Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

શ્રી સોમનાથ મહાદેવ મંદિર સંકલ્પ સિદ્ધિ દિવસની ઉજવણી

 વેરાવળ-પ્રભાસપાટણઃ શ્રી સોમનાથ મંદિરનું નિર્માણકાર્ય સતત ચાલતુ રહ્યું. શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ પૂ. શ્રી મોરારજીભાઈ દેસાઈ જ્યારે ભારતના વડાપ્રધાન હતા ત્યારે તેમના નિવાસ સ્થાને દિલ્હીમાં મળેલી બેઠકમાં સોમનાથ મંદિરના સભા મંડપ આગળ નૃત્યમંડપ બાંધવાનો નિર્ણય લેવામા આવ્યો. આ કાર્ય પૂર્ણ થયેલ નૃત્યમંડપ ઉપર તા. ૧ ડિસે. ૧૯૯૫ના રોજ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી શંકરદયાળ શર્માએ કળશ આરોપણ કરી સોમનાથનું મંદિર રાષ્ટ્રને સમર્પિત કર્યુ. શિલ્પશાસ્ત્રની દ્રષ્ટિએ નાગર શૈલીમાં બંધાયેલા આ મંદિરમાં ગર્ભગૃહ, અંતરાલ, પ્રદક્ષિણાપથ, સભામંડપ, નૃત્યમંડપ અને સાત માળવાળુ ૧૫૫ ફુટ ઉંચુ શિખર છે. તેના પર ૩૧ ફૂટ ઉંચો ધ્વજદંડ છે. આ ભવ્ય મંદિર 'સંહાર શકિત કરતા સર્જન શકિત વધારે બળવાન છે' આજે સોમનાથ મંદિરનો સુવર્ણ યુગ ફરી પાછો આવી રહ્યો છે, ભગવાન સોમનાથનું ગર્ભગૃહ શિખર સુવર્ણમંડિત બનેલ છે, નૃત્યમંડપના કળશોને પણ ટ્રસ્ટ તરફથી દાતાશ્રીઓના સહયોગથી સુવર્ણમય કરવા પ્રયાસો હાથ ધરાયા છે, ત્યારે આવનાર યાત્રિક સોમનાથના સ્વર્ણિમ ઈતિહાસની ઝાંખી કરે તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટના સર્વે ટ્રસ્ટીઓ દ્વારા યાત્રી સુવિધા વધુને વધુ મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ છે. આજ રોજ ૧ ડિસેમ્બરના સોમનાથ મંદિર સંકલ્પ સિદ્ધિ દિનની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. સોમનાથ મહાદેવની મહાપૂજા, સાયંઆરતીમાં દિપમાળા કરવામાં આવેલ તેમજ વિશ્વ કલ્યાણની સોમનાથજી પાસે યાચના કરવામાં આવી હતી (તસ્વીર-અહેવાલઃ દિપક કક્કડ-વેરાવળ, દેવાભાઈ રાઠોડ-પ્રભાસપાટણ)

(11:30 am IST)