Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

જેતપુરના મેળામાં અશ્લીલ નાચગાન અંગે તપાસ કરાશેઃ રૂરલ એસપી બલરામ મીણા

મેળો પૂર્ણ થઈ ગયો છે તેમ છતા કોઈ પુરાવા મળશે તો પગલા લેવાશેઃ સ્થાનીક પોલીસની ભૂમિકા પણ ચકાસાશે

રાજકોટ, તા. ૨ :. જેતપુરના જીમખાના મેદાનમાં યોજાયેલ લોકમેળામાં જાદુગરના શોમાં અશ્લીલ નાચગાન થતા હોવાની ઉઠેલ ફરીયાદ બાદ આ અંગે રૂરલ એસ.પી. બલરામ મીણાએ તપાસ કરવાનો હુકમ કર્યો છે. તેમજ સ્થાનિક પોલીસની ભૂમિકા અંગે પણ તપાસ કરાશે.

જેતપુરના જીમખાના મેદાનમાં જેસીઆઈ દ્વારા તા. ૨૮ થી ૧ સુધી લોકમેળાનું આયોજન કરાયુ હતું. આ મેળામાં જાદુગરના શોમાં યુવતીઓ દ્વારા અશ્લીલ નાચ કરી ગ્રાહકોને લલચાવી રૂપિયા પડાવાતા હોવાની અને અમુક છેલબટાઉ યુવાનો રૂપિયા આપે તો તેની સામે અંગ પ્રદર્શન કરવામાં આવતુ હોવાની ફરીયાદો ઉઠી હતી. જાદુગર શોમાં સંસ્કારી પરિવાર જાદુગરના ખેલ જોવા જાય છે પરંતુ ત્યાં આવા અશ્લીલ નાચગાન જોઈ શરમમાં મુકાઈ જતા હોવાની ફરીયાદો ઉઠી હતી.

દરમિયાન લોકમેળાના અશ્લીલ નાચગાન અંગેના અહેવાલો પ્રસિદ્ધ થતા રૂરલ એસપી બલરામ મીણાએ આ અંગે તપાસનો હુકમ કર્યો છે. એસ.પી. બલરામ મીણાએ જણાવ્યુ હતુ કે, લોકમેળો ચાલુ હતો ત્યાં સુધી કોઈએ ફરીયાદ ન કરી અને ગઈકાલે મેળો પૂર્ણ થતા જ ફરીયાદો આવવા માંડી છે. જો કે અશ્લીલ નાચગાન અંગે કોઈ પુરાવા મળે તો આયોજકો સામે કાર્યવાહી કરવામાં આવશે. એટલુ જ નહિ સ્થાનિક પોલીસ આ અંગે અજાણ હતી કે કેમ ? તે અંગે પણ તપાસ કરાશે.

(11:47 am IST)