ દિવસ પૂર્વે જ હાર્દિક પટેલના કાર્યક્રમને લઇને રાજકીય ધમધમાટ શરૂ થયો છે.

(11:32 am IST)