Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

જસદણ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા બાંભણીયાની માંગ

જસદણ તા.૨: જસદણના પૂર્વ ધારાસભ્ય અને ખેડૂત આગેવાન શ્રી ભીખાભાઇ બાંભણીયાએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને કૃષિ મંત્રી શ્રી આર.સી. ફળદુને એક પત્ર પાઠવીને જસદણ તાલુકાને તાકીદે અછતગ્રસ્ત જાહેર કરવા માંગણી કરી હતી.

બાંભણીયાએ જણાવ્યું છે કે, જસદણ તાલુકાનાં ગામડાઓમાં ચાલુ વર્ષે સામાન્યથી અતિ સામાન્ય વરસાદ થયેલ છે. અને આ વરસાદ પણ માત્ર એક જ મહિનામાં બે થી ત્રણ વખત થયો હોય શરૂઆતમાં મોલાતને જીવતદાન મળ્યું હતું પરંતુ ત્યાર પછી સમગ્ર ચોમાસા દરમ્યાન બિલકુલ વરસાદ નહિ થવાથી બિન પિયત પાકને બહુ મોટું નુકસાન થયેલ છે. બિનપિયત મગફળીનો અંદાજિત બી-બમણો એટલે કે વિઘે માત્ર બે થી ત્રણ મણનો ઉતારો આવેલ છે. જયારે કપાસની પરિસ્થિતિ પણ ઘણી નબળી છે. કપાસમાં સામાન્ય જિંડવા આવેલા હતા પરંતુ વરસાદ નહિ થવાથી કપાસનો પાક સદંતર સુકાવા લાગ્યો છે. કપાસનો પાક પણ સદંતર નિષ્ફળ જાય તેવી તમામ સંભાવનાઓ છે.

ભીખાભાઇએ નિર્દેશ કયોૃ હતો કે, દિવાળી પછી ખેડૂતો, ખેતમજુરો અને પશુપાલકો માટે ખૂબ મુશ્કેલ પરિસ્થિતિનું નિર્માણ થાય તેવા સંજોગો છે ત્યારે ખેડૂતોને આર્થિક સહાય મળે, મજૂરોને રોજીરોટી મળે તેમજ પશુપાલકોને ઘાસચારાની સગવડતા મળે અને પીવાનાં પાણીની વ્યવસ્થા થાય તે માટે જસદણ તાલુકાને તાકીદે અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે તે સમયની માંગ છે.

વિંછીયા તાલુકાને તાજેતરમાં અછતગ્રસ્ત જાહેર કરવામાં આવેલ છે પરંતુ તેની નજીકમાં જ આવેલા જસદણ તાલુકાનાં ગામડાઓની પરિસ્થિતિ પણ એવી જ છે. તે ધ્યાને લઇ જસદણ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવો જોઇએ તેમ શ્રી ભીખાભાઇએ રજૂઆતનાં અંતે જણાવ્યું હતું.

 

(12:14 pm IST)