Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

જુનાગઢ જીલ્લામાં ચુંટણી તંત્ર દ્વારા અપક્ષ ઉમેદવારને ચુંટણી પ્રતીકોની ફાળવણી

જૂનાગઢ તા.૨ : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી ૨૦૧૭ માટે દરેક રાજકીય પક્ષના ઉમેદવારો ઉપરાંત અપક્ષ ઉમેદવારોના નામ ફાઇનલ થઇ ચુકયા છે. ત્યારે ચૂંટણીપંચ દ્વારા માન્ય રાજકીય પક્ષોના નક્કી કરેલા પ્રતિકો ઉપરાંત અપક્ષ ઉમેદવારોને ચૂંટણી ચિન્હોની ફાળવણી કરવામાં આવે છે. તેવી જ રીતે જૂનાગઢ જિલ્લામાં ચૂંટણીતંત્ર દ્વારા અપક્ષ ઉમેદવારોને અવનવા ચૂંટણી પ્રતિકની ફાળવણી કરવામાં આવી છે.

જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક માટે ૫૦ હરીફ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાનાર છે. જેમાં મુખ્ય રાજકીય પક્ષોમાં  ભાજપનું કમળ , ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું હાથ, બહુજન સમાજપાર્ટીનુ હાથી, બહુજન મુકિત પાર્ટીનું ખાટલો, ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીનું ટ્રેકટર ચલાવતો ખેડૂત, અને ગુજરાત જન ચેતના પાર્ટીનું હીરો એવું પ્રતીક છે. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક માટે ૨૦ અપક્ષોએ ઉમેદવારી નોંધાવી છે. તે તમામ અપક્ષોના ચૂંટણી પ્રતીકોની વાત કરીએ તો, ૮૫ માણાવદર વિધાનસભામાં અપક્ષ ઉમેદવાર ટાંક અમૃતલાલનું અનાનસ, વાણવી હિતેન્દ્રભાઈનું કેમેરો, સોઢા હુશેનાબેનનું પ્રેશર કુકર પ્રતીક છે.

૮૬ જૂનાગઢ વિધાનસભામાં અપક્ષ ઉમેદવાર રાઠોડ ઇન્દ્રજીતસિંહનું ફુગ્ગો, દલસાણીયા ભરતભાઈનું સીવવાનો સંચો, નોયડા અબુભાઈનું ઓટો રિક્ષા , વસોયા રમેશભાઈનું રોડ રોલર, સરધારા હરેશકુમારનું નાળિયેરીનું ખેતર ચૂંટણી પ્રતીક છે.૮૭ વિસાવદર વિધાનસભામાં અપક્ષ ઉમેદવાર આગવાં સાદિકનું ડોલ, મકવાણા ધર્મેન્દ્રભાઈનું કપ રકાબી, સુમરા હારૂનભાઈનું ઓટો રિક્ષા ચૂંટણી પ્રતીક છે. ૮૮ કેશોદ વિધાનસભામાં અપક્ષ ઉમેદવાર અશોકભાઈ પાલાનું પ્રેશર કુકર, દવે કપિલભાઈનું અલમારી, વણપરીયા પ્રવિણભાઈનું દીવાસળીની પેટી, મકવાણા મહેશભાઈનું કેમેરો, ડેડવાણીયા લલિતકુમારનું મગફળી જયારે પંડ્યા શૈલેષકુમારનું નાળિયેરીનું ખેતર પ્રતીક છે.

૮૯ માંગરોળ વિધાનસભામાં અપક્ષ ઉમેદવાર ચાંદેગરા સંજયકુમારનું ટીલર, દલ ઈકબાલભાઈનું અલમારી અને સાતભાયા અશ્વિનલાલનું માઈક ચૂંટણી પ્રતીકની ફાળવણી કરવામાં આવી છે.

 

(9:44 am IST)