Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

વાંકાનેર મામલતદાર, સુરેન્દ્રનગર ડે. મામલતદાર અને રાજકોટ જીલ્લા પંચાયતના સદસ્ય પાદરિયાના જામીન હાઈકોર્ટે ફગાવ્યાં

મોરબી કલેકટર આર.જે. માંકડિયા દ્વારા થયેલી પ્રસંશનિય કામગીરી બદલ એસીબી વડાએ અભિનંદન પાઠવ્યાં : કેશવકુમાર દ્વારા 'કટકીબાજો'ને કાનૂની જંગમાં પરાસ્ત કરવાનું અભિયાન હિમાંશુ દોશી આગળ વધારે છે

રાજકોટ : ગુજરાત એ.સી.બી.ના ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન અંતર્ગત એ.સી.બી.ના નિયામક કેશવકુમાર તથા અધિક નિયામક દિપકભાઇ ભટ્ટના નેતૃત્વ હેઠળ વાંકાનેર મામલતદાર વિજયભાઇ ચેહાભાઇ ચાવડા તથા તેમના પટ્ટાવાળા ઇલીયાસભાઇ ખ્યાર વિરૂદ્ધ તા. ૨૯-૯-૧૮ના રોજ લાંચનું છટકું ગોઠવવામાં આવેલ, જે લાંચનું છટકું સફળ રહેવા પામેલ, જેમાં મામલતદાર શ્રી ચાવડા ફરાર થઇ ગયેલ, ત્યારબાદ એ.સી.બી.ના અધિકારીશ્રીઓ તથા સ્ટાફ મારફતે તપાસ કરતા મામલતદારશ્રી ચાવડા મળી આવેલ નહી, બાદ મામલતદારશ્રી ચાવડાએ મોરબી સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન મળવા સારૂ અરજી કરેલ. જે આગોતરા જામીન અરજી નામદાર કોર્ટે નામંજુર કરેલ.

દરમ્યાન એ.સી.બી. નિયામક કેશવકુમારનાં માર્ગદર્શન મુજબ રાજકોટ એ.સી.બી.ના મદદનિશ નિયામક એચ.પી. દોશી તથા પોલીસ ઇન્સ્પેકટર શ્રી સુરેજાએ મોરબી કલેકટરશ્રી આર.જે. માકડિયા સાથે આ બાબતે પત્રવ્યવહાર કરેલ જે અન્વયે કલેકટરશ્રી માકડિયા સાહેબ દ્વારા તા. ૨૦-૧૦-૧૮ના રોજ આરોપી મામલતદાર ચાવડાને ફરજમાં ગેરહાજર રહેવા અંગેની નોટીસ કાઢવામાં આવેલ અને શ્રી ચાવડાના ઘરે જઇ ફરજ પર ગેરહાજર હોવા અંગેની નોટીસની બજવણી કરવામાં આવેલ જે નોટીસમાં તમે ભ્રષ્ટાચાર અંગેના મોરબી એ.સી.બી.પો.સ્ટે. ગુ.ર.નં.૦૨/૨૦૧૮ના કામે બિનઅધિકૃત રીતે ફરજ પરથી ગેરહાજર છો તેમ જણાવવામાં આવેલ.

ત્યારબાદ મોરબી કલેકટર શ્રી માકડિયાએ તા. ૨૬-૧૦-૧૮ના રોજ નાયબ સચિવશ્રી, મહેસુલ વિભાગ, ગાંધીનગરનાઓને પત્ર લખી, મામલતદાર ચાવડા ભ્રષ્ટાચારના ગુન્હામાં ગેરહાજર હોય, જેથી આ મહત્વની જગ્યાએ બીજા કોઇ અધિકારીને તુર્ત જ નિમણૂંક આપવા વિનંતી કરેલ છે. આમ ભ્રષ્ટઅધિકારીને હાજર કરાવવા અંગે નોટીસ કાઢવાની કાર્યવાહી તેમજ તેમની જગ્યાએ સારી છાપ ધરાવતા અધિકારીની નિમણૂંક આપવાની સરકારમાં રજુઆત કરવાના પગલા ભરવાની પ્રશંસનીય કામગીરી કરેલ જે બાબતે એન્ટી કરપ્શન બ્યુરોના નિયામક કેશવકુમાર સાહેબે મોરબી કલેકટર શ્રી માકડિયાને અભિનંદન પાઠવેલ.

મામલતદાર ચાવડાએ નામદાર સેસન્સ કોર્ટના આગોતરા જામીન રદના હુકમ સામે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન મળવા સારૂ અરજી કરેલ. જેની મુદત તા. ૩૦-૧૦-૧૮ના રોજ આવતા તપાસ કરનાર અધિકારીએ વિગતવારના સચોટ કારણો સાથે સોગંદનામું રજુ કરેલ તેમજ એ.સી.બી.ના નિયામક એ એ.સી.બી.ના કાયદા સલાહકારને નામદાર હાઇકોર્ટ ખાતે હાજર રખાવી આગોતરા જામીન રદ કરાવવા અંગેની કાર્યવાહી કરાવેલ. જે અન્વયે આજરોજ નામદાર હાઇકોર્ટે આરોપીની આગોતરા જામીન અરજી નામંજુર કરેલ છે.

