Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

ગોંડલની બજારમાં દિવાળીની ખરીદી નીકળવાની વેપારીઓને આશા

ગોંડલ,તા.૨:  નાની-મોટી બજાર, ગુંદાળા શેરી તેમજ બસ સ્ટેન્ડ રોડ પર હોલસેલ તેમજ રિટેઇલ ખરીદી માટે રાજકોટ, જામનગર, પોરબંદર, વેરાવળ, જસદણ સહિત સૌરાષ્ટ્રભરમાંથી લોકો અને વેપારીઓ આવતા હોય દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે વધુ ખરીદી નીકળવાની વેપારીઓ આશા સેવી રહ્યા છે.

સસ્તા અને સારા કપડા ની ખરીદી માટે ગોંડલ નું માર્કેટ સૌરાષ્ટ્રભરમાં જાણીતું છે કપડાની માર્કેટ માં ખરીદીના કરંટ અંગે રેડીમેટ કાપડ એસોસિયેશનના પ્રમુખ કોલેજીયન મોલના સલીમભાઈ શેખાણીએ જણાવ્યું હતું કે હાલ માર્કેટમાં લોકો પાસે પૈસા નથી જેના પરિણામે લોકો છૂટથી ખરીદી કરી શકતા નથી પરંતુ વેપારી અને ગ્રાહકો વચ્ચે રોટેશન જળવાઈ રહે એ માટે 'નહિ નફો નહિ નુકસાની'ના ધોરણે વેપારીઓ કામકાજ કરી રહ્યા છે જેના પરિણામે થોડી ખરીદી નીકળી છે આશા છે કે દિવાળીના એક સપ્તાહ પહેલા તહેવાર ની ખરીદી માટે લોકો બજારમાં જરૂરથી આવશે.

ગુંદાળા શેરી ના કોર્નર પર આવેલ જેની વેરાયટી ના દુકાનદાર જૂજરભાઈ સાદીકોટે જણાવ્યું હતું કે નાની મોટી બજાર, ગુંદાળા શેરી માં સવાર સાંજે ત્રણ ચાર કલાક ગ્રાહકો ઉમટી રહ્યા છે નોવેલ્ટી ની આઈટમોમાં દિવાળીની સાથોસાથ લગ્નસરાની પણ ખરીદી થઇ રહી છે જેનું મુળ કારણ ગોંડલનું સસ્તું માર્કેટ પણ કહી શકાય તેમ છે ગોંડલના વેપારીઓ ઓછા નફે ઝાઝુ વેચાણ કરી રહ્યા છે આ ઉપરાંત બજારમાં મોટા ભાગના વેપારીઓ પેઢીગત હોય શોરૂમના કે અન્ય કોઈ ખોટા ખર્ચા ચળતા ન હોય ગ્રાહકોને વ્યાજબી ભાવે માલ આપી શકે છે તેથી સૌરાષ્ટ્રભરના લોકો અહીંથી ખરીદી કરી રહ્યા છે.

(11:46 am IST)