Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

પેટા ચૂંટણીના પડધમઃ રવિવારે જસદણમાં કોંગ્રેસ દ્વારા ખેડૂત મહા સંમેલન

અમિતભાઇ ચાવડા, પરેશભાઇ ધાનાણી સહિત કોંગ્રેસના ૧૦ ધારાસભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહેશે

આટકોટ તા.૨: જસદણની પેટા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે જસદણ ખાતે આગામી તા. ૪ના રોજ બપોરે ર કલાકે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિતભાઇ ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત અનેક ધારાસભ્યોની હાજરીમાં જસદણ વિંછીયા કોંગ્રેસ સમિતી દ્વારા ખેડૂત મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

જસદણનાં જુના માર્કેટીંગ યાર્ડ ખાતે આગામી તા. ૪ને રવિવારના રોજ બપોરે બે વાગ્યે યોજાનારા આ ખેડૂત સંમલનમાં મુખ્ય મુદ્દાઓમાં જસદણ તાલુકાને અછત-ગ્રસ્ત જાહેર કરવો, જસદણ -વિંછીયા તાલુકામાં ગયા વર્ષે પાક વિમામાં યોગ્ય કરવા, ખેતીવાડીમાં થ્રિ ફેઇજ પાવરના ભાવ ઘટાડવા, ખેત ઉત્પાદીત મગફળી, કપાસની ટેકાના ભાવથી થતી ખરીદી સરળ બનાવવા અન્યથા બોનસ આપવા, ડીઝલ, પેટ્રોલ અને ઘર વપરાશના ગેસ સીલીન્ડરનાં ભાવ નિયંત્રણમાં રાખવા, સેટેલાઇટ જમીન માપણી રદ કરી યોગ્ય માપણી કરવા ૭/૧૨ અને ૮ અ ના ઉતારા મફતમાં આપવા વૃદ્ધ ખેડૂતોને પેન્શન યોજનાના મુદ્દા મુખ્ય છે.

આ ઉપરાંત અછતગ્રસ્ત તાલુકામાં પશુ પાલકો માટે ઘાસચારાની વ્યવસ્થા કરવી તેમજ રાહત કામો તાત્કાલીક ચાલુ કરી ગરીબ વર્ગને રોજીરોટી મળી રહે તે માટે યોગ્ય કરવાની આ સંમલનમાં માંગણી કરવામાં આવશે.

આ સંમેલન જો કે આવનારી જસદણ-વિંછીયા તાલુકાની પેટા ચૂંટણી પહેલા થતુ હોય આ સંમેલનને સફળ બનાવવા જસદણ-વિંછીયા તાલુકાનાં કોંગ્રેસના આગેવાનો જહેમત ઉઠાવી રહયા છે.

આ સંમેલન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઇ ચાવડાના અધ્યક્ષ સ્થાને યોજાશે તેમજ દિપ પ્રાગટય વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણી કરશે.

આ ઉપરાંત ખેડૂત સંમેલનમાં જાહેર હિસાબ સમિતીના ચેરમેન પુંજાભાઇ વંશ, સોમાભાઇ પટેલ ધારાસભ્ય લીંબડી, જસદણ-વિંછીયા વિધાનસભાની પેટા ચૂંટણીના ઇન્ચાર્જ વિરજીભાઇ ઠુંમર ધારાસભ્ય બાબરા, લલીત કગથરા ધારાસભ્ય પડધરી -ટંકારા, જસદણ-વિંછીયા ચૂંટણીના ઇન્ચાર્જ ઋત્વીક મકવાણા ધારાસભ્ય ચોટીલા, મહમદભાઇ પીરજાદા ધારાસભ્ય વાંકાનેર, લલીત વસોયા ધારાસભ્ય ધોરાજી, બ્રિજેશ મેરજા, ધારાસભ્ય મોરબી, લાખાભાઇ ભરવાડ ધારાસભ્ય વિરમગામ, નોસાદભાઇ સોલંકી ધારાસભ્ય દસાડા, શામજીભાઇ ચૌહાણ ચોટીલા, જવેરભાઇ ભાલીયા ભાવનગર રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઇ વોરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.(૧.૨૧)

(11:46 am IST)