તા. ૧૮-૯-૧૮ના રોજ જેતપુર ખાતે ગોઠવેલ છટકા દરમ્યાન શ્રી કિશોરભાઇ પોપટભાઇ પાદરિયા જિલ્લા પંચાયત સદસ્ય રહે. મંડલીકપુર, તા. જેતપુર જિ.રાજકોટ વાળા ફરિયાદી પાસેથી રૂ. ૨,૦૦,૦૦૦/-ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ જતા આરોપી વિરૂદ્ધ રાજકોટ ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં.૪/૨૦૧૮ મુજબનો ગુન્હો દાખલ થયેલ અને સદરહું ગુન્હાની આગળની તપાસ કરનાર અધિકારી એ આરોપીને રીમાન્ડ રીપોર્ટ સાથે નામ. સેસન્સ કોર્ટ, જેતપુર ખાતે રજે કરેલ અને રીમાન્ડ પુર્ણ થતાં આરોપીને નામનદાર કોર્ટમાં રજુ કરતા આરોપી જેલ હવાલે થયેલ, બાદ આરોપીએ નામદાર સેસન્સ કોર્ટ જેતપુરમાં રેગ્યુલર જામીન મળવા સારૂ અરજી કરતા તપાસ કરનાર અધિકારીશ્રી એ વિગતવારના કારણો સાથે સોગંદનામું રજુ કરતા નામ, સેસન્સ કોર્ટ જેતપુર એ આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરેલ છે.

ત્યારબાદ શ્રી પાદરિયાએ નામદાર સેસન્સ કોર્ટના જામની રદના હુકમ સામે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં જામીન મળવા સારૂ અરજી કરેલ. જેની મુદ્દત તા. ૩૦-૧૦-૧૮ના રોજ આવતા તપાસ કરનાર અધિકારીશ્રીએ વિગતવારના સચોટ કારણો સાથે સોગંદનામું રજુ કરેલ તેમજ એ.સી.બી.ના નિયામક શ્રી એ એ.સી.બી.ના કાયદા સલાહકાર શ્રીને નામદાર હાઇકોર્ટ ખાતે હાજર રખાવી, જામીન અરજી નામંજુર કરાવવા અંગેની કાર્યવાહી કરાવેલ. જે અન્વયે આજરોજ નામદાર હાઇકોર્ટે આરોપીની જામીન અરજી નામંજુર કરેલ છે.

જામીન અરજી નામ. સેસન્સ કોર્ટ સુરેન્દ્રનગરમાંથી રીજેકટ થયા બાબત

તા. ૧૪-૧૦-૧૮ના રોજ સુરેન્દ્રનગર ખાતે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન શ્રી જીતેન્દ્રકુમાર કાંતિલાલ વાઘેલા નાયબ મામલતદાર ચાર્જ જેલર, સબ જેલ ધ્રાંગધ્રા, વર્ગ-૩ રહે. નવો ૮૦ ફુટ રોડ, નવકાર સોસાયટી, સુરેન્દ્રનગર વાળા ફરિયાદી પાસેથી રૂ. ૭,૦૦૦/-ની લાંચની માંગણી કરી ઝડપાઇ જતા આરોપી વિરૂદ્ધ સુરેન્દ્રનગર એ.સી.બી. પો.સ્ટે. ગુ.રનં.૭/૨૦૧૮ મુજબનો ગુન્હો દાખલ થયેલ અને સદરહું ગુન્હાની આગળની તપાસ શ્રી એમ.બી.જાની પોે.ઇન્સ. એ.સી.બી. પો.સ્ટે. સુરેન્દ્રનગર નાઓએ સોંપવામાં આવેલ હતી અને તપાસ કરનાર અધિકારીએ આરોપીને રીમાન્ડ રીપોર્ટ સાથે નામ. સેસન્સ કોર્ટ, સુરેન્દ્રનગર ખાતે રજુ કરેલ અને રીમાન્ડ પુર્ણ થતા આરોપીને નામદાર કોર્ટમાં રજુ કરતા આરોપી જેલ હવાલે થયેલ, બાદ આરોપીએ નામદાર સેસન્સ કોર્ટ સુરેન્દ્રનગરમાં રેગ્યુલર જામીન મળવા સારૂ અરજી કરતા તપાસ કરનાર અધિકારી શ્રીએ વિગતવારના કારણો સાથે સોગંદનામું રજુ કરતા નામ. સેસન્સ કોર્ટ સુરેન્દ્રનગર એ આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરેલ છે.

(12:08 pm IST)