Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

પાલીતાણામાં ગળુ દબાવી પત્નિને મારી નાખી

લાશને સ્કૂટરમાં રાખી ફેંકવા જતા લોકો જોઇ જતા પકડીને પોલીસને સોંપી દીધો : પાંચ મહિના પહેલા જ લગ્ન થયા હતા : ઘરેલુ ઝઘડો મુખ્ય કારણ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ર : તીર્થનગરી પાલીતાણામાં ઘરેલુ ઝઘડામાં પત્નીની હત્યા કરી લાશને સગેવગે કરવા એકટીવા સ્કૂટરમાં લાશને લઇ જતા પતિને લોકોએ જોઇ જતાં તેને ઝડપી લીધો હતો અને પોલીસને હવાલે કર્યો હતો.

ફિલ્મી સ્ટોરીના બનાવ જેવા આ ખૂનના બનાવની વિગતો મુજબ પાલીતાણામાં સીંધી કેમ્પમાં રહેતા યુવાન અમીત મથુરજી હેમનાણીને તેની પત્નિ નયનાબેન સાથે કોઇ બાબતે ઝઘડો થતાં આવેશમાં આવી જઇ અમિતે પત્નિનું ગળુ દબાવી દેતા તેનું મોત નિપજયું હતું.

 પત્નિીની હત્યા થયા બાદ લાશને સગેવગે કરવા અમિતે તેના એકટીવા સ્કૂટર નં.જી.જે.-૪-એસ-૪૭૦૦ ના આગળના ભાગે પત્નિની લાશને મૂકી ઉપર કપડુ ઢાંકી દઇ નજીકના રોહીવાળા ગામ પાસેના સીમમાં ફેંકવા જતો હતો ત્યારે રસ્તામાં પવનથી કપડું ઉડતાં આગળ મૂકેલ મૃતદેહને કોઇ ગ્રામ્યજન જોઇ જતાં તેને અવાજ કરતા અમિતે સ્કૂટર પુરઝડપે હંકાર્યું હતું, પરંતુ આગળ અન્ય ગ્રામ્યજનો આ જોઇ જતા તેને ઝડપી લીધો હતો.

સ્કૂટરમાં પત્નિનના મૃતહેદને લઇ સગેવગે કરવા જતાં આ યુવાનને જોઇ ગ્રામજનો ચોંકી ઉઠયા હતાં અને આ અંગે પોલીસને અજાણ કરાતા પાલીતાણાના પી.આઇ. ચૌધરી સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

આ બનાવમાં વધુમાં જાણવા મળતી વિગતો મુજબ આરોપી અમિત અને મૃતકના લગ્ન પાંચ મહિના પહેલા જ થયા હતા. અમિત કરીયાણાની દુકાન અને ઘંટી ચલાવે છે. આ બનાવથી પાલીતાણા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ બનાવ અંગે ફરીયાદ નોંધવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

(11:22 am IST)