Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

જસદણ પાલિકાની સામાન્ય સભા ૧૦ મીનીટમાં જ પૂર્ણ : ભાજપના જ પૂર્વ પ્રમુખ સહિત ૧પ સભ્યો દ્વારા ઠરાવો સામે વાંધો

 આટકોટ-જસદણ, તા. રઃ જસદણ નગરપાલિકાની સજ્જડ પોલીસ બંદોબસ્ત સાથે યોજાયેલ સામાન્ય સભા ફકત ૧૦ મીનીટસમાં પૂર્ણ થતાં લોકશાહીને ઝાંખપ લાગે એવા દૃશ્યો તાદૃશ્યો સામે આવ્યા હતાં. જસદણ નગરપાલિકાની આજે સામાન્યસભામાં કેટલાય એવા શંકાસ્પદ મુદ્દા હતાં.

જેનાથી જસદણની પ્રજાના ખીસ્સામાંથી કરોડો રૂપિયા સેરવાય જાય અને ભૂતકાળમાં જુદા જુદા કામોમાંથી કટકી અને કૌભાંડ ઓફીસરો અને નગરસેવકોએ મળીને કર્યું હતું. એવા કેટલાક મુદ્દાઓ સામાન્યસભામાં હતાં. આ સામાન્યસભા ૧૦ મીનીટ ચાલી હતી અને ત્યારબાદ પ્રમુખએ એવું કહ્યું કે, અમને દરેક ઠરાવ પસાર કરવા માટે ૧પ સભ્યોએ ટેકો આપ્યો છે. હવે સભા સમાપ્ત થાય છે. જે સભ્યોને વાંધો વચકો હોય તે લેખિતમાં આપે. આ સામાન્યસભા ફકત ૧૦ મીનીટમાં પૂર્ણ થતા કેટલાક સભ્યો બબડતા બહાર નીકળી ગયા હતાં, પણ શાસક કે વિરોધ પક્ષના એક પણ સભ્ય મીડીયા સમક્ષ આવ્યા નહોતા, પરંતુ ૧૬ સભ્યોએ આ સામાન્યસભા રદ થાય એવું લેખિત આપેલ હતું. આ સામાન્યસભાનો નિર્ણય શું થયો તે અંગે ચીફ ઓફીસર શ્રી ચૌહાણને પૂછતા તેમણે જણાવ્યું કે હું હજી કાગળીયા કરૂ છું પછી નિર્ણય લઇશ.

ગઇકાલે મળેલી સામાન્યભામાં શાસક પક્ષ ભાજપના જ પૂર્વ પ્રમુખ દિપુભાઇ ગીડા સહિત ૧પ જેટલા ભાજપ કોંગ્રેસના સભ્યો દ્વારા અમુક ઠરાવો સામે લેખીતમાં વાંધો લેતા જસદણના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે.  ઉલ્લેખનીય છે કે જસદણ પાલિકામાં ભાજપને પ્રચંડ બહુમતી મળી હોવા છતાં પાલિકામાં વિકાસના કામોને બદલે સભ્યો વચ્ચેની ખેંચતાણે વિકાસના કાર્યો ઉપર અસર પડી રહી છે.

(3:40 pm IST)