Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

ભાવનગર જીલ્લા પંચાયતના નિવૃત કર્મચારીના ૮૦ હજાર રોકડ ભરેલ થેલાને ઝુંટવી બાઇકસ્વાર ફરાર

(ઘેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ર : ભાવનગરમાં જીલ્લા પંચાયતના નિવૃત કર્મચારી પાસે રહેલા રૂા. ૮૦ હજારની રોકડ ભરેલા થેલાની બાઇક ઉપર આવેલ શખ્સ આંચકી નાસી છૂટયો હતો.

વિગતો એવી છે કે શહેરના સીદસર રોડ પર ચંદ્રહિલ રેસીડેન્સીમાં રહેતા જીલ્લા પંચાયત નિવૃત કર્મચારી ગજેન્દ્રસિંહ શિવુભા રાયજાદા ઉ.વ.પ૯ તેના ઘરેથી રોકડા રૂા. ૮૦ હજાર થેલામાં લઇ બજારમાં ખરીદી કરવા રિક્ષામાં બેસી જતા હતાં ત્યારે રિક્ષામાં તેની એક બાજુ એક મહિલા અને બીજી બાજુ એક યુવાન બેઠો હતો. આ મહિલાએ ગજેન્દ્રસિંહની પાસે રહેલ થેલામાંથી પૈસા કાઢવાની કોશિશ કરતા તેઓએ રિક્ષા ઉભી રખાવી ભીડભંજન  મહાદેવ નજીક માયા ટ્રાવેલ્સની ઓફીસ નજીક રિક્ષામાંથી ઉતરી ગયા હતાં અને ચાલતા થયા કે તુરંત જ પાછળથી એક બાઇક ઉપર આવેલ શખ્સ રૂા. ૮૦ હજારની રોકડ ભરેલા થેલાને ઝુંટવી નાસી છૂટયો હતો. આ અંગે પોલીસને જાણ કરાતા એ.એસપી, એ-ડીવીઝનના પી.આઇ., પીએસઆઇ. સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ વિસ્તારમાં ગોઠવેલા સી.સી. ટી.વી. કેમેરાના ફુટેજની ભોગ બનનાર ગજેન્દ્રસિંહને બતાવી લૂંટ ચલાવી નાસી છૂટેલ બાઇક ચાલકનું બાઇક નં.જીજે-૧૩-એફએફ-૧૦૮૬નો હોવાનું ઓળખી બતાવતા પોલીસે તેની ફરીયાદને આધારે આ બાઇક ચાલક વિરૂદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:43 am IST)